બાબરી મસ્જિદ તોડવાના મામલે અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 12 નેતાઓ સામે કેસ ચાલશેઃ

ગુરુવાર, 20 એપ્રિલ 2017 (06:51 IST)
: સુપ્રીમ કોર્ટમાં આજે એક મહત્વની સુનાવણી હાથ ધરાઈ. સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું કે બાબરી મસ્જિદ તોડવાના મામલે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સહિતના ભાજપના નેતાઓ પર અપરાધિક કાવતરાનો કેસ ચાલશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું કે રાયબરેલી અને લખનઉમાં ચાલી રહેલા બે અલગ અલગ કેસોની સુનાવણી લખનઉની એક જ કોર્ટમાં કરાશે. સુપ્રીમે એવો પણ આદેશ આપ્યો કે કેસની ટ્રાયલ બે વર્ષમાં પૂરી થવી જોઈએ અને ટ્રાયલ ડે ટૂ ડે ચાલશે. જો કે આ ચૂકાદામાં યુપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણ સિંહને હાલ બાકાત રખાયા છે એટલે કે તેમના પર હાલ કેસ ચાલશે નહીં.
 
      6 એપ્રિલના રોજ ચૂકાદાને અનામત રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે આ મામલે ઈન્સાફ ઈચ્છીએ છીએ. એક એવો કેસ કે જે 17 વર્ષથી માત્ર તકનીકી ગડબડીના કારણે પેન્ડિંગ છે. આથી તેના માટે અમે બંધારણની કલમ 142 મુજબ અમારા અધિકારનો ઉપયોગ કરીને અડવાણી, જોશી સહિત તમામ પર અપરાધિક કાવતરાની કલમ મુજબ ટ્રાયલ ફરીથી શરૂ કરવાના આદેશ આપી શકીએ છીએ. આ સાથે જ કેસને રાયબરેલીથી લખનઉ ટ્રાન્સફર કરી શકીએ છીએ. 25 વર્ષથી આ મામલો લટકેલો છે. અમે ડે ટૂ ડે સુનાવણી કરીને બે વર્ષમાં સુનાવણી પૂરી કરી શકીએ છીએ.

વેબદુનિયા પર વાંચો