એસ.ટી. બસોમાં તોડફોડ કરી આગચંપી કરનારા પાટીદારો જ હતા

શનિવાર, 12 માર્ચ 2016 (16:16 IST)
લાજપોર જેલમાં હાર્દિક પટેલે અન્નજળનો ત્યાગ કર્યાના ગણતરીના કલાકોમાં ગત ફેબ્રુઆરી માસની ૧૮મી તારીખે મધરાતે સીમાડા ચાર રસ્તા પાસે બે એસ.ટી. બસોમાં તોડફોડ કરી આગચંપી કરનારા પાટીદારો જ હતા. ક્રાઇમ બ્રાંચે આ પ્રકરણમાં પાસના સક્રિય કાર્યકર એવા એન્જિનીયરીંગના વિદ્યાર્થીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ પાટીદાર નેતા હાર્દિક પટેલે ગત ફેબ્રુઆરી માસની ૧૭ તારીખે અન્નજળનો ત્યાગ કર્યો હતો. હાર્દિક પટેલે અન્નજળનો ત્યાગ કર્યાના સમાચાર વહેતા થયાના ગણતરીના કલાકોમાં ૧૮મીની રાત્રે એક વાગ્યાના અરસામાં સીમાડા ચાર રસ્તા પાસે બુકાનીધારી ટોળું બોટલમાં પેટ્રોલ લઇ ધસી આવ્યું હતું અને હિંમતનગર- સુરત અને અમદાવાદ-સુરતની બસના પ્રવાસીઓને ઉતારી મુકી પહેલા તોડફોડ કરી બાદમાં બંને બસને આગ ચાંપી હતી.

આ અંગે સરથાણા પોલીસે ટોળા વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાંચે આ બનાવમાં ગતરાત્રે સરથાણા જકાતનાકા પાસેથી નિહાર ભરતભાઇ મોવલીયા (ઉ.વ. ૨૩, રહે. ૩૩, સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ-૧, ખોડીયારનગર રોડ, અશ્વિન સોસાયટીની બાજુમાં, વરાછા, સુરત. મૂળ રહે. સરસીયા, તા. ધારી, જી. અમરેલી)ની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ભગવાન મહાવીર કોલેજમાં સિવિલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરતો નિહાર પાસનો સક્રિય કાર્યકર છે. અનામત આંદોલન સંદર્ભે રાજકોટમાં હાર્દિક પટેલની ધરપકડ બાદ કામરેજ ખાતે હાઇવે ચક્કાજામ કરાયો હતો. તે ગુનામાં પણ નિહારની ધરપકડ થઇ હતી.

વેબદુનિયા પર વાંચો