શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ છન્નુલાલ મિશ્રાનું અવસાન, વારાણસીમાં થશે અંતિમ સંસ્કાર, રહી ચુક્યા છે PM મોદીના પ્રસ્તાવક
2014 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક રહેલા પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે 91 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રી, નમ્રતા મિશ્રાએ જણાવ્યું હતું કે તેમના પિતા મિર્ઝાપુર ઘરમાં જ હતા. તેમના અંતિમ સંસ્કાર વારાણસીમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પંડિત છન્નુલાલ મિશ્રાને ત્રણ અઠવાડિયા પહેલા શનિવારે ઈનોર કાર્ડીયેક અટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને BHU ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમની તપાસ કરી અને તેમને છાતીમાં સંક્રમણ અને એનિમિયા હોવાનું નિદાન થયું. ત્રણ અઠવાડિયાની સારવાર પછી, તેમને શુક્રવારે BHU હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યારબાદ તેમની પુત્રી તેમને મિર્ઝાપુર લાવી અને રામકૃષ્ણ સેવા મિશન હોસ્પિટલમાં દાખલ કર્યા.
કોણ છે છન્નુલાલ મિશ્રા?
આઝમગઢમાં જન્મેલા પંડિત છન્નુલાલ મિશ્રાએ વારાણસીને પોતાનું કર્મસ્થળ બનાવ્યું. તેઓ બનારસ ઘરાનાના કલા અને સંગીતના ક્ષેત્રમાં અગ્રણી પ્રતિનિધિ હતા. છન્નુલાલ મિશ્રાને 2010 માં UPA સરકાર દરમિયાન પદ્મ ભૂષણ અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ સરકાર દરમિયાન યશ ભારતી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2014 ની લોકસભા ચૂંટણી દરમિયાન, જ્યારે પીએમ મોદીએ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું, ત્યારે છન્નુલાલ મિશ્રા તેમના પ્રસ્તાવક બન્યા.
સંગીત જગતમાં ભારે શોકની લાગણી
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, બનારસ ઘરાનાના આ સુપ્રસિદ્ધ કલાકારે તેમના ઠુમરી, દાદરા, ચૈતી અને ભજન ગાયકીથી ભારતીય સંગીત જગતને સમૃદ્ધ બનાવ્યું. તેમના સુરીલા અવાજ અને અનોખા શૈલીથી, તેમણે શાસ્ત્રીય સંગીતને લોકો સુધી પહોંચાડ્યું. તેમના નિધનથી સંગીત જગતમાં ઊંડો શોક પ્રસર્યો છે. સંગીત પ્રેમીઓ અને તેમના શિષ્યો માટે આ એક અપૂરણીય ખોટ છે.