LIVE: મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં ખેડૂતોના મોતથી ગુસ્સા થયેલા લોકોએ કલેક્ટરના કપડા ફાડ્યા

બુધવાર, 7 જૂન 2017 (11:40 IST)
મધ્યપ્રદેશના મંદસૌર જીલ્લામાં આંદોલનકારી ખેડૂતો પર પોલીસ ફાયરિંગમાં 6 ખેડૂતોના મોત પછી રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે જ્યા તેને લઈને રાજ્યની બીજેપી સરકારને ઘેરતા રાજ્યભરમાં બંધનુ આહવાન કર્યુ છે તો બીજી બાજુ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે તેને કોગ્રેસનું સુનિયોજીત ષડયંત્ર કહ્યુ છે. 
 
મધ્ય પ્રદેશમાં એક જૂનથી શરૂ ખેડૂત આંદોલન અટકવાનું નામ લેતું નથી. દિવસેને દિવસે આ આંદોલન હિંસક થઈ રહ્યું છે. મંગળવારે દેખાવકારોએ મંદસૌરમાં 28 વાહનો, દુકાનો અને ડેરીને આગ લગાડી દીધી હતી. પોલીસ અને સીઆરપીએફ ઉપર દેખાવકારોએ પથ્થરમારો કરતાં સ્થિતિ વધારે બેકાબૂ બની હતી. હાલાત ઉપર કાબૂ મેળવવા માટે સીઆરપીએફ દ્વારા કરાયેલા કથિત ફાયરિંગમાં છ ખેડૂતોનાં મોત થયા હતા જ્યારે કેટલાકને ઈજા થઈ હતી. ફાયરિંગ અને આગજનીની ઘટના બાદ મંદસૌરમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. મંદસૌર, રતલામ અને ઉજ્જૈનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાષ્ટ્રીય ખેડૂત મજૂર સંઘ દ્વારા બુધવારે પ્રદેશવ્યાપી બંધનું એલાન જાહેર કરાયું છે.
 
 
આ દરામિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પીડિત પરિવારને મળવા મંદસૌર જવાના હતા. પણ સરકારે તેમના હેલીકોપ્ટરને લૈડિંગની મંજુરી આપવાની ના પાડી દીધી. ત્યારબાદ હવે કોંગ્રેસ નેતા તેમની યાત્રા માટે કોઈ બીજી વ્યવસ્થા પર વિચાર કરી રહ્યા છે. બીજી બાજુ રાહુલની આ યાત્રા પહેલા તેમના નિકટના મનાતા મિનાક્ષી નટરાજનની પોલીસે ધરપકડ કરી લીધી છે. 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષે આ પહેલા બીજેપી સરકાર પર દેશના ખેડૂતો સાથે યુદ્ધ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ આ સરકાર અમારા દેશના ખેડૂતો સાથે યુદ્ધ કરી રહી છે. આગળના ટ્વીટમાં રાહુલને સવાલ પૂછતા કહ્યુ, બીજેપીના ન્યૂ ઈંડિયામાં હક માંગનારા પર આપણા અન્નદાતાઓને ગોળી મળી છે ? બીજી બાજુ કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિંયાએ તેને કાળો દિવસ જાહેર કરતા કહ્યુ કે સત્તાના નશામાં ચૂર સરકાર ખેડૂતોના અધિકારની લડતને કચડવા માંગે છે. 
 
ફાયરિંગમાં મરનાર ખેડૂતો - ફાયરિંગમાં કનૈયાલાલ પાટીદાર, બંટી પાટીદાર, ચૈનારામ પાટીદાર, અભિષેક પાટીદાર, સત્યનારાયણ પાટીદાર અને એક અન્ય ખેડૂતના મોત થયા છે. ખેડૂતો અને આંદોલનકારીઓ ઉપર ગોળી કોણે ચલાવી તે મુદ્દે પણ વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક જણાવે છે કે, આંદોલનકારીઓ ઉપર પોલીસ અને સીઆરપીએફે જ ફાયરિંગ કર્યું હતું. જો કે એમપીના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, ખેડૂતોમાં અંદરોઅંદર વિખવાદ થતાં ફાયરિંગ થયું હતું. પોલીસ કે સીઆરપીએફ દ્વારા કોઈ ફાયરિંગ કરાયું નથી

વેબદુનિયા પર વાંચો