રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે સંસદમાં આજે વચગાળાનું રેલવે બજેટ રજૂ કર્યું હતું. જેમાં ધારણા પ્રમાણે જ લાલુ યાદવે પેસેન્જર ટ્રેનોના ભાડામાં ઘટાડાની જાહેરાત કરી હતી. લાલુએ આ વખતે તમામ રેલવે ભાડામાં 2 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. તમામ એસી અને મેઇલ એકસપ્રેસના ભાડામાં 2 ટકા સુધીનો ઘટાડો થયા બાદ ટિકિટ દીઠ ભાડામાં ઘટાડો નાધાશે. નૂરના દરોમાં કોઇપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
43 નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. સંસદનો આભાર માનીને લાલુએ તેમના ભાષણની શરૂઆત કરી હતી. તેઓએ છ બૂલેટ ટ્રેનો શરૂ કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી અને કહ્યું હતું કે આના માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. દિલ્હી અને પટણા વચ્ચે બૂલેટ ટ્રેન શરૂ કરવા કામ શરૂ થઇ ચૂકયું છે. બજેટ ભાષણમાં લાલુએ રેલવેએ હાંસલ કરેલી સિદ્ધિઓનો વિસ્તારપૂર્વક ઊલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે રેલવે રાષ્ટ્રના નિર્માણમાં ઊલ્લેખનિય ભૂમિકા અદા કરી રહ્યું છે. રેલવેએ 900000 કરોડ સરપ્લસ રકમ હાંસલ કરી છે. નવી ટેકનોલોજીનો ઊપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં નવી ટેકનોલોજીના ઊપયોગના લીધે રેલવે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.
વર્ષ 2004માં 325 રેલવે અકસ્માતો થયા હતા. જેની સરખામણીમાં વર્ષ 2008માં ઘટીને 184 થઇ ગયા છે. લોકોનો વિશ્વાસ જીતવામાં રેલવેએ સફળતા મેળવી છે. રેલવેએ નવી ઐતિહાસિક ઉંચાઇઓ હાંસલ કરી છે. ચાર જગ્યાઓએ ચાર કોલ સેન્ટરો કામ કરી રહ્યા છે. સામાન્ય લોકો ઊપર બોજ નાંખ્યા વગર ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. મંદી હોવા છતાં રેલવેએ 4 ટકાના વ્યાજે 100મિલિયન ડોલર ઊભા કર્યા છે.