ધરતી પર નજર રાખવા માટે લોન્ચ કરવામાં આવેલા 712 કિલોગ્રામ વજનના કાર્ટોસેટ-2 શ્રેણીના આ ઉપગ્રહ સાથે લગભગ 243 કિલોગ્રામ વજનના 30 નેનો સેટેલાઈટ્સને પણ છોડવામાં આવ્યાં. તમામ ઉપગ્રહોનું કુલ વજન લગભગ 955 કિલોગ્રામ છે. આ ઉપગ્રહોમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ચિલી, ઝેક રિપબ્લિક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સહિત 14 દેશોના નેનો ઉપગ્રહ સામેલ છે. 29 વિદેશી જ્યારે એક નેનો સેટેલાઈટ ભારતનો છે.
ભારતના નેનો સેટેલાઈટનું નામ NIUSAT છે જેનું વજન માત્ર 15 કિલોગ્રામ છે. આ સેટેલાઈટ ખેતીના ક્ષેત્રમાં નિગરાણી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કામમાં આવશે. અત્રે જણાવવાનું કે ભારતીય સેનાને પણ આ સેટેલાઈટ લોન્ચિંગથી ફાયદો થશે. નિગરાણી સંબંધિત તાકાત વધશે. આતંકી કેમ્પો અને બંકર્સની ઓળખ તથા તેના ઉપર બાજ નજર રાખવામાં સેટેલાઈટ ઉપયોગી નિવડશે.