MCD ચૂંટણી જીતીશુ તો અમે દિલ્હીને લંડન બનાવીશુ - કેજરીવાલ

સોમવાર, 6 માર્ચ 2017 (11:51 IST)
દિલ્હીમાં એમસીડી ચૂંટણી નિકટ છે. આવામાં પાર્ટીઓએ આ તરફ ધ્યાન આપવુ શરૂ કરી દીધુ છે. પાર્ટીઓ તરફથી નિવેદનબાજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યુ કે આગામી ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી જીતી જશે તો તે દિલ્હીને લંડન જેવુ બનાવી દેશે. તેમને દાવો કર્યો કે તેમની સરકારે દિલ્હીમાં બે વર્ષમાં જેટલુ કામ કર્યુ તેટલુ ભાજપા 10-15 વર્ષમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કરી શકી નથી.  તેમણે કહ્યુ વિધાનસભા ચૂંટણીમાં તમે 67 સીટો આપી અને આ વખતે તમે કોઈ ફરક ન કરજો.  જો અમે દિલ્હી નગર નિગમ ચૂંટ્ણી જીતી ગયા તો અમે દિલ્હીમાં ચાર ચાંદ લગાવી દઈશુ અને તેને એક વર્ષમાં લંડન જેવુ બનાવી દઈશુ.  આગામી નિગમ ચૂટણી માટે ઉત્તમ નગરમાં પ્રચાર કરતા તેમણે કોલોનીઓના રહેવાસીઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો. 
 
આ દરમિયાન તેમણે કહ્યું કે અનેક લોકોને એવું લાગે છે કે દિલ્હીમાં સફાઈની જવાબદારી અમારી સરકારની છે તો હું તેમને જણાવી દઉ કે આ જવાબદારી દિલ્હી સરકારની નથી. આ કામ કોર્પોરેશનમાં બેઠેલા ભાજપ અને કોંગ્રેસના લોકોનું છે. કોર્પોરેશન માટે ગત વર્ષે તેમને 2800 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ બધા રૂપિયા ખાઈ ગયાં. દિલ્હીમાં ઠેર ઠેર ગંદકી ફેલાયેલી રહે છે.
 
કેજરીવાલે એમ પણ કહ્યું કે દિલ્હીમાં કામ તો ખુબ થાય છે. જેમાં શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં સૌથી વધુ કામ થાય છે. સરકારે મોહલ્લા ક્લિનિક ખોલ્યાં. જેમાં લોકોનો ફ્રીમાં ઈલાજ થાય છે. આ પ્રોજેક્ટની સમગ્ર દુનિયામાં ચર્ચા થાય છે. અમેરિકા અને યુરોપથી લોકો આ મોહલ્લા ક્લિનિકને જોવા આવે છે. આવા 106 મોહલ્લા ક્લિનિક બન્યા છે.

વેબદુનિયા પર વાંચો