યુએનએ પાકિસ્તાનના અબ્દુલ રહમાન મક્કીને ‘વૈશ્વિક આતંકી’ જાહેર કર્યો

મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (18:42 IST)
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ સોમવારે પાકિસ્તાની મૂળના ચરમપંથી અબ્દુલ રહમાન મક્કીને ‘વૈશ્વિક આતંકી’ જાહેર કર્યો છે.
 
આ નિર્ણય યુએનએસસીની આઈએસઆઈએલ (દાએશ) અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિએ લીધો છે.
 
ગયા વર્ષે ભારતે લશ્કર-એ-તૈયબના ચરમપંથી અબ્દુલ રહમના મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ચીને તેને અટકાવી દીધો હતો. ત્યારબાદ ભારતે ચીન અંગે આકરી પ્રતિક્રિયા પણ આપી હતી.
 
અબ્દુલ રહમાન મક્કી જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના સંબંધી છે, તેમને ભારતમાં 26 નવેમ્બર 2011એ થયેલા ચરમપંથી હુમલાના માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
 
યુએન તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 16 જાન્યુઆરી, 2023એ સુરક્ષા પરિષદની આઈએસઆઈએલ (દાએશ) અને અલ-કાયદા સમિતિએ વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં અબ્દુલ રહમાન મક્કીનું નામ સામેલ કર્યું છે. તેના પરિણામે દુનિયાભરમાં મક્કીની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવશે, મક્કી પર યાત્રા સહિત અન્ય ઘણા પ્રતિબંધ લગાવવામાં આવશે.
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ભારત અને અમેરિકા પહેલાંથી જ પોતપોતાના દેશમાં અબ્દુલ રહમાન મક્કીને ‘આતંકવાદી’ જાહેર કરી ચૂક્યા છે. મક્કી પર યુવાઓને ઉગ્રવાદ તરફ ઉશ્કેરવા, ભારતમાં હુમલાની યોજના બનાવવા, ગેરકાયદેસર ફંડ એકત્ર કરવા સહિત ઘણા આરોપો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર