એકબાજુ સરકાર તરફથી પાટીદારો સાથે સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ જેલમાં બંધ હાર્દિક સહિતના પાટીદારોને ન છોડવા માટેનું સરકારનું વલણ હોય, તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ સરકાર સાથે સમાધાનની વાતો વચ્ચે પાટીદાર અગ્રણી જેરામભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિક સહિતના પાટીદારો ટૂંક સમયમાં જ જેલની બહાર આવી જશે, તેઓ દાવો કર્યો હતો. ત્યારે આજે તપાસ અધિકારીએ કરેલા સોગંદનામામાં હાર્દિક અને તેના સાથીદારોને જામીન ન આપવાની રજૂઆત કરવામાં આવી છે.
રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ હાર્દિક સહિતના ચાર પાટીદારોની જામીન અરજી પર આજે અમદાવાદ સેશન્સ કૉર્ટમાં સુનાવણી યોજાઇ હતી. આજે તપાસ અધિકારીએ 9 પાનાનું સોગંદનામું રજૂ કર્યું છે. આ સોગંદનામામાં તપાસ અધિકારીએ હાર્દિકને જામીન ન મળવા જોઇએ, તેવી રજૂઆત કરી છે. તેમણે સોગંદનામામાં લખ્યું છે કે, હાર્દિક અને તેના સાથીદારોને જામીન ન મળવા જોઇએ, તેવી રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 25મીએ જે રીતે તોફાન ફાટી નીકળ્યા હતા. અમદાવાદમાં જે રીતે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો તેમને જામીન પર છોડવામાં આવે તો ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે, તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
બીજી તરફ હાર્દિક તરફથી જામીન માટે એવી રજૂઆત કરવામાં આવી છે કે, પ્રાથમિક દ્રષ્ટીએ રાજદ્રોહનો કેસ બનતો નથી. સાથે સાથે સુપ્રીમ કૉર્ટનો કનૈયાનો ચુકાદો છે, તેને પણ ટાંકવામાં આવ્યો છે. અને કહેવામાં આવ્યું છે કે, કનૈયાને જો જામીન મળતાં હોય, તો હાર્દિક સહિતના જે પાટીદાર આંદોલનકારીઓ છે, તેમને જામીન મળવા જોઇએ. સેશન્સ કૉર્ટમાં સોગંદનામા પર ચર્ચા ચાલી રહી છે.
આજે સુરત કૉર્ટમાં પણ હાર્દિકની જામીન અરજી પણ સુનાવણી હતી. જોકે, ફરી એકવાર સુનાવણી મુલતવી રહી છે. હવે આગામી 11 મી માર્ચે વધુ સુનાવણી થશે. સરકારી વકીલે મુદ્દત માંગતા સુરત કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.