ઉન્નાવ રેપ કેસ - પોક્સો એક્ટ હેઠળ MLA સેંગર વિરુદ્ધ FIR , આરોપીની ધરપકડ નહી

ગુરુવાર, 12 એપ્રિલ 2018 (10:31 IST)
ઉન્નાવ રેપ કાંડમાં યૂપી સરકાર એક્શનમાં આવી ગઈ છે. મામલામાં યોગી સરકારે કડક પગલા લેતા તપાસ માટે કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ આરોપી કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ FIR  નોંધવામાં આવી છે. તેમના વિરુદ્ધ ધારા 363, 366, 376, 506 અને પૉક્સો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. આ માહિતી એસઓ રાજેશ સિંહે આપી છે. સરકારે રેપ પીડિતાના પરિવારને સુરક્ષા આપવાનુ આશ્વાસન આપ્યુ છે. મામલામાં બે ડોક્ટરો અને એક સીઓ ને સસ્પેન્ડ કર્યા છે. 
 
ઉન્નાવ જિલ્લાની બાંગરમુણ સીટના ધારાસભ્ય અને રેપ મામલાના આરોપી કુલદીપ સિંહ સેંગર બુધવારે મોડી રાત્રે એસએસપી નિવાસસ્થાન પહોંચ્યા હતા, પરંતુ સરેન્ડર કર્યા વગર જ પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેંગરેપ અને પીડિતાના પિતાની હત્યાના મામલે યુપી સરકારે સીબીઆઈ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલાની તપાસ માટે બનાવાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રિપોર્ટના આધાર પર પ્રદેશ સરકાર દ્વારા ધારાસભ્ય તેમજ અન્યોની વિરુદ્ધ ગેંગરેપનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે, અને સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
રેપના આરોપી ધારાસભ્ય એસઆઈટી રિપોર્ટ અને ચારેતરફથી વધી રહેલા દબાણ બાદ એસએસપી લખનઉ પાસે ખુદ આત્મસમર્પણ માટે પહોંચ્યા હતા. પોતાના કાફલાની સાથે પહોંચેલા સેંગરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું રેપનો આરોપી નથી અને મેં એવું કોઈ કામ નથી કર્યું, પરંતુ મારી વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે લોકો મારી વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે, તેમનો ઈતિહાસ નહિ જોયો હોય. હું ન્યાયપાલિકાનું સન્માન કરું છું. અમારી પાર્ટી અને શાસનનું જે સૂચન હશે, તે આધારે હું કામ કરીશ.
 
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ બુધવારે એડીજી રાજીવ કુષ્ણાની સાથે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ પીડિતાને લઈને તેના ગામ માખી પહોંચી હતી. તેના બાદ એસઆઈટી ટીમે કેસ સાથે જોડાયેલી દરેક બાબતોની તપાસ કરી હતી. એસઆઈટીની પહેલી રિપોર્ટ તૈયાર થઈ ચૂકી છે, જેને સોંપવા માટે રાજીવ કૃષ્ણા યુપીના ડીજીપી ઓ.પી. સિંહની પાસે પહોંચ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર