ગ્રેનાઈટ માફિયાઓની નજરમાં ઈડરિયો ગઢ, લોકોએ રેલી યોજીને માફિયાઓ વિરૂદ્ધ આવેદન પત્ર આપ્યું

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (13:53 IST)
ગ્રેનાઈટ માફિયાઓની નજરમાં ઈડરિયો ગઢ, લોકોએ રેલી યોજીને માફિયાઓ વિરૂદ્ધ આવેદન પત્ર આપ્યું
સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ એવા ઇડરિયાગઢનું અસ્તિત્વ બચાવવા અને નગરજનોની માંગણીઓનો અવાજ બુલંદ કરવા ઇડર નગરની સર્વ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને જીવદયાપ્રેમી સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે સમર્થન રેલી ઇડર કોલેજથી ગઢ પ્રાંગણ સુધી યોજવામાં આવી અને આવેદનપત્ર આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. જે ઈડરિયાગઢ તરીકે પ્રસિદ્ધ છે. ઇડરગઢ ઉપર રાજમહેલ, રૂઠીરાણીનું માળિયું, રણમલની ચોકી, પૌરાણિક મંદિરો, ધર્મશાળાઓ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. ઈડરિયાગઢનું કુદરતી સૌન્દર્ય નિહાળવા તથા પૌરાણિક સ્થળોની મુલાકાત લેવા દુરદુરથી પર્યટકો આવે છે. ઈડરિયાગઢ ઉપર રૂઠીરાણીના માળિયાની બાજુમાં સરકારનો ટ્રાન્સમીશન ટાવર પણ આવેલો છે. તદઉપરાંત ઈડરિયાગઢ ઉપર દીપડા, ચિત્તા, નીલગાય જેવા વન્યપ્રાણીઓ પણ વસવાટ કરે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી પર્યટક સ્થળ તરીકે જાણીતા એવા ઇડરગઢ પર વિકાસના નામે તેના પર વિનાશનો સતત વ્રજાધાત થઇ રહ્યો છે. ગ્રેનાઈટ માફીયાઓએ ઇડરગઢને પોતાનો અડ્ડો બનાવી દીધો છે. ગ્રેનાઈટ માફિયાઓ દ્વારા કાયદાને નેવે મૂકી ખુબમોટા પ્રમાણમાં અને બેફામ ખડકો તોડવામાં અને ખોદવામાં આવે છે. બ્લાસ્ટથી કુદરતી આશ્રયસ્થાનોમાંથી જંગલી પશુઓ માનવવસ્તી સુધી સ્થળાંતર કરી રહ્યા છે. જે “જીવો અને જીવવાદો” તથા “અસ્તિત્વના સિદ્ધાંતો” વિરુદ્ધ છે. ઇડરગઢ અને પર્યાવરણને બચાવવા તથા જંગલીપશુઓને કુદરતી આશ્રયના છોડવો પડે તે માટે ગ્રેનાઈટ કંપનીઓ બંધ કરાવવા તથા પથ્થર ખોદકામ બંધ કરાવવા સમર્થન રેલી યોજવામાં આવી હતી. જેમાં ઇડર નગરની  સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને જીવદયાપ્રેમી સંસ્થાઓ તથા જાગૃત નાગરીકો પ્રમાણમાં જોડાયા હતા. ઇડરગઢ બચાવો સમિતિ દ્વારા ઈડરિયાગઢનું અસ્તિત્વ બચાવવા અને ઇડરના ઐતિહાસિક સ્થળોનું મહત્વ જાળવી રાખવા મામલો હોવાથી ઇડરીયાગઢને સરકાર પોતાના હસ્તક લઇ ખનિજ માફીયા અને પરવાનેદાર લીઝ ધારકોથી બચાવવા સત્વરે પગલા લઇ ગઢને પુરાતત્વ વિભાગને સોંપી હેરીટેજ જાહેર કરી વન વિભાગના સહયોગથી ગઢ ઉપર ફરીથી વૃક્ષ ઉછેર કરી પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
 

વેબદુનિયા પર વાંચો