Vijay Shah: હાઈકોર્ટના આદેશ પર માનપુર પોલીસ સ્ટેશનમાં FIR, રાજીનામાથી કર્યો ઈંકાર, કોર્ટ પાસે પક્ષ મુકવાનો માંગ્યો સમય
ગુરુવાર, 15 મે 2025 (11:12 IST)
મઘ્યપ્રદેશના આદિવાસી વિકાસ મંત્રી અને આઠ વખતના ધારાસભ્ય કુંવર વિજય શાહ કર્નલ સોફિયા કુરૈશી પર આપેલ વિવાદિત નિવેદનને લઈને ખરાબ રીતેફસાય ગયા છે. હાઈકોર્ટના નિર્દેશ પર, તેમની વિરુદ્ધ માનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ બેંગલુરુ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ બુધવારે મોડી રાત્રે એક મોટી સભા યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય ભાજપ પ્રમુખ વીડી શર્મા અને અન્ય વરિષ્ઠ નેતાઓએ શાહના રાજીનામાની માંગ કરી હતી, પરંતુ શાહ એ વાત પર અડગ રહ્યા હતા કે તેમને ગુરુવારે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે.
સીએમ બેંગલુરૂથી પરત આવતા જ થઈ બેઠક
વિજય શાહ કેસ અંગે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વી.ડી. શર્મા અને રાજ્ય સંગઠન મહાસચિવ હિતાનંદે હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠને ફોન પર મંત્રી શાહનું રાજીનામું માંગ્યું હતું, પરંતુ તેઓ તેના માટે તૈયાર ન હતા અને સમય માંગ્યો હતો. બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે માનનીય હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, આ પહેલા શાહના રાજીનામા અંગે અટકળો ચાલી રહી હતી.
હાઈકોર્ટે જાતે લીધુ સંજ્ઞાન
ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ ઈન્દોર જિલ્લાના માનપુરમાં આયોજિત હલમા કાર્યક્રમમાં મોહન સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. ૧૪ મેના રોજ, મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલાનું સ્વતઃ સંજ્ઞાન લીધું અને રાજ્યના ડીજીપીને શાહ સામે તાત્કાલિક કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો. જસ્ટિસ અતુલ શ્રીધર અને જસ્ટિસ અનુરાધા શુક્લાની હાઇકોર્ટ બેન્ચે ડીજીપીને મંત્રી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, નહીં તો તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જ્યારે સરકારી વકીલે આ માટે ત્રણ દિવસનો સમય માંગ્યો ત્યારે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું અને થોડા કલાકોમાં FIR નોંધવાનો આદેશ આપ્યો. પોલીસ અધિકારીઓ સાંજથી જ માનપુર પોલીસ સ્ટેશનમાં હાજર હતા.
આ કહ્યુ હતુ હાઈકોર્ટે
મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી પ્રથમ નજરમાં મુસ્લિમ ધર્મના સભ્યો અને તે જ ધર્મના ન હોય તેવા અન્ય વ્યક્તિઓ વચ્ચે અસંમતિ, દુશ્મનાવટ અથવા નફરત અથવા દ્વેષની લાગણીઓ પેદા થાય છે. કોર્ટે મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને મંત્રી વિજય શાહ વિરુદ્ધ BNS ની કલમ 152, 196(1)(b) અને 197(1)(c) હેઠળના ગુનાઓ માટે તાત્કાલિક FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. એજી ઓફિસને આ આદેશ તાત્કાલિક રાજ્યના પોલીસ મહાનિર્દેશકની ઓફિસમાં મોકલવાનો નિર્દેશ આપવામાં આવે છે.
કર્નલ સોફિયા વિશે આવુ આપ્યુ હતુ નિવેદન
ઇન્દોર નજીક માનપુરમાં આયોજિત હલમા કાર્યક્રમમાં મંત્રી શાહે કહ્યું હતું કે જે આતંકવાદીઓએ પહેલગામમાં લોકોને માર્યા તેમના કપડા ઉતરાવ્યા તે આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર મટાવ્યુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જ બહેનને મોકલીને તેમની એસી તેસી કરાવી. જ્યારે મામલો ગરમાવા લાગ્યો, ત્યારે ભાજપ સંગઠને મંગળવારે મંત્રી શાહને ભોપાલ બોલાવ્યા. તેઓ હવાઈ ચપ્પલમાં જ પાર્ટી ઓફિસ પહોંચ્યા અને વરિષ્ઠ નેતાઓ દ્વારા ઠપકો મળ્યા બાદ, તેઓ તેમના નિવેદન પર અફસોસ વ્યક્ત કરતા જોવા મળ્યા. આ પછી તેમણે માફી પણ માંગી અને કહ્યું કે કર્નલ સોફિયા કુરેશી તેમની પોતાની બહેન કરતા પણ વધારે છે, પરંતુ તેમની માફી કામ ન આવી.
ઉમા ભારતીએ રાજીનામાની કરી માંગ
કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ શાહની વાંધાજનક ટિપ્પણીથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલાએ ત્રણ દિવસથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો હતો. કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા અને મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આ નિવેદન અંગે ભાજપમાં અસ્વસ્થતા હતી. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી સહિત ઘણા ભાજપ નેતાઓએ પણ શાહ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઉમા ભારતીએ શાહને તાત્કાલિક બરતરફ કરવા અને FIR દાખલ કરવાની માંગ કરી હતી.
કેન્દ્રીય નેતૃત્વને મોકલી નોટિસ
પાર્ટી સૂત્રો મુજબ પ્રદેશ ભાજપાના ટોચના નેતાઓ - શિવ પ્રકાશ, મહેન્દ્ર સિંહ, વીડી શર્મા અને હિતાનંદ શર્માએ ભોપાલમા આ સંમ્પૂર્ણ વિવાદ પર ચર્ચા અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને વિસ્તૃત રિપોર્ટ મોકલી. મામલામાં રાષ્ટ્રીય નેતૃત્વએ પણ શાહ વિરુદ્ધ નારાજગી દર્શાવી.