કૉંગ્રેસમાં વરુણ ગાંધીનું સ્વાગત કરાશે?

રવિવાર, 1 જાન્યુઆરી 2023 (14:02 IST)
હિન્દુસ્તાન ટાઇમ્સ સમાચારપત્ર અનુસાર, શનિવારે એક પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કૉંગ્રેસમાં વરુણ ગાંધી માટે જગ્યા છે? આ અંગે વાયનાડના સાંસદે કહ્યું કે તેમણે પાર્ટી અધ્યક્ષને પૂછવું જોઈએ.
 
નરેન્દ્ર મોદી સરકારના અનેક નીતિવિષયક નિર્ણયોની ટીકા કરનારા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ તાજેતરમાં "હિંદુ-મુસ્લિમ રાજનીતિ" વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વરુણ ગાંધીને એવું કહેતા સાંભળી શકાય છે કે તેઓ ન તો કૉંગ્રેસની વિરુદ્ધ છે કે ન તો પંડિત નેહરુની વિરુદ્ધ છે.
 
એ વીડિયોમાં પીલીભીતના ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કહ્યું,“આપણા દેશની રાજનીતિ દેશને એક કરવાની હોવી જોઈએ, ગૃહયુદ્ધ તરફ દોરી જતું રાજકારણ ન રમવું જોઈએ. આપણે લોકોને દબાવવાની નહીં પરંતુ લોકોના ઉત્થાનની રાજનીતિ કરવી જોઈએ”.
 
તેમણે ઉમેર્યું, “ટીવી અને અખબારો માત્ર હિંદુ-મુસ્લિમ, હિંદુ-મુસ્લિમ અને જાતિનું રાજકારણ કરે છે. ભાઈઓમાં ભાગલા પાડો અને ભાઈઓને મારી નાખો. અમે આ રાજકારણ થવા દઈશું નહીં.”
 
રાજકીય પંડિતો વરુણ ગાંધીની ટિપ્પણી અને તેમના મોટા પિતરાઈ ભાઈ રાહુલ ગાંધીના ભાષણ વચ્ચે સમાનતા તરફ ધ્યાન દોરે છે. વરુણ ગાંધીના નિવેદન ભાજપના આ નેતાની સૌથી જુની પાર્ટી કૉંગ્રેસમાં જવાની નવી અટકળોને વેગ આપે છે.
 
7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી 'ભારત જોડો' યાત્રાએ અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અને હરિયાણાના ભાગોને આવરી લીધા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર