પાટીદારોની નારાજગી વચ્ચે નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે

શુક્રવાર, 2 જૂન 2017 (13:36 IST)
કોંગ્રેસના નેતાઓ દ્વારા એવું વારંવાર કહેવામાં આવતું હતું કે રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ હવે સુરક્ષીત જગ્યાઓ શોધવામાં લાગી ગયાં છે. ત્યારે તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંગળવારે પોતે રાજ્યની કોઈ અન્ય બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળોને રદીયો આપીને કહ્યું હતું કે તેઓ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. આ સાથે તેમણે રાજ્યના મુખ્યમંત્રી તેમની રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું.  મહેસાણા અને રાજકોટમાં પાટીદારોની નોંધપાત્ર વસ્તી છે. પરંતુ નીતિન પટેલ આ વખતે પાટીદાર આંદોલનોનો ભોગ બનવાથી બચવા માટે અન્ય બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળો પર વિરામ ચિહ્ન મૂકીને જાહેરાત કરી દીધી છે. નીતિન પટેલે સાફ શબ્દોમાં જણાવ્યું કે, ‘હું મહેસાણાથી ચૂંટણી લડીશ અને મુખ્યમંત્રી પણ તેમની બેઠક રાજકોટ પશ્ચિમ પરથી ચૂંટણી લડશે.’આ સાથે રાજકીય વર્તુળોમાં એવો ગણગણાટ શરુ થયો છે કે, કેટલાક કેબિનેટ મંત્રીઓ સહિતના કેટલાક મંત્રીઓને અલગ બેઠકો પરથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે અથવા તેમને ટિકિટ મળવાની શક્યતા ઓછી છે. આ સાથે એવી અટકળો પણ છે કે, નીતિન પટેલને ભાજના ગઢ સમાન એલિસબ્રિજ અથવા નારપુરા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી શકે છે.ટલાક સૂત્રોનું માનીએ તો, એવી ચર્ચાઓ પણ છે કે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહનું પત્તું આ વખતે કપાઈ શકે છે અથવા તો નારાપુરાની અમિત શાહની બેઠકને નીતિન પટેલ માટે ખાલીને અમિત શાહને 2019માં લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે અથવા તેમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવી શકે છે. જોકે, કોંગ્રેસના આ આક્ષેપ પર નીતિન પટેલે કહ્યું હતું કે, ‘ભાજપના નેતાઓએ પોતાના મત વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિકાસના કામો કર્યા છે જ્યારે કોંગ્રેસના નેતાઓ અંદર-અંદર લડવામાં વ્યસ્ત છે. હવે, કોંગ્રેસ પાટીદારોને ખોટા વચનનો આપીને ભાજપની સામે ઉશ્કેરી રહી છે, પણ તે મદદરુપ નહીં બને.’પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આ વખતે વિધાનસભાની ચૂંટણી નથી લડવાના અને તેમની સાથે સ્પીકર રમણલાલ વોરા, કેબિનેટ મંત્રી બાબુ બોખિરિયા, નાનું વાનાણી અને વલ્લભ કાકડીયાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તક મળવાની સંભાવનાઓ ઓછી છે.
 
 

વેબદુનિયા પર વાંચો