અમિત શાહ અને ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક નિષ્ફળ, કૃષિકાયદાને લઈને સરકાર અડગ

બુધવાર, 9 ડિસેમ્બર 2020 (09:31 IST)
ખેડૂત નેતાઓ સાથેની અમિત શાહની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી અને સ્થિતિ અગાઉની સરકાર સાથેની મિટિંગ મુજબ બરકરાર છે.
 
આ બેઠકમાં ભાગ લેનારા ઑલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી, હનન મુલ્લાહે મીડિયા સાથે વાત કરી.
 
સમાચાર એજન્સી ANI મુજબ ઑલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી, હનન મુલ્લાહે જણાવ્યું હતું કે "આવતી કાલે ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગ નહીં યોજાય, સરકાર દ્વારા ખેડૂતોને આવતી કાલે પ્રસ્તાવ આપવામાં આવશે. જે અંગે મિટિંગ યોજી ખેડૂત આગેવાનો નિર્ણય લેશે."
 
તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચવાની માગ માનવા તૈયાર નથી.
 
તેમણે કહ્યું કે, "આવતી કાલે ખેડૂત આગેવાનો દિલ્હી-હરિયાણા બૉર્ડર પર બપોરે 12 વાગ્યે મિટિંગ યોજશે."
 
અમિત શાહ સાથે ખેડૂત નેતાઓની બેઠક પર અલગ-અલગ સૂર
ભારત બંધની સાંજે ગૃહ મંત્રી અમિત શાહ ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરવાના છે એ સમાચાર પર રહસ્ય ઘેરાયું હતું.
 
ગૃહ મંત્રી અમિત શાહના આમંત્રણથી ખેડૂત નેતાઓ એમને સાંજે સાત વાગે મળશે એવા સમાચાર આવ્યા હતા.
 
જોકે, એ પછી લાંબો સમય એ મુલાકાતને લઈને કોઈ જ સમાચાર નહોતા.
 
આ દરમિયાન ગૃહમંત્રીને મળવાની વાતની સમાચાર સંસ્થા એએનઆઈ સમક્ષ પુષ્ટિ કરનાર ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ મુલાકાત ક્યાં થશે એ અંગે વાત કરી રહ્યા છે.
 
જોકે, રાકેશ ટિકૈતની આ વાત અગાઉ ખેડૂત નેતાઓ તેઓ ગૃહમંત્રી સમક્ષ સરકારના હા કે ના જવાબ સાંભળવાની માગ કરશે એમ કહ્યું હતું. ખેડૂત નેતાઓએ એમ પણ કહ્યું કે આમાં વચલો રસ્તો શક્ય નથી.
 
અમિત શાહ સાથે મુલાકાત માટે કેટલાક નેતાઓએ એકલા નહોતું જવું જોઈતું. - જોગિંદર સિંહ ઉગરાહાં
 
નવ ડિસેમ્બરની ખેડૂતો અને કેન્દ્ર સરકારની વાતચીત પહેલાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી ખેડૂત નેતાઓને અનૌપચારિક વાતચીત માટે અપાયેલ આમંત્રણને લઈને ખેડૂત નેતાઓ તરફથી જુદાં જુદાં નિવેદનો આવી રહ્યાં છે.
 
બીબીસી પંજાબી સેવાના પત્રકાર સરબજીત ધાલીવાલ પ્રમાણે આ વાતચીત માટે 13 ખેડૂત નેતાઓને બોલાવવામાં આવ્યા છે.
 
પંજાબના સૌથી મોટા ખેડૂતસંગઠન ભારતીય કિસાન યુનિયન (ઉગરાહાં)ના નેતા આ વાતચીત માટે નહોતા ગયા.
 
ભારતીય કિસાન યુનિયન (રાજેવાલ)ના નેતા બલબીર સિંહ રાજેવાલે બીબીસીને જણાવ્યું કે આ એક અનૌપચારિક વાતચીત છે. રાજેવાલ આ બેઠકમાં જઈ રહ્યા છે.
 
આ દરમિયાન સંગઠન ભારતીય કિસાન યુનિયન (ઉગરાહાં)ના નેતા જોગિંદર સિંહ ઉગરાહાંએ વીડિયો નિવેદન જારી કરીને કહ્યું કે કેટલાક નેતાઓએ એકલા બેઠકમાં નહોતું જવું જોઈતું. આવું કરવાથી ખેડૂત સંગઠનોની એકતાને લઈને શંકા સર્જાઈ શકે છે.
 
જોગિંદર સિંહ ઉગરાહાંએ બીબીસી પંજાબીને જણાવ્યું કે તેમને આજની બેઠક માટે સરકાર તરફથી કોઈ આમંત્રણ નહોતું મળ્યું.
 
આવી પરિસ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે શું ખેડૂત સંગઠનોમાં વિભાજન છે?
 
આ આશંકા અંગે આંદોલનમાં સામેલ સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાને કહ્યું કે આ બેઠક માટે તમામ ખેડૂત સંગઠનોને લૂપમાં નથી રાખવામાં આવ્યાં, આ સરકાર તરફથી આંદોલનમાં ભાગલા પાડવાનો પ્રયત્ન હોઈ શકે છે.
 
જોકે, અમિત શાહ સાથે ખેડૂતોની બેઠકને લઈને અવઢવની સ્થિતિ સર્જાયેલી છે.
 
સૌથી પહેલાં ભારતીય કિસાન યુનિયન (ટિકૈત)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે સમાચાર આપ્યા કે અમિત શાહે ખેડૂતોને આજે સાંજે મળવા બોલાવ્યા છે.
 
તે પછી સાંજે સાડા ચાર વાગ્યે ખેડૂત નેતાઓની એક પત્રકારપરિષદ થઈ જેમાં એ વાતની જાહેરાત કરાઈ કે 13 લોકો ગૃહમંત્રીને મળવા જશે.
 
એ નેતાઓનાં નામ આ છે.
 
1. રાકેશ ટિકૈત 2. ગુરનામ ચઢૂની 3. હનન મુલ્લા 4. શિવકુમાર હક્કા 5.બલબીર સિંહ 6. જગજીત સિંહ 7. રુલદૂ સિંહ માનસા 8. મંજીત સિંહ રાય 9. બુટ્ટા સિંહ બુરૂજગિલ 10. હરિંદર સિંહ લખોવાલ 11.દર્શન પાલ 12.કુલવંત સિંહ સંધૂ 13. ભોગ સિંહ માનસા
 
પરંતુ સાંજે જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે મિટિંગ ક્યાં થઈ રહી છે ત્યારે તેમણે કહ્યું કે તેઓ એ વાતની માહિતી મેળવશે કે ગૃહમંત્રી ખેડૂતો સાથે ક્યાં બેઠક કરી રહ્યા છે.
 
પહેલાં જણાવાયું કે ગૃહ મંત્રાલય કે અમિત શાહના સરકારી આવાસ પર બેઠક થશે. પછી જણાવાયું કે બેઠક પૂસા ઇન્સ્ટિટ્યૂટના ગેસ્ટ હાઉસમાં થઈ રહી છે.
 
જોકે, વાતચીત પહેલાં જ ગૃહમંત્રી સાથે વાતચીત કરવા આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા સમક્ષ એવો દાવો કર્યો કે આ 13 ખેડૂત નેતાઓ બીજા બધાં સમૂહોના પ્રતિનિધિ તરીકે બેઠકમાં સામેલ થઈ રહ્યા છે અને બધા એક સાથે છે.
 
ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
 
મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં મંગળવારે વિવિધ ખેડૂત સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું હતું.
 
ખેડૂતોની માગ યોગ્ય ગણાવીને કૉંગ્રેસ, વામપંથી પાર્ટીઓ, ડીએમકે, ટીઆરએસ, સપા, બસપા, આરજેડી, શિવસેના, એનસીપી, અકાલી દળ, આપ, જેએમએમ અને ગુપકર ગઠબંધને ભારત બંધનું સમર્થન કર્યું હતું.
 
સરકાર અને ખેડૂતો વચ્ચેની પાંચ મંત્રણાઓ નિષ્ફળ નીવડી છે.
 
દેશનાં અનેક ખેડૂત સંગઠનો નવા કૃષિકાયદાઓ રદ કરવાની માગ કરી રહ્યાં છે. સરકારનું કહેવું છે કે આ કાયદાઓ ખેડૂતોના લાભ માટે છે.
 
ભારતમાં બંધની કેવી અસર રહી?
 
અનેક રાજ્યોમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધની સૌથી વધુ અસર દિલ્હી, પંજાબ અને હરિયાણામાં જોવા મળી હતી.
 
મુંબઈનું સૌથી મોટું વાશી કૃષિબજાર આજે ભારત બંધના સમર્થનમાં બંધ રહ્યું હતું. મુંબઈમાં ખાદ્યસામગ્રીની આપૂર્તિ માટેનું આ સૌથી મોટું બજાર છે.
 
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું સૌથી મોટું ફળ અને શાકનું બજાર મંગળવારે બંધ રહ્યું હતું. આ બજારમાં આશરે દરરોજ 15 હજાર ખેડૂતો વેચાણ માટે આવતા હોય છે.
 
પંજાબમાં ભારત બંધની અસર વિવિધ વિસ્તારોમાં જોવા મળી હતી. કૃષિ સુધારા કાયદા સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોમાં સૌથી વધારે પંજાબ અને હરિયાણાના ખેડૂતો હતા.
 
મોહાલીમાં ખેડૂતોએ ભારત બંધના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું અને રસ્તો રોક્યો હતો. જેના કારણે ચંદીગઢ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી.
 
બેંગલુરુમાં ટાઉનહૉલ સામે રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનોના લોકોએ હાથમાં શાકભાજી લઈ પ્રદર્શન કર્યું. સાથે જ ઘણા લોકો બળદગાડા સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા.
 
તામિલનાડુમાં ભારત બંધને સમર્થન મળ્યું નથી. વિપક્ષની અપીલ છતાં યુનિયનોએ બજાર ખુલ્લાં રાખ્યાં હતાં.
 
હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ બજારો ખુલ્લાં રહ્યાં હતાં. આ રાજ્યોમાં કૉંગ્રેસ વિરોધ કરવાની ઘોષણા કરી ચૂકી છે.
 
બિહારના દરભંગામાં ડાબેરી પક્ષોના કાર્યકર્તાઓ ટ્રેન રોકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આંધ્રપ્રદેશના વિજયવાડામાં પણ ડાબેરી પક્ષોએ નેતાઓએ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. તેલંગાણામાં ટીઆરએસના નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં વિરોધપ્રદર્શન કર્યું.
 
ગુજરાતમાં બંધની કેવી અસર રહી?
અમદાવાદ, રાજકોટ, અમરેલી, કચ્છ, ભરૂચ સહિતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
 
અમરેલીમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી શહેરને બંધ કરાવવા નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી.
 
ભરૂચ જિલ્લાના અતિ વ્યસ્ત ભરૂચ-દહેજ માર્ગ પર ઠેકઠેકાણે ટાયરો સળગાવી કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
 
વિરોધને કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો. તો ભરૂચ-દહેજ માર્ગ ભારે વાહનોની લાંબી કતારો પણ લાગી હતી.
 
દાહોદ-ઇંદૌર હાઇવે પર ભારતીય ટ્રાઇબલ પાર્ટી(BTP)ના કાર્યકરો દ્વારા ભારત બંધના સમર્થનમાં ટાયર સળગાવી વિરોધપ્રદર્શન કરાયું હતું. જોકે, હાઇવે પર ચક્કાજામના પક્ષના કાર્યકરોના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
 
રાજકોટ શહેર બંધની નહિવત્ અસર જોવા મળી હતી. જોકે, રાજકોટ માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ રહ્યા હતા. સ્થાનિક જનજીવન પર ભારત બંધની અસર જોવા મળી નહોતી. ચૅમ્બર ઑફ કૉમર્સ, રાજકોટ દ્વારા બંધને સમર્થન જાહેર કરવામાં આવ્યું નહોતું.
 
અમદાવાદમાં પણ કેટલાક કૉંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે તેમને સવારથી જ ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા છે.
 
કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે સરકાર ખેડૂતના લાભાર્થે કોઈ કાયદો લાવી નથી. આ મોટી કંપનીઓને ફાયદો કરાવવા માટે છે.
 
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કૉંગ્રેસ ખેડૂતોને ભરમાવી રહી છે.
 
કૉંગ્રેસે ખેડૂતોને કંઈ નથી આપ્યું, મોદીજી આપી રહ્યા છે : જાવડેકર
 
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે કહ્યું હતું કે જે વિપક્ષો કૃષિ કાયદાઓને પરત લેવાની માગ કરી રહ્યા છે, તે બેવડાં ધોરણ અપનાવી રહ્યાં છે.
 
પર્યાવરણમંત્રી જાવડેકરે કહ્યું, "વિપક્ષ આ કાયદાઓને પરત લેવાની માગ કરી રહ્યા છે, આ તેમનાં બેવડાં ધોરણો છે. કેમ કે સત્તામાં હતા ત્યારે તેમણે જ કૉન્ટ્રેક્ટ ફાર્મિંગને મંજૂરી આપી હતી. કૉંગ્રેસે આ કાયદાનો ઉલ્લેખ તેના 2019ના ઘોષણાપત્રમાં પણ કર્યો છે."
 
જાવડેકરે કહ્યું, "ખેડૂતોએ ખર્ચ સામે વધારે મૂલ્યની માગ કરી હતી, અમે તેમને ખર્ચ કરતાં 50 ટકા વધારે આપી રહ્યા છીએ. કૉંગ્રેસે પોતાના કાર્યકાળમાં ખેડૂતોને કંઈ આપ્યું ન હતું. મોદીજી આપી રહ્યા છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર