ધોરણ ૧૦ અને ૧રના ર૦.૦પ લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, જાણો કેવી છે તૈયારીઓ અને કાર્યક્રમ

ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (11:18 IST)
ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા તા.૧૪ થી ૨૬ ફેબ્રુઆરી-ર૦ર૦ અને તા. પ થી ૨૧ માર્ચ- ર૦ર૦ દરમિયાન લેવાનાર છે ત્‍યારે આ પરીક્ષાઓમાં કોઈપણ જાતની ગેરરીતી ન થાય ઉપરાંત શાંતિમય વાતાવરણમાં નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની ઉપસ્‍થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી. 
 
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-૧૦ની પરીક્ષાઓમાં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેશે. ધોરણ-૧ર વિજ્ઞાનપ્રવાહમાં ૧.૪૩ લાખ, ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ) પ્રેકટીકલ પરીક્ષામાં ૧.૪૩ લાખ, ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ) ગુજકેટમાં ૧.પ૦ લાખ અને ધોરણ-૧ર (સામાન્‍ય પ્રવાહમાં) પ.ર૭ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેશે. પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા ૬૪,૦૦૦ જેટલા પરીક્ષા કેન્‍દ્રોમાં સી.સી. ટીવી કેમેરા મૂકવામાં આવશે. જયાં જરૂર પડે ત્‍યા વિકલ્‍પે ટેબલેટની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. તા.૩૧/૩/ર૦ર૦ના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે. ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ)ની પ્રેકટીકલ પરીક્ષા તા.૧૪ થી ર૬ ફેબ્રુઆરી-ર૦ર૦ દરમિયાન લેવાશે.
 
આ પરીક્ષાઓ માટે અંદાજે ૧પપ૦ પરીક્ષા કેન્‍દ્રો, અંદાજે ૬૦૦૦ જેટલા બિલ્‍ડીંગો અને અંદાજે ૬૪,૦૦૦ પરીક્ષાખંડોમાં પરીક્ષા લેવાશે. કુલ-૧૭ દિવસ દરમિયાન ૧.૩૭ વિષયોની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
 
ઉપરોકત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વ્‍યવસ્‍થા કરાઈ છે. બોર્ડ ખાતે બોર્ડના અધ્યક્ષની રાહબરી નીચે પરીક્ષા સચિવો અને અન્‍ય અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા સતત મોનીટરિંગ કરાશે. જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા કલેકટરની અધ્યક્ષતામાં રચાયેલી પરીક્ષા સમિતિ તકેદારી રાખશે. કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાની સમગ્ર કામગીરીનું સંચાલન કરાશે.
 
સ્‍થળ સંચાલકો, ખંડ નિરીક્ષકો તેમજ સરકારી પ્રતિનિધિઓ માટે બાયસેગના માધ્યમથી તા.૧૭/૦૧/ર૦ર૦ના રોજ તાલીમ આપવામાં આવી હતી. જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા શિક્ષણાધિકારી દ્વારા સ્‍થળ સંચાલકો, તેમજ ખંડ નિરીક્ષકોની તાલીમનું આયોજન કરાયું હતું.
 
જિલ્‍લા કક્ષાએ સંવેદનશીલ, અતિસંવેદનશીલ તથા જરૂર જણાયે તેવા પરીક્ષા કેન્‍દ્રો પર વર્ગ-૧ અને રના અધિકારીઓ ફૂલટાઈમ લાયઝન અધિકારી તરીકેની જવાબદારી તથા આવશ્‍યક પોલીસ બંદોબસ્‍ત માટે મેનપાવરની ફાળવણી પણ કરાઈ છે. પરીક્ષા સ્‍થળો પર વીજળીનો અવિરત પૂરવઠો જળવાઈ રહે ઉપરાંત વિદ્યાર્થીઓના પરિવહન માટે એસ.ટી. બસની સુવિધા પણ કરવામાં આવશે.
 
ધોરણ-૧૦ અને ધોરણ-૧રના પરીક્ષા કેન્‍દ્રોના સ્‍થળ સંચાલકો દ્વારા પરીક્ષા ખંડના સી.સી.ટીવી ફુટેજની સી.ડી. બનાવીને બોર્ડને તેમજ જિલ્‍લા શિક્ષણાધિકારીને મોકલાશે અને સી.ડી.ની ચકાસણી કરાશે. પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની સમગ્ર કામગીરીનું સંચાલન મુકત અને ન્‍યાયી વાતાવરણમાં થાય તેમજ ગેરરીતિ ન થાય તે માટે વિઝીલન્‍સ બોર્ડની પણ રચના કરાઈ છે. આ માટે દરેક જિલ્‍લા વાઈઝ વિજીલન્‍સ સ્‍કોર્ડની બે ટીમ રચવામાં આવશે. દરેક ટીમમાં ૧ કન્‍વીનર અને બે થી ત્રણ સભ્‍યો રહેશે. સમગ્ર રાજ્યમાં વિજીલન્‍સ સ્‍કવોર્ડની ૮૦ ટીમ કાર્યરત રહેશે. આ ટીમ દ્વારા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્‍દ્રો પર ઉપરાંત જ્યાં ફરિયાદ મળી હોય તેવા કેન્‍દ્રો પર સતત દેખરેખ રાખી શકાશે.
 
પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા અને ગેરરીતિ સંબંધી ગુનાઓ અટકાવવા ગુજરાત માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક અધિનિયમ -૧૯૭રની કલમ -૪૩(૪)ની જોગવાઈ અંતર્ગત પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા દોષિત સાબિત થયે ૩ વર્ષ કરતા ઓછી ન હોય અને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા ર લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્‍ને શિક્ષા કરવાની જોગવાઈ કરાઈ છે. આ જોગવાઈના કારણે બોર્ડની પરીક્ષાની ગોપનીયતાનો ભંગ કરનાર વ્‍યક્તિઓ સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરી શકાશે તેમજ આવા ગુન્‍હાઓનું પ્રમાણ ઘટશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર