નિર્ભયા કેસ - સુપ્રીમ કોર્ટે દોષીઓની રિવ્યૂ પિટિશન રદ્દ કરી, દોષીઓને કોઈ રાહત નહી

સોમવાર, 9 જુલાઈ 2018 (14:45 IST)
બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ પર સુપ્રીમ કોર્ટે એકવાર ફરી ન્યાય કરીને લોકોના વિશ્વાસને કાયમ રાખ્યો છે. નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના બહુચર્ચિત મામલે દોષીઓની રિવ્યૂ પિટીશનને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દોષીઓની ફાંસીની સજાને કાયમ રાખી છે.  આ પહેલા સુપ્રીમ કોર્ટે 4 મે ના રોજ પવન વિનય અને મુકેશની પુર્નવિચાર અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી હવે આ દોષીઓ પાસે ક્યૂરેટિવ પિટિશન અને પછી રાઍષ્ટ્રપતિ પાસે દયા અરજીનો વિકલ્પ બચે છે. 
 
નિર્ભયા કાંડના ચાર દોષિતોમાં સામેલ અક્ષય કુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટના મે 2017ના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. અક્ષય કુમાર સિંહના વકીલ એપી સિંહે કહ્યું કે, અક્ષયે અત્યાર સુધી પુનર્વિચાર અરજી દાખલ કરી નથી, અમે તેને દાખલ કરીશું.
 
SCના જજ દીપક મિશ્રા, જજ આર ભાનુમતિ અને અશોક ભૂષણની પીઠે મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજીઓ પર સોમવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
 
સુપ્રીમ કોર્ટે પોતાના 2017ના નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટ અને નીચલી કોર્ટ દ્વારા 23 વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે 16 ડિસેમ્બર 2012ના રોજ ગેંગરેપ અને હત્યાના કેસમાં તેમણે સંભળાવવામાં આવેલી મોતની સજા યથાવત રાખી હતી. નિર્ભયાની સાથે દક્ષિણી દિલ્હીમાં ચાલતી બસમાં 6 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો અને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ રસ્તા પર ફેંકી દીધી હતી. સિંગાપુરના માઉન્ટ એલિજાબેથ હોસ્પિટલમાં 29 ડિસેમ્બર 2012ના રોજ સારવાર દરમ્યાન નિર્ભયાનું મોત થયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર