ભાજપને હરાવવાના સંકલ્પ સાથે હાર્દિક પટેલ 182 ગાડીઓ સાથે સોમનાથ યાત્રાએ જવા રવાના થયો,
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (15:38 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે પાસના આગેવાનો 182 ગાડીઓ સાથે સોમનાથ મંદિરે દર્શન કરવા નિકળ્યા છે. તેઓ 16મીએ સોમનાથ પહોંચશે. જ્યાં તેઓ ગુજરાતમાંથી ભાજપને નાબૂદ કરવાના સંકલ્પ સાથે આગામી દિવસોમાં રાજ્યની તમામ 182 વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી સમાજને જાગૃત કરી ભાજપ વિરોધી મતદાન કરવા માટે પ્રેરિત કરશે.
જેલમાંથી છૂટીને બહાર આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ પણ અનામતની માંગ અને અન્યાય સામેની લડત વધુ મજબૂત અને આક્રમકતાથી લડશે. પાસના કન્વીનરોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પાસના આગેવાનો અને પાટીદાર સમાજના આંદોલનકારીઓ 182 ગાડીઓ લઇને સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. જ્યાં તેઓ ગુજરાતની ઝુલ્મી ભાજપ સરકારને હટાવવાના સંકલ્પ કરશે. તે પછી ગુજરાતમાં 15થી વધુ જગ્યાએ મોટા સંમેલનો કરીને ભાજપ સરકારનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.ગુજરાતમાં ચાલી રહેલાં ભાજપના જાહેર કાર્યક્રમોમાં પાટીદાર આગેવનો દ્વારા થઇ રહેલાં વિરોધ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હજુ તો આ શરૂઆત છે. ચૂંટણી નજીક આવશે તેમ ગુજરાતભરમાં પાટીદાર યુવાનો ભાજપના કાર્યક્રમોનો જોરશોરથી વિરોધ કરી અનામતનો અવાજ બૂલંદ બનાવશે