પાટીદાર અને સરકાર વચ્ચે વાટાઘાટો

સોમવાર, 11 એપ્રિલ 2016 (15:37 IST)
છેલ્લા 10 મહીનાથી ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને સમેટવા માટે હવે ગુજરાત સરકારે કવાયત તેજ કરી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મોટો ફટકો પડ્યાં પછી સરકાર ચેતી ગઈ છે અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર ન પડે, તે માટે આંદોલનને સમેટવાની તૈયારી અત્યારથી શરૂ કરી છે. છેલ્લા ઘણાં સમયથી પાટીદારો અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ તેનો કોઈ નિવેડો આવતો નથી. હવે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને લાલજી પટેલે 27 માગણીઓ સાથેના પત્ર આનંદીબેનને આપ્યા છે, ત્યારે આ પત્રનો અભ્યાસ કર્યા પછી વચ્ચેનો રસ્તો કાઢવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ગાંધીનગર ખાતે એક બેઠક બોલાવી છે. આ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓને જેલમાંથી બહાર લાવવા માટે કાનૂની અભિપ્રાય લેવાનો મુદ્દો પણ ચર્ચાશે. હાર્દિકે કરેલી માગણી અનુસાર પાટીદાર આયોગ રચી શકાય કે નહીં, તે મુદ્દે પણ ચર્ચા થશે. આ બેઠક પહેલાં મુખ્યમંત્રી પાટીદાર અગ્રણીઓ વિઠ્ઠલ રાદિયા અને જેરામ પટેલ સાથે વાત કરે તેવી સંભાવના છે. કારણ કે, પાટીદાર અને સરકાર વચ્ચે તેઓ છેલ્લા ઘણા સમયથી મધ્યસ્થી કરી રહ્યા છે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બોલાવેલી બેઠકમાં પાટીદારો સાથે સમાધાન માટે બનાવેલી સમિતિ હાજર રહેશે. આ સમિતિમાં નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી, રમણલાલ વોર, રજનીકાંત પટેલ, મંગુભાઈ પટેલ અને સૌરભ પટેલનો સમાવેશ થાય છે. બે દિવસ પહેલા આરોગ્યમંત્રી અને સરકારના પ્રવક્તા નીતિન પટેલ રાજકોટ ગયા હતા, ત્યારે તેમણે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. પાટીદારો સાથે સમાધાન માટે સરકાર સંપૂર્ણ પ્રયત્નશીલ છે. આવતા અઠવાડિયે મહત્વની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સાથે પાટીદાર અગ્રણીઓને ચર્ચા માટે બોલાવાશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, વિધાનસભા સત્ર પુરૂ થયા પછી પ્રધાનોની સમિતિની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર અગ્રણીઓએ સૂચવેલા ૨૭ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બધા મુદ્દાઓનો અભ્યાસ કરી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાશે. સમાધાન માટે સરકાર સંપૂર્ણ પ્રયત્નશીલ છે. એસ.પી.જી. અને પાસના આગેવાનોએ સમાધાન માટે કોને ચર્ચા કરવા બોલાવવા, તેના નામ સાથેનો અલગ અલગ પત્ર સરકારને આપેલ છે. સરકાર આવતા અઠવાડિયે બન્ને સંસ્થાના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવશે. ચર્ચામાં ક્યા મુદ્દા લેવા અને બેઠકનું સ્વરૂપ કેવુ રાખવુ, તે હવે પછી નક્કી થશે.

વેબદુનિયા પર વાંચો