હાર્દિકને ઉપવાસ માટે મંજૂરી અપાવવા કોંગ્રેસના ધારાસભ્યો મેદાનમાં

બુધવાર, 22 ઑગસ્ટ 2018 (13:09 IST)
પાટીદારોને અનામત આપવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા ત્રણેક વર્ષથી સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યો છે. હવે હાર્દિકને આમરણાંત ઉપવાસ કરવા છે. પરંતુ સરકાર દ્વારા તેને મંજૂરી અપાતી નથી. આથી હવે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના ઉપવાસને મંજૂરી અપાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓએ મંગળવારે સરકારમાં આ સંદર્ભમાં ઉગ્ર રોષ સાથે રજૂઆત કરી હતી.
કોંગ્રેસના એક ડઝનથી વધુ ધારાસભ્યો સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ-૧માં મુખ્યમંત્રીની ઓફીસમાં પહોંચ્યા હતા પરંતુ મુખ્યમંત્રી હાજર નહોતા. આથી તેઓ સીએમના સેક્રેટરી અશ્વિનીકુમારને મળ્યા હતા. તેઓએ ધારાસભ્યોને સાંભળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવાનું કહ્યું હતું.
આથી કોંગ્રેસનાં ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રીને મળવા ગયા હતા, જ્યાં તેઓએ ખૂબ જ ઉગ્ર આક્રોશ દેખાડયો હતો. તેમજ કહ્યું હતું કે, લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની વાત કરવાની છૂટ છે. બંધારણે પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો હક્ક તમામ લોકોને આપ્યો છે માટે હાર્દિક પટેલને પણ ઉપવાસ આંદોલન કરવાની છૂટ આપવી જોઈએ.
કોંગ્રેસનાં ધારાસભ્યોની વાતને શાંતિથી સાંભળ્યા બાદ તેઓએ ખાતરી આપી હતી કે આ બાબતમાં મુખ્યમંત્રીને તમારી લાગણી પહોંચાડાશે અને ચર્ચા વિચારણા પણ કરાશે. નીતિન પટેલને મળીને આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, સમાજના કોઈપણ વર્ગના લોકોને આંદોલન કરતાં રોકી શકાય નહીં. પરંતુ ભારે ભ્રષ્ટાચાર કરી રહેલી ભાજપની સરકાર ઉપવાસ આંદોલનથી ડરી ગઈ છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે આંદોલનને છૂટ અપાતી નથી. મીડિયાના કેટલાક પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ નથી. એજન્ટો રાખવાની પ્રથા ભાજપમાં છે. કોંગ્રેસમાં નથી. જો ભવિષ્યમાં અન્ય કોઈપણ વર્ગ કે જ્ઞાાતિના લોકો ઉપવાસ આંદોલન કરવા બહાર આવશે તો કોંગ્રેસ આવા તમામ લોકોને મદદ કરશે. સમાજ માટે લડનારા લોકોને રોકી શકાય નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર