મુંબઈમાં 4 માળની ઇમારત ધ્વસ્ત થતાં 50 જણ દબાયા, 2 લોકોનાં મૃત્યુ

મંગળવાર, 16 જુલાઈ 2019 (14:57 IST)
મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે, જેમાં 40-50 લોકો દબાયા હોવાની આશંકા છે. દબાયેલા લોકો પૈકી અત્યાર સુધી 2 લોકોનાં મૃત્યુ થયા હોવાનું અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી મળે છે. મુંબઈ મહાનગરપાલિકાનાં ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ સેલના જણાવ્યા મુજબ 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 2 લોકોને બચાવી લેવાયા છે એમ સમાચાર સંસ્થા એએનઆઈ જણાવે છે.
 
મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે બિલિડિંગ ધ્વસ્ત થતા મહાનગરપાલિકાએ છોકરીઓ માટેની ઇમામવાડા મ્યુનિસિપલ માધ્યમિક શાળામાં શૅલ્ટર હોમ ઉભું કર્યું છે. મળતી માહિતી પ્રમાણે, મંગળવારે સવારે 11 વાગ્યા અને 40 મિનિટ આજુબાજુ ડોંગરીની ટંડેલ ગલીમાં કેસરબાઈ નામની ઇમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે ધસી ગયા છે અને સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવવાની તથા દટાઈ ગયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે.
 
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ઉપર ત્રણ એવી રીતે ચાર ફ્લોર હતા. મદદ માટે જેસીબી તથા મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ)ની મદદ માગવામાં આવી છે. મુંબઈના ચીફ ફાયર ઓફિસર પ્રભાત રહાંગદલેના કહેવા પ્રમાણે, "આજુબાજુની ઇમારતોની સ્થિતિ ભયજનક હોવાથી તેને પણ ખાલી કરાવી દેવાઈ છે."
 
80 વર્ષ જૂની ઇમારત
 
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, આ ઇમારત લગભગ 80 વર્ષ જૂની હતી. આજુબાજુની મોટાભાગની ઇમારતો પણ ખૂબ જૂની છે. હજુ 30-40 લોકો નીચે દબાયેલા હશે. સ્થાનિકોનો આરોપ છે કે જૂની ઇમારતોની સમસ્યા પ્રત્યે વહીવટીતંત્ર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવે છે. જૂની ઇમારતો અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ સરકારે આ દિશામાં કશું નથી કર્યું. સાંકળી અને ગીચ ગલીઓને કારણે તંત્રને રાહત તથા બચાવકાર્ય કરવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. દરમિયાન NDRFએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ડોંગરીમાં દુર્ઘટનાસ્થળ ખાતે બે ટૂકડી રવાના કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર