નીતીશ કુમાર 7મી વખત બન્યા બિહારના મુખ્યમંત્રી, BJPના બે નાયબ મુખ્યમંત્રી

સોમવાર, 16 નવેમ્બર 2020 (16:45 IST)
બિહારના મુખ્ય મંત્રી તરીકે નીતીશકુમારે 7મી વખત શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને મુખ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
 
બિહારના પટણામાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા છે.
 
આ સાથે જ નીતીશકુમારની સરકારનો આ સતત ચોથો કાર્યકાળ હશે. જોકે, બિહારના મુખ્ય વિપક્ષ આરજેડીએ આ શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો છે.
 
આ સાથે જ ભાજપનાં નેતા રેણુ દેવી અને તારકિશોર પ્રસાદે પણ શપથ ગ્રહણ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બંનેને નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવશે.
 
આ પહેલાં નીતીશકુમારના સાથી તરીકે ભાજપમાંથી સુશીલકુમાર મોદી નાયબ મુખ્ય મંત્રીનું પદ સંભાળતા આવ્યા છે. જોકે, આ વખતે સુશીલકુમાર મોદીને બદલે ભાજપે નવા બે ચહેરાને નાયબ મુખ્ય મંત્રી પદ પર તક આપી હોવાનું માનવવામાં આવી રહ્યું છે.
 
જેડીયુના નેતા વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, અશોક ચૌધરી અને મેવાલાલ ચૌધરીએ કૅબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
 
આ સાથે જ બિહારમાં બે નાયબ મુખ્ય મંત્રીની ફૉમ્યુલા ભાજપે અપનાવી છે. એનડીએમાં ભાજપે પોતાના સાથી પક્ષ જેડીયુ કરતાં વધારે બેઠકો જીતી છે.
 
મારે મુખ્ય મંત્રી નહોતું બનવું : નીતીશ
 
રવિવારે નીતીશકુમારે કહ્યું હતું કે, "હું મુખ્ય મંત્રી બનવા નહોતો ઇચ્છતો પણ ભાજપના નેતાઓના આગ્રહ પર હું ફરી એક વાર મુખ્ય મંત્રીપદના શપથ લઈશ."
 
રવિવારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની એક બેઠકમાં સર્વસંમતિથી વિધાયકદળના નેતા ચૂંટાયા બાદ નીતીશ કુમારે બિહારના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
 
એ બાદ નીતીશે કહ્યું, "એનડીએની બેઠકમાં મને ફરી એક વાર નેતા ચૂંટવામાં આવ્યો છે. મહામહિમ રાજ્યપાલને અમે પત્ર આપ્યો છે. તેમણે પત્ર સ્વીકારતા મને મુખ્ય મંત્રી રૂપે મનોનીત કર્યો છે. કાલે કોણકોણ શપથ લેશે એનો નિર્ણય કરાશે."
 
રાજ્યપાલ સાથે થયેલી બેઠક બાદ તેમણે પત્રકારપરિષદ યોજી હતી.
 
તેમણ જણાવ્યું કે 'સોમવારે સાંજે સાડા ચાર વાગ્યે શપથગ્રહણ સમારોહ આયોજિત કરાશે.'
 
રાજભવનની બહાર સંરક્ષણમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે 'શું સુશીલ મોદી જ બિહારના નાયબ મુખ્ય મંત્રી બનશે?' તો તેમણે કહ્યું, "યોગ્ય સમયે આનો જવાબ આપવામાં આવશે. થોડી વાર રાહ જુઓ."
 
આ બાદ સુશીલ મોદીએ ટ્વીટ કર્યું, "ભાજપ અને સંઘપરિવારે મને 40 વર્ષના રાજકીય જીવનમાં એટલું આપ્યું છે કે કદાચ કોઈ બીજાને નહીં મળ્યું હોય. આગળ જે જવાબદારી મળશે, એનું વહન કરીશ. કાર્યકરનું પદ તો કોઈ આંચકી નહીં શકે."
 
- નીતીશ કુમારે સાતમી વખત શપથ લીધા
નીતીશ કુમારે સાતમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને પદ અને ગુપ્તતાના શપથ લીધા.
 
- નીતીશ રાજભવન પહોંચ્યા
નીતીશ કુમાર રાજભવન પહોંચ્યા છે. તેઓ થોડી વારમાં સાતમી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે
 
-ભાજપ પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા અને અમિત શાહ રાજભવન પહોંચ્યા 
બિહાર વિધાનસભાની ચૂંટણીઓનો શપથ ગ્રહણ સમારોહ ટૂંક સમયમાં શરૂ થનાર છે. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પહોંચ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર