આનંદીબેનના કાર્યક્રમમાં નારા લાગ્યા - 'જય સરદાર, જય પાટીદાર’

સોમવાર, 4 એપ્રિલ 2016 (16:29 IST)
ગુજરાત રાજ્યમાં વર્ષ 2017ની ચુંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન જિલ્લાઓમાં જાતે જઇને લોકદરબાર યોજીને પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવી રહ્યા છે. ગઇકાલે આનંદીબેન પટેલ જુનાગઢના ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને ત્યાર પછી પદ્મશ્રી ઍવોર્ડ વિજેતા ભીખુદાન ગઢવીનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં બે પાટીદાર યુવકોએ બેઠા બેઠા જ ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા લગાવાતા બધાનું ધ્યાન તેમના તરફ ગયું હતું. જોકે, આ સંદર્ભે આનંદીબેન પટેલે ટકોર કરતાં પોલીસ આ બંને યુવકોને બહાર લઈ ગઈ હતી.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલના લોકસંવાદ કાર્યક્રમમાં ‘જય પાટીદાર’ ‘જય સરદાર’ના સૂત્રોચ્ચાર કરનાર બે પાટીદાર યુવાનોની પોલીસે તાત્કાલિક અટકાયત કરી હતી. કેશોદ પોલીસ બંને યુવાનોને પોલીસ સ્ટેશન લઇ ગયા પછી છોડી દીધા હતા. આ યુવકોએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમે ખાલી અમારો હક્ક માગ્યો હતો અને જય સરદારના નારા લગાવ્યા હતા.
રવિવારે જુનાગઢના ટાઉનહોલ ખાતે ગ્રામિણ પ્રજા સાથેની લોકસંવાદના કાર્યક્મમા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 63 પ્રશ્નો સામે આવ્યા હતા, જેમાંથી મોટાભાગના પ્રશ્નોને સ્થળ પર જ હલ કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના પ્રશ્નોને ઉકેલ માટે લાગતા વડગતા ડિપાર્ટમેંટને સૂચન કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો