એક મહિના પહેલા મહેસાણાથી શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલને જોર પકડતા આજે રાજયના કડી, ઊંઝા, બાયડ, અમરેલી, કેશોદ, મોરબી અને માળિયા એમ સાત શહેરોમાં પાટીદારોએ અનામત આંદોલન હેઠળ વિશાળ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભાજપના ગઢ કહેવાતા કડી અને ઊંઝાના બજારો આજે સ્વયંભૂ બંધ રહ્યા હતાં. અમારા મહેસાણા ખાતેના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે દશ હજાર કરતા વધારે પાટીદારો અનામતની માંગણી સાથે રોડ પર ઉતરી પડયા હતાં.
બે દિવસ પહેલા કડી પોલીસ મથકમાં હાર્દિક પટેલ સામે ફરિયાદ થયા બાદ તેઓ આજે કડીમાં જોવા મળ્યાં હતા કડીના રાજકારણમાં બે દિવસ પહેલા જ ગરમાયું હતું અને સરદાર પટેલ ગ્રૂપમાં બે ફાડિયા પડયા હતાં. જો કે અનામત માટે લડી લેવા માટે પાટીદારોએ વિવાદોથી પર થઈને એકસંપ થયા હતા અને સરદાર પટેલ સેવા દળ કડીના નેજા હેઠળ છેક કલોલથી પણ પાટીદારો રેલીમાં જોડાયા હતા બાદમાં કડી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જો કે રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા પોલીસ તંત્રે હાશકારો લીધો હતો. કડીની રેલીનાં આઠ નાયબ મામલતદાર વિવિધ પોઈન્ટ પર હાજર હતાં.
જયારે ઊંઝામાં રેલીના પ્રસ્થાન સ્થળ ગાંધી ચોક, તાલુકા પંચાયત અને સભા સ્થળ ઊમિયા માતાના પ્લોટ એમ ત્રણેય સ્થળે નાયબ મામલતદાર કક્ષાના અધિકારી હાજર રહ્યા હતા. રેલીના માર્ગ પર ૪૫ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેમાં એક ડીવાયએસપી, બે પીઆઈ, અઢાર પીએસઆઈ, બસો પાંચ એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિત ૨૨૬થી વધુનો કાફલો તૈનાત હતો.
ઊંઝામાં બપોરે એક વાગ્યે ગાંધીરોડથી રેલી નીકળીને તાલુકા, પંચાયત કચેરીએ ફર્યા બાદ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું તે સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે થોડીક રકઝક થઈ હતી. ત્યારબાદ રેલી ઐઠોર ચોકડીએ આવેલા ઊમિયા માતાના પ્લોટમાં પહોંચીને જાહેરસભામાં ફેરવાઈ ગઈ હતી. દરમ્યાન અમારા બાયડ ખાતેના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, બાયડમાં હુંકાર રેલીનું આયોજન કરતા તેમાં દશ હજારથી વધુ પાટીદારોએ ભાગ લીધો હતો બાયડ તાલુકાના ગામેગામથી પાટીદારો રેલીમાં જોડાયા હતા. રેલીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા દ્વારા ત્રણ ડીવાયએસપી, ચાર પીઆઈ, આઠ પીએસઆઈ સહિત ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
રાજયમાં કડી, ઊંઝા, બાયડ ઉપરાંત અમરેલી, કેશોદ, મોરબી અને માળિયામાં પણ પાટીદારોએ વિશાળ અનામત રેલી કાઢી હતી. આમ ઓબીસીમાં સમાવેશ કરવાની પાટીદારોની માગણીએ જોર પકડતા રાજય સરકાર પણ ચિંતિત બની છે. અમદાવાદના 'મિની ઉત્તર ગુજરાત પોકેટ'માં ૧૬મીએ પાટીદાર અનામત બાઈક રેલીનું આયોજન અમદાવાદના રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા જેવા વિસ્તાર 'મિની ઉત્તર ગુજરાત' તરીકે ઓળખાય છે. આ મિની ઉત્તર ગુજરાતમાં આગામી તા. ૧૬મી ઓગસ્ટે પાટીદાર અનામત બાઈક રેલીનું આયોજન કરાયું છે. રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલન પ્રસરી રહ્યું છે. આ આંદોલનથી અમદાવાદ પણ બાકાત નથી રહ્યું.
અમદાવાદમાં આગામી તા. ૨૫ ઓગસ્ટે રિવરફ્રન્ટ ખાતે મહારેલીનું આયોજન કરાયું છે. જેમાં ત્રીસ લાખ પાટીદારો ઉમટી પડશે તેવો આંદોલનકારીઓનો દાવો છે. આની સાથે સાથે આગામી તા. ૧૬ ઓગસ્ટે શક્તિ પ્રદર્શનના હેતુથી પશ્ચિમ અમદાવાદમાં વિશાળ બાઈક રેલી કાઢવાની કવાયત આરંભાઈ છે. રાણીપના સરદાર ચોક શાકમાર્કેટથી આગામી રવિવાર, તા. ૧૬ ઓગસ્ટે સવારે ૯.૩૦ વાગ્યે પાટીદારોની વિશાળ બાઈક રેલી અનામતની માગણી સાથે નીકળશે જે જીએસટી ફાટક, ખોડિયાર મંદિર, ચાંદલોડિયા ગરનાળા, વિશ્વકર્મા મંદિર, ચાંદલોડિયા ગામ, ઉમિયા હોલ, કે.કે. નગર, પ્રભાત ચોક, રન્ના પાર્ક, શાસ્ત્રીનગર શાક માર્કેટ, પ્રગતિનગર, વિજયનગર, નારણપુરા ચાર રસ્તા, કામેશ્વર મહાદેવ, નારણપુરા ગામ, અંકુર ચાર રસ્તા, પલ્લ ચાર રસ્તા, એઈસી ચાર રસ્તા, સતાધાર, સીપીનગર, ઘાટલોડિયા ગામ, ચાણક્યપુરી બ્રિજ, સાયોના સિટી થઈને ભાગવત કોમ્પ્લેક્સ જઈને પૂર્ણ થશે. ભાગવત કોમ્પ્લેક્સના સ્થળે જાહેરસભાનું આયોજન કરાયું છે