રાજ્યનાં લાંબા સમયથી ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન હવે લગભગ રફેદફે થઇ ચુક્યું છે. પાટીદારોમાં ગણ્યા ગણાય નહી અને વીણ્યા વિણાય નહી એટલા ફાંટાઓ પડી ચુક્યા છે. તો બીજી તરફ જાટોને અનામત મળી ચુક્યું છે. જાટોને અનામત મળ્યા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતીએ જાટ સમુદાયને અને સરકાર બંન્નેને અભિનંદ પાઠવ્યા છે. બીજી તરફ ગુજરાત સરકારની આકરી ઝાટકણી પણ કાઢી હતી. પાસ દ્વારા જણવાયું કે હરિયાણા સરકાર જાટોને અનામત આપી શકતી હોય તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે છે.
પાસનાં પ્રવક્તા વરૂણ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સમાઘાનનાં નામે પાટીદારોની લાગણી સાથે ચેડા થઇ રહ્યા છે. પાસનાં તમામ કન્વીનરોની ભૂજમાં બેઠક મળી હતી. જેમાં તબક્કાવાર કાર્યક્રમો કરવા અંગેની રણનીતી ઘડવામાં આવી હતી. જેમાં 21 મેનાં રોજ 11 હજાર પાટીદારો મહેસાણાનાં વિજાપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજશે.બેઠકમાં લીગલ સેલની રચનાં કરવામાં આવી હતી. જેમાં હાર્દિક સહિતનાં આગેવાનોની મુક્તિ માટેનાં પ્રયાસો કરશે. જ્યારે આઇટી સેલ આંદોલનને ફરી બેઠુ કરવા માટેનાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરશે.
પાટીદાર આગેવાનો પર કરાયેલા કેસો પાછા ખેંચવાની માંગ સાથે આનંદીબેન પટેલને આવેદન પત્ર આપવામાં આવશે. તે પહેલા 9મી મેના રોજ સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદાર સ્વાભિમાન શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ જૂનમાં પાટીદાર વિદ્યાર્થીઓને પાટણ ખાતે એકત્ર કરવામાં આવશે. જેમાં સરકારી ભરતીઓ અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. પાસ પ્રવક્તા વરૂણ પટેલે વધુમાં જણાવ્યું કે સુરત વિસ્તારમાં આજથી એકતા યાત્રાનો આરંભ થયો છે.