મુંબઈ - આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, 11-13 જુલાઈ સુધી આ ટ્રેનો થશે રદ્દ
બુધવાર, 11 જુલાઈ 2018 (10:38 IST)
મુંબઈમાં સતત થઈ રહેલ વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે બુધવરે પણ મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. સ્ટેશનો પર પાણી ભરાય જવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીથી મુંબઈ જનારી ટ્રેનો પ્રભાવિત થઈ રહી છે
મંગળવારે મુંબઈ અને આ રૂટ પર જનારી લગભગ દોઢ ડઝન ટ્રેન નિરસ્ત કરવામાં આવી. 11 જુલાઈના રોજ અડધો ડઝન ટ્રેન નિરસ્ત રહેશે. 12 જુલાઈના રોજ 2 અને 13 જુલાઈના રોજ એક ટ્રેન પરિચાલન કેંસલ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓનુ કહેવુ છે કે આગામી ત્રણ દિવસમાં પરિસ્થિતિની તપાસ લેવા પછી ટ્રેન આ રૂટ પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવશે.
ગુજરાતથી મુંબઈ જતી તેમજ આવતી અનેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. જેના પગલે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયાઈ પડ્યાં છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવી જ રીતે મુંબઈને અડીને આવેલા પાલઘર જીલ્લામાં પણ અનાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નાલાસોપારા નજીક રેલવેના પાટા રીતસરના પાણીમાં ડૂબી ગયાં છે. જેની અસર રેલવે વ્યવવાર પર પડી છે. આમ ભારે વરસાદના કારણે ગુજરાતથી મુંબઈ જતી તેવી જ રીતે મુંબઈથી ગુજરાત પરત આવતી કેટલીક ટ્રેનો રદ્દ કરવી પડી છે.
કર્ણાવતી એક્સપ્રેસ, ડબલ ડેકર ટ્રેન રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદથી જતા તેમજ મુંબઈથી ગુજરાત તરફ આવી રહેલા અનેક મુસાફરો અટવાઈ પડ્યાં છે. મુસાફરોએ હાલ પોતાનો પ્રવાસ મુલતવી રાખવાની સ્થિતિ સર્જાઈ છે.
શતાબ્દી એક્સપ્રેસના ટ્રેના કોચમાં તો રીતસરના પાણી ભરાઈ ગયાની તસવીરો સામે આવી હતી. આખરે શતાબ્દી એક્સપ્રેસ અને એન્ટરસીટી ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી છે.
સુરત, વલસાડથી મોટી સંખ્યામાં લોકો મુંબઈ અને પાલઘર અપડાઉન કરતા હોય છે. જેના માટે કેટલીક ખાસ ટ્રેનો પણ ફાળવવામાં આવી છે. જેમાં વલસાડ એક્સપ્રેસ, ફ્લાઈંગ રાનીનો સમાવેશ થાય છે. પરંતુ ભારે વરસાદના પગલે આ બંને ટ્રેનોને પણ કેંસલ કરવામાં આવી છે. જેના કારણે સુરત, વલસાડ અને તેની આસપાસના સ્થળેથી મુંબઈ નોકરી વ્યવસાયે જતા મુસાફરોને રજા રાખવાનો વારો આવ્યો છે.
ટ્રેનોને લઈને આ સ્થિતિ ક્યાં સુધી રહેશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કારણ કે, મુંબઈ અને પાલઘર જીલ્લામાં હજી પણ અનાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી કેટલાક દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવે ટ્રેક પર પાણી હોવાના કારણે લોકલ ટ્રેનો ભાયંદરથી ચર્ચગેટ વચ્ચે જ ચાલશે.