"મક્કમ પાટીદાર આંદોલન - ઘર કો આગ લગી, ઘર કે હી ચિરાગ સે"

બુધવાર, 12 ઑગસ્ટ 2015 (18:00 IST)
ગુજરાતમાં 1985ના અનામત આંદોલન પછી સક્રિયરીતે શરૂ થયેલા પાટીદાર આંદોલનથી ભાજપની આનંદીબેન પટેલની સરકારમાં મુશ્કેલીઓ વધી છે. પ્રથમવાર કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોવાનો આક્ષેપ કરી ભેરવાઇ ગયેલી સરકાર અને ભાજપનું પ્રદેશ સંગઠને કોઇપણ ભોગે આંદોલનની આગેવાની લઇ રહેલા પટેલ આગેવાનોને સમજાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અમદાવાદમાં 25મી ઓગષ્ટે યોજાનારી પાટીદારોની વિશાળ રેલી રદ થાય તે દિશામાં મંત્રણા શરૂ કરી દીધી છે.

બીજી તરફ ભાજપનું દિલ્હી સ્થિત હાઇકમાન્ડ પણ પાટીદારોનો વિરોધી સૂર જોઇને ભડક્યું છે. ગુજરાત સરકાર અને પાર્ટીના પ્રદેશ નેતાઓને આદેશ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોઇ ગરબડ ન થાય તેની ચોકસાઇપૂર્વક તકેદારી રાખો. રાજ્યભરમાં યોજાઇ રહેલી રેલીઓની ચોંકાવનારી હકીકત એ છે કે તેમાં પાટીદાર યુવાનો જોડાઇ રહ્યા છે કે જેમણે છેલ્લી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી તેમજ ભાજપને મતો આપ્યા છે.

જુનો ઈતિહાસ
ગુજરાતમાં 1985માં ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર માધવસિંહ સોલંકીની ખામ- થિયરી પછી પાટીદારના મતોનો સર્વાધિક ભાજપને જ ફાયદો થયો છે, પરિણામે રાજકીય ગલીઓમાં 1995માં એવું ચર્ચાતું હતું કે ગુજરાતમાં ભાજપની નહીં, પટેલોની સરકાર આવી છે. ભાજપની સરકારના પ્રથમ ચીફ મિનિસ્ટર કેશુભાઇ પટેલ હતા. સચિવાલયમાં એક સિનિયર પ્રધાને તો કહ્યું હતું કે પાર્ટી અને અમારી સરકારે પાટીદારોને સમજાવવા કેશુભાઇ પટેલ અને વિઠ્ઠલ રાદડિયા જેવા દિગ્ગજ નેતાઓનો ઉપયોગ કરવો જોઇએ.

બે સીએમની ગાદી છૂટી
ગુજરાતમાં 1974નું નવનિર્માણનું આંદોલન હોય કે, 1985ના અનામત આંદોલન- બન્ને ચીફ મિનિસ્ટર (ચીમનભાઇ પટેલ અને માધવસિંહ સોલંકી) ને ગાદી છોડવાનો વારો આવ્યો હતો. વિકસી રહેલા ગુજરાતમાં હવે કોઇને પણ વર્ગવિગ્રહ પોષાય તેમ નથી. પાટીદારો માટે સરકાર કોઇ નિર્ણય કરવા જાય છે તો ઓબીસી વર્ગની નારાજગી વહોરવી પડે તેવી દહેશત છે. અને પાટીદારોને ઇગ્નોર કરે છે તો ચૂંટણીમાં તેમના નકારાત્મક મતોનો સામનો કરવાનો રહે છે, જો કે કાયદાકીય અને બંધારણીય રીતે હાલના અનામતના માળખામાં કોઇ પરિવર્તનને અવકાશ નથી તેમ છતાં પાટીદાર આગેવોને કહે છે કે સરકારને ઓબીસી સ્ટેટસમાં પાટીદારોને સમાવવા કોઇ મુશ્કેલ કામ નથી. સરકાર ધારે એ કરી શકે છે.


કોંગ્રેસનો કોઈ હાથ નથી
પાટીદાર આંદોલન પાછળ કોનો હાથ છે તે આજે ગુજરાતનો સળગતો સવાલ છે. કોંગ્રેસના સિનિયર લિડર અને વિરોધપક્ષના નેતા શંકરસિંહે તો ઓન રેકોર્ડ એવું કહી દીધું છે કે ‘ગુજરાતના પટેલ મતદારો કોંગ્રેસને વોટ આપતા નથી. જે લોકો આંદોલન કરી રહ્યા છે તેઓ યુવાન છે અને તેમણે પાછલી ચૂંટણીઓમાં ભાજપને મતો આપેલા છે. હું આ આંદોલનને નવનિર્માણ સાથે સરખાવું છું, જો સરકાર સમજાવટ થી કામ નહીં લે તો ગુજરાતમાં વર્ગવિગ્રહ પેદા થઇ શકે છે.’ આ વિધાનનો મતલબ એ થયો કે પાટીદારોના આંદોલન પાછળ કોંગ્રેસના નેતાઓનો દોરીસંચાર નથી. અલબત્ત, શંકરસિંહના વિધાન પછી ભાજપના એકપણ પ્રદેશ નેતાએ કોંગ્રેસ ઉપર આરોપ મૂક્યો નથી, તે જ બતાવે છે કે આંદોલન પાછળ કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી.

ભાજપનો એક હાથ આંદોલનમાં ?
રહી વાત, પડદા પાછળના કસબીઓની તો- સચિવાલયની રાજકીય ચર્ચાઓના મતે પાટીદાર આંદોલન પાછળ ભાજપના જ એક ગ્રુપનો હાથ છે. પાર્ટીના પાટીદાર નેતાઓ પદડા પાછળ રહીને આંદોલનના નેતાઓને સપોર્ટ કરે છે. આઇબીનો રિપોર્ટ છે કે આંદોલનના કેટલાક સ્થળોએ ભાજપના કાર્યકર્તાઓ નજરે પડેલા છે. ભાજપના એક સિનિયર પાટીદાર નેતાના કહેવા પ્રમાણે અમદાવાદની વિશાળ રેલી જો યોજાશે તો તે રાજ્ય સરકાર અને પાર્ટીના સંગઠનને વધારે મુશ્કેલીમાં મૂકી શકે છે. આંદોલનને દબાવી દેવા માટે પાર્ટીના હાઇકમાન્ડને કમાન હાથમાં લેવી પડે તેવી હાલત છે.

અમિત શાહ મેદાનમાં ?
રિપોર્ટ છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાતના પાટીદાર આંદોલનની રગેરગની માહિતી એકત્ર કરી રહ્યા છે. ગઇકાલે કોઇ કાર્યક્રમમાં દિલ્હી ગયેલા ચીફ મિનિસ્ટર આનંદીબેન પટેલ પણ અમિત શાહને મળી ચૂક્યાં છે, ત્યારબાદ આજે મોડી સાંજે તેમના બંગલે ભાજપના કોરગ્રુપની એક ડીનર ડિપ્લોમસી નક્કી કરવામાં આવી છે જેમાં મુખ્ય એજન્ડા પાટીદાર આંદોલનને કેવી રીતે સમાપ્ત કરવું તેની સ્ટેટેજી ઘડી કાઢવાનો છે.

વેબદુનિયા પર વાંચો