પોપ તરીકે પોતાના એઆઇ ફોટો અંગે ટ્રમ્પે કહ્યું, 'મને ખબર નથી કે તસવીર કોણે બનાવી'

મંગળવાર, 6 મે 2025 (17:04 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોપ તરીકે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી પોતાની એઆઇ તસવીર પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે આ તસવીર ક્યાંથી આવી તે તેઓ નથી જાણતા.
 
તાજેતરમાં ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર વ્હાઇટ હાઉસના ઍક્સ એકાઉન્ટ પર એક ફોટો શૅર કરવામાં આવ્યો હતો.
 
તસવીરમાં ટ્રમ્પને પોપ જેવા સફેદ પોશાકમાં, ટોપી ધારણ કરીને અને ગળામાં ક્રૉસ પહેરેલા દેખાડવામાં આવ્યા છે. તેમને ગંભીર મુદ્રામાં એક આંગળી ઉઠાવતા દેખાડવામાં આવ્યા હતા.
 
તેના પર કૅથલિક જૂથોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. ન્યૂ યૉર્ક સ્ટેટ કૅથલિક કૉન્ફરન્સે ટ્રમ્પ પર ધાર્મિક લાગણીની મજાક ઉડાવવાનો આરોપ મૂક્યો હતો.
 
રૉઇટર્સના રિપોર્ટ પ્રમાણે પોપની ટ્રમ્પ તરીકેની તસવીર પર પાંચમી મેએ એક રિપોર્ટરે સવાલ કર્યો હતો. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તે તસવીર તેમણે નહોતી બનાવી.
 
ટ્રમ્પે કહ્યું કે, "મારો આનાથી કોઈ સંબંધ નથી. કોઈએ પોપની જેમ પોશાક પહેરેલી મારી તસવીર બનાવી અને ઇન્ટરનેટ પર લગાવી દીધી. આ તસવીર ક્યાંથી આવી તે મને નથી ખબર. શક્ય છે કે એઆઇથી તસવીર બનાવાઈ હોય. મને તેના વિશે કોઈ ખબર નથી."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર