મુખ્તાર અંસારીના ઘરે પહોંચ્યા ઓવૈસી

સોમવાર, 1 એપ્રિલ 2024 (11:04 IST)
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન એટલે કે એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે યુપીના ગાઝીપુર પહોંચીને બાહુબલી નેતા મુખ્તાર અંસારીને શ્રદ્ધાંજલિ આપી.
 
ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “આજે દિવંગત મુખ્તાર અંસારીના ઘરે ગાઝીપુર જઈને તેમના પરિવારને આશ્વાસન આપ્યું. આ મુશ્કેલીના સમયમાં અમે તેમના પરિવાર, સમર્થકો અને ચાહનારા લોકો સાથે છીએ. ઇંશા અલ્લાહ, આ અંધારું દૂર થઈ પ્રકાશ આવશે.”
 
ઉલ્લેખનીય છે કે હૃદયરોગના હુમલાને કારણે થયેલા મોત બાદ મુખ્તાર અંસારીના મૃતદેહને ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો. તેમના મૃતદેહને પૈતૃક કબ્રસ્તાનમાં તેમનાં માતા-પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો.
 
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં સજા કાપી રહેલા મુખ્તાર અંસારીનું હૃદયરોગના હુમલાને કારણે ગુરુવારે સાંજે મૃત્યુ થયું હતું. બાંદા જિલ્લા જેલમાં બંધ મુખ્તાર અંસારીને ગુરુવારની સાંજે રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
મેડિકલ બુલેટિન અનુસાર, “63 વર્ષના મુખ્તાર અંસારીને જેલના સુરક્ષાકર્મીઓએ મેડિકલ કૉલેજના ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કર્યા હતા. તેમને ઊલટીની ફરિયાદ હતી અને બેહોશીની હાલતમાં તેમને લવાયા હતા.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર