ધોરણ ૧૦ અને ૧૨ના પેપરના મૂલ્યાંકનમાં શરતચૂકથી પણ થયેલી ભૂલો ભવિષ્યમાં ચલાવી લેવાશે નહીં : શિક્ષણ મંત્રી

ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (14:51 IST)
ગાંધીનગર: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના જીવનમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ અત્યંત મહત્વની છે ત્યારે આ પરીક્ષાઓના મૂલ્યાંકનમાં શિક્ષક દ્વારા શરતચૂકથી ક્યારેક થતી ભૂલોને કારણે વિદ્યાર્થીને મળતા ગુણમાં જોવા મળતા તફાવત અને એ વિદ્યાર્થીને થતો અન્યાય એ ભવિષ્યમાં ક્યારેય ચલાવી લેવાશે નહીં.
 
ગાંધીનગર ખાતે શિક્ષક સમુદાયને સંબોધતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થી માટે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા નું ખૂબ જ મહત્વ છે. આ પરીક્ષાઓ તેના જીવનનું ઘડતર કરનારી હોય છે ત્યારે પરીક્ષાના પેપરનું મૂલ્યાંકન કરનાર કોઈ શિક્ષક દ્વારા કોઈ નાની સરખી ભૂલથી મળનાર ગુણમાં તફાવત જણાય અને જો વિદ્યાર્થીને અન્યાય થઇ જાય તો ભવિષ્યમાં વિદ્યાર્થીને તેની બહુ જ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે.  
 
આ સંજોગોમાં શિક્ષક દ્વારા પરીક્ષાના પેપરની ચકાસણી સમયે કોઈપણ જાતની શિથિલતા ન દાખવાય તેની શિક્ષકે તકેદારી રાખવાની રહેશે. ભવિષ્યમાં આ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આ બેઠકમાં શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ તથા ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે શાહે પણ આ અંગે શિક્ષકોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શિક્ષકની નાની એવી ભૂલથી જ્યારે વિદ્યાર્થીની કારકિર્દી ડહોળાઈ જાય ત્યારે શિક્ષકે ખૂબ જ સાવચેતીપૂર્વક પરીક્ષાના પેપરના મૂલ્યાંકનની કામગીરી ભવિષ્યમાં કરવાની રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર