૨૬વર્ષથી વધુની વયના લોકોનો સરવે કરાયો, અમદાવાદમાં દર પાંચ વ્યકિતએ એક તમાકુનું વ્યસન કરી રહી છે

શનિવાર, 15 એપ્રિલ 2023 (11:39 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈપરટેન્શન,ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગ ઉપર ૨૬ થી ૬૪ વર્ષની વયજૂથના લોકોનો સરવે કરાયો હતો.શહેરમાં દર પાંચ વ્યકિતએ એક તમાકુનું વ્યસન કરી રહી છે.બોડી માસ ઈન્ડેકસ ઉપરના સરવેમાં ૧૮ ટકા લોકો ઓવરવેટ જયારે ૩૩ ટકા લોકો વધુ પડતુ વજન ધરાવતા હતા.૮.૨ ટકા લોકોનો ડાયાબિટીસ બોર્ડર ઉપર જોવા મળ્યો હતો. 
 
છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલી લાઈફ સ્ટાઈલને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પાઈન ઈન્સ્ટીટયુટ સિવિલ હોસ્પિટલ તથા જી.સી.એસ.મેડીકલ કોલેજ સાથે મળીને ૫૭૬૦ લોકોના આરોગ્યની બાબતનો સરવે હાથ ધર્યો હતો.બીન ચેપીરોગને લઈ કરવામા આવેલી આરોગ્ય ચકાસણીમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે, શહેરમાં ૧૮ ટકા લોકો વિવિધ પ્રકારે તમાકુનું સેવન કરે છે.દર પાંચ વ્યકિતએ એક તમાકુના વ્યસનનુ બંધાણી છે.૩૩ ટકા પુરુષની સાથે પાંચ ટકા મહિલાઓ પણ તમાકુનું સેવન કરે છે. 
 
સરવેમાં બોડી માસ ઈન્ડેકસની બાબતને પણ આવરી લેવામા આવી હતી.મેડીકલ એડવાઈઝ મુજબ,વ્યકિતએ ફીઝીકલી ફીટ રહેવા માટે રોજ ત્રીસ મિનીટ કસરત કરવી જરુરી છે.આમછતાં બહુ ઓછા લોકો કસરત કરતા હોવાનુ તપાસ દરમિયાન બહાર આવ્યુ હતુ.કસરત નહી કરવી તેમજ બેઠાડુ જીવન જીવવા સહિતના અન્ય કારણોથી ૧૮ ટકા લોકો ઓવરવેટ તેમજ ૩૩ ટકા લોકો વધુ પડતુ વજન(ઓબેસિટી) ધરાવતા હોવાનુ તારણ સામે આવ્યુ હતું.આધુનિક રહેણીકરણી,આરોગ્ય પ્રત્યેની બેદરકારી સહિતના અન્ય કારણોને લઈ આ પ્રકારના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહયો છે જે ચિંતાની બાબત છે. 
 
હાઈપરટેન્શન પાછળ વધુ પડતો મીઠાનો વપરાશ જવાબદાર 
 
શહેરમાં હાઈપરટેન્શનના દર્દીઓની સંખ્યામા પણ વધારો થઈ રહયો છે.આ પાછળ મીઠાનો વધુ પડતો વપરાશ જવાબદાર છે.પરિવારમાં જો ચારથી પાંચ વ્યકિત હોય તો મહિને ૭૫૦ ગ્રામ મીઠાનો વપરાશ થવો જોઈએ.આમછતાં મોટાભાગના કુટુંબોમાં મીઠાનો વપરાશ વધુ પડતો કરવામાં આવી રહયો છે.પ્રતિ વ્યકિત રોજ ચારથી પાંચ ગ્રામ મીઠાનુ સેવન થવુ જોઈએ એના બદલે આઠ ગ્રામ મીઠાનુ સેવન કરવામા આવી રહયુ છે. 
 
૧૭ ટકા પુરુષ, એક ટકા મહિલાઓ ધૂમ્રપાન કરે છે. 
 
શહેરમાં ૧૮.૩ ટકા લોકો તમાકુનું વ્યસન કરતા હોવાનુ સામે આવ્યુ છે.આ પૈકી ૩૩.૯ ટકા પુરુષ તથા ૫.૬ ટકા મહિલાઓ છે.ધૂમ્રપાન કરનારા ૮.૫ ટકા વર્ગમાં ૧૭.૧ ટકા પુરુષ તેમજ ૧.૪ મહિલાઓનો સમાવેશ થાય છે.ધૂમ્રપાન વગર તમાકુનું સેવન કરવાવાળા ૧૭.૯ ટકા લોકો છે.આ પૈકી ૩૨.૯ ટકા પુરુષ તેમજ ૫.૬ ટકા મહિલાઓ છે.૮૫.૯ ટકા લોકો મસાલા,ગુટખાનુ વ્યસન કરે છે.૯.૯ ટકા લોકોહોઠ વચ્ચે તમાકુ દબાવીને જયારે ૩.૪ ટકા લોકો તમાકુનુ નાક દ્વારા સેવન કરી રહયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર