Priyanka Gandhi arrested - કસ્ટડીમાં સફાઈ કર્મચારીનુ મોત, પોલીસે પ્રિયંકા ગાંધીને આગરા જતા રોકી, ધરપકડ કરી

બુધવાર, 20 ઑક્ટોબર 2021 (17:15 IST)
આગ્રાના જગદીશપુરા પોલીસ સ્ટેશનના માલખાનામાંથી 25 લાખ રૂપિયાની ચોરીની શંકાના આધારે પકડાયેલા સફાઈ કામદાર અરુણ કુમારના પોલીસ કસ્ટડીમાં મોતને લઈને યુપીમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. પોલીસે પીડિતાના પરિવારને મળવા જઈ રહેલી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને આગ્રા-લખનૌ હાઈવે પર રોકી હતી. જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધક્કા મુક્કી કરી અને ઘણા લાંબા સમય સુધી ચાલેલા વિવાદ પછી પોલીસે  પ્રિયંકાને કસ્ટડીમાં લીધી હતી. યુપી સરકાર દ્વારા પોતાના નેતાને અટકાવવા અને કસ્ટડીમાં લેવાના કારણે કોંગ્રેસ ગુસ્સામાં છે. બીજી તરફ પ્રિયંકાએ કહ્યું છે કે તે પીડિત પરિવારને મળવા માટે આગ્રા  ચોક્કસ જશે. 
 
પ્રિયંકાએ આ મુદ્દે ટ્વિટ કરીને કહ્યું છે કે અરુણ વાલ્મીકીની મોત પોલીસ કસ્ટડીમાં થઈ. તેમનો પરિવાર ન્યાય માગી રહ્યો છે. હું પરિવારને મળવા માગુ છું. ઉત્તર પ્રદેશ સરકારને ડર કઈ વાતનો છે? મને કેમ રોકવામાં આવી રહી છે. આજે ભગવાન વાલ્મીકી જયંતી છે, પીએમે મહાત્મા બુદ્ધ પર મોટી વાતો કરી, પરંતુ તેમના સંદેશાઓ પર હુમલા કરી રહ્યા છે. તેમણે પૂછ્યું કે કસ્ટડીમાં માર્યા ગયેલા અરુણ વાલ્મિકી માટે ન્યાય માગવો ગુનો છે? ભાજપ સરકારની પોલીસ મને આગ્રા જવાથી રોકી કેમ રહી છે. કેમ દરેક વખતે ન્યાયની અવાજ દબાવાનો પ્રયત્ન કરાય છે? હું પાછળ નહીં હટવાની.

 
બીજી બાજુ પીડિત પરિવાર અને વાલ્મિકી સમાજના સ્થાનિક લોકોએ આ ઘટનાના વિરોધમાં આજે વાલ્મિકી જયંતીની ઉજવણી કરી નહી. પરિવારે સરકાર પાસેથી 1 કરોડનું વળતર અને સરકારી નોકરીની માંગ કરી છે. આ સાથે, એવું કહેવામાં આવ્યું છે કે દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર