અંડમાન-નિકોબાર પહોંચ્યુ વર્ષનું પ્રથમ ચક્રવાત આસની : તોફાની પવન સાથે જોરદાર વરસાદ ચાલુ, માછીમારોને સમુદ્રથી દૂર રહેવા ચેતવણી

સોમવાર, 21 માર્ચ 2022 (10:53 IST)
બંગાળની ખાડીમાંથી ઉછળેલું ચક્રવાતી તોફાન આસની આજે અંડમાન-નિકોબાર તટ પર ત્રાટકશે. ભારતીય કોસ્ટ ગાર્ડે બંગાળની ખાડી અને અંડમાન અને નિકોબાર ટાપુઓમાં તમામ ખલાસીઓ અને માછીમારોને ચેતવણી આપી છે. તેમને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. અંડમાન અને નિકોબાર ટાપુઓ પર તોફાની પવન અને ભારે વરસાદ ચાલુ છે.
 
વાવાઝોડાને કારણે પોર્ટ બ્લેર અને આસપાસના ટાપુઓ વચ્ચે ચાલતા તમામ જહાજોને દરિયામાં જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. મુસાફરો માટે હેલ્પલાઇન નંબર 03192-245555/232714 અને ટોલ ફ્રી નંબર 1-800-345-2714 પણ જારી કરવામાં આવ્યો છે.
 
હવામાન વિભાગ (IMD) એ 2022 ના પ્રથમ ચક્રવાતને લઈને પહેલેથી જ ચેતવણી  રજુ  કરી દીધી હતી. વિભાગે કહ્યું હતું કે બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે.
 
આસની 21 માર્ચે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે
 
વિભાગે કહ્યું, 'આંદામાન-નિકોબાર પછી તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. 20 માર્ચે તેની તીવ્રતા ઘટશે, જ્યારે 21 માર્ચે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ, તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને 22 માર્ચે ઉત્તર મ્યાનમાર-દક્ષિણપૂર્વ બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચશે.
 
માર્ચમાં, 132 વર્ષમાં એક પણ ટ્રોપીકલ સાઈક્લોન આ ક્ષેત્રમાં આવ્યુ નથી 
 
IMDના ડાયરેરેક્ટર મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું કે 1891-2022 વચ્ચે માર્ચ મહિનામાં માત્ર 8 ચક્રવાત ( અરબી સમુદ્રમાં 2  અને  બંગાળની ખાડીમાં 6 ) બન્યા છે. આસની માર્ચમાં અંડમાન-નિકોબાર ટાપુઓ પર ત્રાટકનાર પ્રથમ ટ્રોપીકલ સાઈક્લોનબની શકે છે. માર્ચમાં, છેલ્લા 132 વર્ષમાં એક પણ ટ્રોપીકલ સાઈક્લોન આ પ્રદેશમાં ત્રાટક્યું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર