યુજીસી-નેટ પરીક્ષા શું છે? રદ થયા બાદ એનટીએ પર કેમ સવાલો થઈ રહ્યા છે

શુક્રવાર, 21 જૂન 2024 (09:01 IST)
શિક્ષણ મંત્રાલયે 18મી જૂનના રોજ લેવાયેલી યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરી દીધી છે. મંત્રાલયનું કહેવું છે કે તેમને પ્રથમ દૃષ્ટિએ આ પરીક્ષામાં ગોટાળાના સંકેત મળ્યા છે.
 
શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ 18મી જૂન, 2024ના રોજ દેશભરમાં બે શિફ્ટમાં- પેન અને પેપર મોડમાં યુજીસી-નેટ જૂન 2024ની પરીક્ષાનું આયોજન કર્યું હતું.
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પરીક્ષાના બીજા જ દિવસે યુજીસીને ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કૉ-ઓર્ડિનેશન સેન્ટરથી પરીક્ષા વિશે કેટલાક ઇનપુટ મળ્યા હતા. જેના વિશ્લેષણથી પ્રથમ દૃષ્ટિએ લાગે છે કે તેમાં ગોટાળો થયો છે.”
 
શિક્ષણ મંત્રાલયે પરીક્ષાને રદ્દ કરતાં તેની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે.
 
તેનાથી હવે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે કે અંદાજે નવ લાખ ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે.
 
યુજીસી-નેટ શું છે?
દેશભરની યુનિવર્સિટીઓમાં જુનિયર રિસર્ચ ફૅલોશિપ (જેઆરએફ) અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે.
 
આ પરીક્ષા વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બર મહિનામાં થાય છે.
 
સવારે 9:30થી બપોરે 12:30 સુધી તથા બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી, બે શિફ્ટમાં યોજાયેલી આ પરીક્ષામાં આ વખતે કુલ નવ લાખ આઠ હજાર 580 લોકોએ પરીક્ષા આપી હતી.
 
ત્રણ કલાકની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બે પેપર આપવાનાં હોય છે. પહેલું પેપર કૉમન હોય છે જ્યારે બીજું પેપર વિદ્યાર્થી જે તે વિષય પસંદ કરે છે તેનું હોય છે.
 
પહેલા પેપરમાં વિદ્યાર્થીઓ માટે 50 પ્રશ્નો હોય છે જ્યારે બીજા પેપરમાં 100 પ્રશ્નો હોય છે. આ સવાલ મલ્ટિપલ ચોઇસ પ્રકારના હોય છે, એટલે કે વિદ્યાર્થીઓએ ઓએમઆર શીટમાં જવાબ આપવાના હોય છે. આ પરીક્ષામાં નૅગેટિવ માર્કિંગ હોતું નથી, એટલે કે ખોટા જવાબ આપવાથી વધારાના માર્ક્સ કપાતા નથી.
 
યુજીસી પ્રમાણે જૂન 2024ની નેટ પરીક્ષા માટે 317 શહેરોમાં 1205 સેન્ટર બનાવાયાં હતાં.
 
આ પરીક્ષા માટે કુલ 11 લાખ 21 હજાર 225 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાંથી 81 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
 
ડિસેમ્બર, 2023માં થયેલી નેટ પરીક્ષામાં કુલ 9 લાખ 45 હજાર 872 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
 
રાજસ્થાનના રહેવાસી ગર્વિત ગર્ગે યુજીસી-નેટની પરીક્ષા ડિસેમ્બર 2020માં માસ કૉમ્યુનિકેશન વિષય સાથે આપી હતી. તેમણે આ પરીક્ષામાં જેઆરએફ ક્વૉલિફાઈ કર્યું હતું.
 
તેઓ કહે છે, “અત્યારે મને દર મહિને પીએચ.ડી. રિસર્ચ કરવા માટે 37 હજાર રૂપિયા યુજીસી તરફથી મળે છે અને એ સિવાય નવ હજાર ઘરનું ભાડું પણ મળે છે.”
 
એનટીએ પર ઊઠી રહેલા સવાલો
યુજીસી-નેટ પરીક્ષાનું આયોજન પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ કર્યું હતું.
 
વર્ષ 2018થી જ એનટીએ, યુજીસી વતી આ પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. પહેલાં આ પરીક્ષા કમ્પ્યુટર આધારિત હતી, પરંતુ હાલમાં એજન્સીએ નક્કી કર્યું હતું કે ઉમેદવારો અલગ-અલગ સેન્ટર પર એક સાથે જ પેન-પેપર મોડમાં પરીક્ષા આપશે.
 
નીટ પરીક્ષાને લઈને એનટીએ પર પહેલેથી જ સવાલો ઊઠી રહ્યા છે. દેશમાં મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાનું આયોજન પણ એનટીએ એ જ કર્યું હતું. પરંતુ ચાર જૂને પરિણામ જાહેર થયા બાદ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 
નીટની પરીક્ષા અંદાજે 24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. તેમાં 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક મળ્યા હતા. જ્યારે કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હતા કે જેમને 718 કે 719 માર્ક મળ્યા હોય.
 
અનેક લોકોએ એવો દાવો કર્યો હતો કે એકસાથે એક જ પરીક્ષામાં આટલા ટૉપર વિદ્યાર્થીઓ ન હોઈ શકે અને 718 કે 719 માર્ક્સ મળવા એ ટેકનિકલી સંભવ નથી. પરંતુ તેની સામે એનટીએએ તર્ક આપ્યો હતો કે જવાબોમાં બદલાવને કારણે 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા.
 
જોકે, જલદી જ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જ્યાં એનટીએએ કહ્યું હતું કે તે આ વિદ્યાર્થીઓને આપેલા ગ્રેસ માર્ક્સ રદ્દ કરે છે.
 
વિપક્ષે ઉઠાવ્યા સવાલો
યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરવાના મામલે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલો ઉઠાવ્યા છે.
 
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, “નરેન્દ્ર મોદીજી, તમે પરીક્ષા પર ચર્ચા તો બહુ કરો છો, પણ નીટ પરીક્ષા પર ચર્ચા ક્યારે કરશો.”
 
કૉંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, “યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરવી એ લાખો યુવાનોના મનોબળની જીત છે. આ મોદી સરકારના અહંકારની હાર છે, જેના કારણે તેમણે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરવાનો પ્રયાસ કર્યો.”
 
તેમણે કહ્યું, “કેન્દ્રીય શિક્ષણમંત્રી પહેલા કહે છે કે નીટ-યુજીમાં કોઈ પેપરલીક થયું નથી. ત્યાર બાદ જ્યારે બિહાર, ગુજરાત અને હરિયાણામાં શિક્ષણ માફિયાઓની ધરપકડ થાય છે ત્યારે તેઓ સ્વીકારે છે કે કંઈક ગોટાળો થયો છે.”
 
તેમણે સવાલ પૂછ્યો હતો કે નીટની પરીક્ષા ક્યારે રદ્દ થશે. મોદીજીએ પોતાની સરકારમાં થયેલા નીટ પરીક્ષામાં ગોટાળા અને પેપરલીક રોકવા માટે જવાબદારી લેવી જોઈએ.
 
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, “ભાજપ સરકારનું લીકતંત્ર અને લચરતંત્ર યુવાઓ માટે ઘાતક છે. નીટ પરીક્ષામાં થયેલ ગોટાળાના સમાચારો બાદ 18 જૂને યોજાયેલી નેટ પરીક્ષામાં પણ ગોટાળાની આશંકાને કારણે તેને રદ્દ કરવામાં આવી. શું હવે જવાબદારી નક્કી થશે? શું શિક્ષણમંત્રી આ લચરતંત્રની જવાબદારી લેશે?”
 
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઍક્સ પર લખ્યું હતું કે, “અબકી બાર, પેપરલીક સરકાર. હવે આ સરકાર થોડા દિવસની જ મહેમાન છે.”
 
આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે ઍક્સ પર લખ્યું હતું કે, “બે વર્ષમાં બે કરોડ યુવાનોનું જીવન પેપરલીકને કારણે બરબાદ થઈ ગયું છે. ક્યારેક ઉત્તરપ્રદેશ પોલીસ ભરતી, ક્યારેક નીટ અને હવે યુજીસી. ભાજપે આ દેશને ‘પેપરલીક’ દેશ બનાવી દીધો છે. શું તમને ગુસ્સો નથી આવતો? તમે વારંવાર મોદીજીને મત આપો છે અને મોદીજી તમને વારંવાર પેપરલીકનું દર્દ આપે છે.”
 
એનટીએએ આ વિદ્યાર્થીઓ માટે હવે ફરીથી 23 જૂન, 2024ના રોજ ટેસ્ટનું આયોજન કર્યું છે.
 
એજન્સી પ્રમાણે જે લોકો પરીક્ષામાં ફરીથી સામેલ થવા નથી માગતા તેમનું પરિણામ ગ્રેસિંગ માર્ક્સ વગરનું જ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર