કોલકતામાં ડૉક્ટરોના વિરોધપ્રદર્શન દરમિયાન હિંસા, ભીડ દ્વારા હૉસ્પિટલમાં તોડફોડ

શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (12:54 IST)
કોલકતાની આરજી કર મેડિકલ કૉલેજમાં મહિલા તબીબની સાથે દુષ્કર્મ તથા હત્યા મામલે ડૉક્ટરો વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે 14 અને 15 ઑગ્સ્ટની મધ્યરાત્રિએ અજાણ્યા શખ્સોની ભીડે હૉસ્પિટલ પરિસરમાં પ્રવેશ કરીને પ્રદર્શનસ્થળ, વાહનો તથા સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
 
કોલકતાના પોલીસ કમિશનર વિનીતકુમારના કહેવા પ્રમાણે મીડિયાના અપપ્રચારને કારણે આ બધું ઘટ્યું હતું અને મોડી રાત્રે જ ભીડને વિખેરી નાખવામાં આવી હતી.
 
દરમિયાન પશ્ચિમ બંગાળનાં સત્તાધારી પક્ષ તૃણમુલ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચીવ તથા લોકસભામાં સંસદસભ્ય અભિષેક બેનરજીએ કહ્યું હતું કે આરજી કરમાં ગુંડાગીરી તથા બર્બરતાએ સ્વીકાર્ય સીમાઓ ઓળંગી દીધી છે.
 
તેમણે માગ કરી હતી કે જે લોકોએ હિંસા આચરી હોય તેમને 24 કલાકની અંદર ઓળખી લેવામાં આવે તથા તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે.
 
બીજી બાજુ, રાજ્યમાં વિરોધપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનો આરોપ છે કે હુમલાખોર ટીએમસીના ગુંડા હતા.
 
વિનીત કુમારે કહ્યું હતું કે માત્ર અફવાઓના આધારે તેઓ પીજીના વિદ્યાર્થીની ધરપકડ ન કરી શકે. "મારા આત્માને એ મંજૂર નથી." વિનીતકુમારના કહેવા પ્રમાણે, 'આ મામલે પોલીસ ઉપર મીડિયાનું ભારે દબાણ છે.'
 
વિનીત કુમારે ઉમેર્યું, "અમે અત્યાર સુધી યોગ્ય તપાસ કરી છે તથા મને તેમાં કોઈ શંકા નથી. હવે સીબીઆઈ આ કેસની તપાસ કરશે. તે નિષ્પક્ષ તપાસ કરશે. અમે સીબીઆઈને પૂરો સહકાર આપીશું."
 
મોડીરાત્રે શું થયું 
બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ મોડી રાત્રે પ્રદર્શનસ્થળે જે કંઈ બન્યું, તેનો આંખે દેખ્યો અહેવાલ જણાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, અજાણ્યા શખ્સો આરજી કર હૉસ્પિટલમાં ઘૂસી ગયા હતા, એ પછી સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી.
 
આ દરમિયાન મીડિયાને પણ ટાર્ગૅટ કરવામાં આવ્યાં હતાં. કૅમેરાપર્સન ઉપર હુમલા થયા. ત્યાં રહેલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી. કેટલાક પત્રકાર ઘણો સમય સુધી ફસાયેલા રહ્યા.
 
ઘટનાસ્થળે પણ ભારે તોડફોડ થઈ હતી. ત્યાંના વીડિયોમાં અનેક વાહન તથા હૉસ્પિટલ પરિસરમાં ભારે તોડફોડ થઈ હોવાનું માલૂમ પડે છે.
 
હિંસા પછી આરજી કર હૉસ્પિટલના તબીબોએ વીડિયો સંદેશ પણ બહાર પાડ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર