ગુજરાત અનામત આંદોલન - પાટીદાર માટે સરકાર ઝુકી

મંગળવાર, 18 ઑગસ્ટ 2015 (10:30 IST)
અનામતની માગણી સાથે પાટીદારો દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ગઈકાલે અમદાવાદ ખાતે શક્તિ પ્રદર્શન કયર્િ બાદ આજે સુરત ખાતે પાટીદાર સમાજની જંગી મહારેલી નીકળી હતી જેમાં પાંચ લાખથી વધુ પાટીદાર સમાજના કાર્યકરો હાજર રહેતા સુરતના રાજમાર્ગો પર ટ્રાફિકના ચકકાજામ સર્જાયા છે. અનામતના મુદ્દે ઉગ્ર બની રહેલા આંદોલનથી સફાળી જાગેલી સરકારે અંતે આજે પાટીદાર આગેવાનો સાથે મહત્વની મંત્રણાઓ શરૂ કરી છે.

અમદાવાદ ખાતે આગામી તા.25 ઓગસ્ટના રોજ મહાસંમેલનની પૂર્વ તૈયારીપે ગઈકાલે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી પાટીદાર સમાજોની વિશાળ રેલી નીકળી હતી જેના હજુ પડઘા શમ્યા નથી ત્યાં આજે સવારે સુરતના જુદા જુદા પાંચ વિસ્તારોમાંથી પાંચ લાખથી વધુ પાટીદાર સમાજના કાર્યકરોની મહારેલી નીકળતા સુરતના રાજમાર્ગોનો ટ્રાફિક વ્યવહાર થંભી ગયો હતો.

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે સુરતના કામરેજ, વરાછા, અડાલજ સહિતના જુદા જુદા પાંચ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના કાર્યકરો રેલીમાં જોડાયા હતા તેમાં 68 ગામના પાટીદારો પણ મહારેલીમાં હાજર રહ્યા હતા અને પોતાની તાકાત બતાવી હતી.

અમદાવાદ અને સુરત ખાતે નીકળેલી મહારેલીથી સફાળી જાગેલી રાજ્ય સરકારે આજે બપોરે પાટીદાર સમાજના આગેવાનો સાથે પ્રથમ કક્ષાની મંત્રણા શરૂ  કરી છે. છેલ્લા કેટલાક સમયથી અનામતની માગ સાથે પાટીદાર સમાજ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. આ આંદોલનનો દાવાનળ રાજ્ય વ્યાપી ફેલાઈ ચૂકયો છે ત્યારે તેને ઠારવા માટે રાજ્ય સરકારે નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સાત મંત્રીઓની કમિટીની રચના કરી હતી.

નીતિન પટેલની અધ્યક્ષતામાં સાત મંત્રીઓની કમિટી સમક્ષ આજે પાટીદાર સમાજની જુદી જુદી ત્રણ સંસ્થા જેમાં સરદાર પટેલ સેવાદળ ગ્રુપ, અનામત આંદોલન સમિતિ અને પાટીદાર સંસ્થાઓ સાથે તાકિદની મંત્રણા શ કરવામાં આવી છે. જ્યારે કચ્છ કાઠિયાવાડ બ્રહ્મસમાજને પણ મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે. દરેક સંસ્થાઓને રજૂઆત માટે અડધો-અડધો કલાકનો સમય આપવામાં આવ્યો છે.

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજની પણ એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 17 તાલુકાના બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે. શૈલેષ જોષીની અધ્યક્ષતામાં મળનારી આજની આ બેઠકમાં આર્થિક ધારાધોરણ મુજબ અનામત આપવાની માગણીને સમર્થન આપવામાં આવશે તેમજ કેટલાક મહત્વના કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે જેમાં આગામી તા.18મીએ વધારાની એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો