નરેન્દ્ર મોદી અને તેમના ચાર મિત્રો

ગુરુવાર, 18 જૂન 2015 (17:00 IST)
સંઘકાળના ચાર મિત્રો વચ્ચે ચાલેલા રાજીકીય જંગમાં છેલ્લું અટ્ટાહાસ્ય નરેન્દ્ર મોદીનું રહ્યું છે. કેશુભાઈ પટેલ,કાશીરામ રાણા અને શંકરસિંહ વાઘેલા પૈકી નરેન્દ્ર મોદી આંધી-તુફાનમાં પણ નાવને હંકારી ગયા છે. હવે ટર્ન શંકરસિંહ વાઘેલાનો આવ્યો છે.
દેશના વડાપ્રધાનપદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીને ચાણક્ય માનવામાં આવે છે. તેઓને સફળ રણનીતિકાર તરીકે ગણવામાં આવે છે. અડવાણીની સોમનાથ યાત્રા હોય કે ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી તરીકેના 10 વર્ષનું શાસન..નરેન્દ્ર મોદીએ હરીફોને જરાય ફાવવા દીધા નહતા. 

કેશુભાઈ,કાશીરામ અને શંકરસિંહ વાઘેલાએ વડોદરામાં સંઘ પ્રચારક તામણેનાં નિવાસે સાથે દિવસ રાત કામ કરી ભાજપને બેઠો કરવામાં પાછીપાની કરી ન હતી. મોદીને કદીય કેશુભાઈ,કાશીરામ અને શંકરસિંહની ત્રિપુટીએ આગળ આવવા ન દીધા. મોદી સામે ખુદ તેમનાં જ પક્ષનાં સાથી હરીફ બન્યા હતા. ગુજરાતમાં સંઘ પ્રચારક બન્યા,ગુજરાતમાં હકાલપટ્ટી થઈ એમ અનેક પડકારોને ઝીલી છેવટે હરીફોને મહાત કરી મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. કેશુભાઈ, કાશીરામ અને શંકરસિંહ વાઘેલા મોં વકાસીને જોતાં જ રહી ગયા. અડવાણીની પણ આજે શું દશા છે? તે સૌ કોઈ જાણે છે. અડવાણી પણ હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા બાદ ગોધરા કાંડ, ત્યાર બાદના કોમી રમખાણ, બોગસ એનકાઉન્ટરની વણજાર, અમીત શાહની ધરપકડ, માયા કોડનાનીની ધરપકડથી લઈ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષો દ્વારા મોદીની કટ્ટર છબિને લઈ આક્રમક પ્રચાર કરવામાં આવ્યો હતો. મોદીએ એકલા હાથે વંટોળનો સામનો કર્યો. આ તમામ મુદ્દઓ પર સંઘ મોદીની પડખે રહ્યું હતું. કોંગ્રેસનાં નેગેટીવ પ્રચારને પોતાની તરફ પોઝીટીવ પ્રચારમાં ફેરવી નરેન્દ્ર મોદી દેશનાં વડાપ્રધાન બન્યા.

નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા કુશળ સંગઠક માનવામાં આવે છે. નરન્દ્ર મોદી અને વાઘેલાની જોડી ભાજપમાં ફેવરીટ હતી. કેશુભાઈની સરકારથી વાઘેલા દુભાયેલા રહેતા હતા. વારંલારની ફરિયાદનાં અંતે અડવાણીએ વાઘેલા અને કેશુભાઈ વચ્ચે સમધાન કરાવ્યું. સમાધાન થયા બાદ પણ વાઘેલાનાં જીવને કળ વળી ન હતી. સંતોષ ન હતો, છેવટે વાઘેલા બાપુએ આરપારની લડાઈ લડી અને ખજુરિયા કાંડ થયું. 55 ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો. વર્ષોના ઈન્તેજાર બાદ હાથમાં આવેલી સત્તા આ રીતે જશે તેના ડરે ભાજપે અનેક પ્રયાસો કરી જોયા પણ વાઘેલા ટસથી મસ ન થયા અને કોંગ્રેસનાં સમર્થનથી ગુજરાતમાં રાજપાના નેતૃત્વવાળી સરકારી રચી. રાજપાની સરકાર લાંબુ ટકી ન શકી. કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લઈ વાઘેલાની સરકારને પાડી દીધી.

નવેસરથી ચૂંટણી યોજાઈ અને રાજપા સહિત કોંગ્રેસની કારમી હાર થઈ. કેશુભાઈ ફરી મુખ્યમંત્રી બન્યા. આ બધા ઘટનાક્રમમાં નરેન્દ્ર મોદીએ પોતાની જાતને સંભાળીને રાખી હતી. તેઓ હિમાચલ પ્રદેશના પર્વતોમાં ભાવિ રણનીતિ ઘડી રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ રાજકીય અંધાધુંધી વચ્ચે કોંગ્રેસની કંઠી બાંધી. તેઓ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી બન્યા. વાઘેલા અને મોદી મિત્રતા અકબંધ રહી પણ બોલવાના સંબંધો ન રહ્યા. જે ત્રિપુટી(કાશીરામ,કેશુભાઈ અને શંકરસિંહ)એ નરેન્દ્ર મોદીને આગળ વધવા ન દીધા એ ત્રિપુટીને નરેન્દ્ર મોદીએ એકલા હાથે રાજકીય જંગમાં મહાત કરી દીધા.

નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ

અયોધ્યામાં બાબરી મસ્જીદ ધ્વંશની સૌથી વધુ અસર ગુજરાત પર પડી હતી. કોમી રમખાણો ડામવામાં કોંગ્રેસ સરકાર નિષ્ફળ ગઈ અને ભાજપનો ઘોડો પુરપાટ દોડતો થઈ ગયો. વિધાનસભાની ચૂંટણી આવી અને ભાજપે બહુમતિ સાથે વિજય હાંસલ કર્યો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી સેવા આપી છે. તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. કચ્છમાં આવેલાં ભૂકંપ બાદ કેશુભાઈની સરકાર સામે અનેકવિધ આક્ષેપો કરવામાં આવ્યા અને કેશુબાપાએ મુખ્યમંત્રીપદની ખુરશી પરાણે છોડવી પડી હતી. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે "ગુજરાત પરીવર્તન પાર્ટી" નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.

કેશુભાઈને મુખ્યમંત્રી બનાવવામાં પણ નરેન્દ્ર મોદી પાછલા બારણેથી કાર્યરત હતા. રિમોટ નરેન્દ્ર મોદી પાસે જ હતો. એવું કહેવાય છે કે મોદી પાસે ત્યારે પણ સુપર પાવર હતો. પાછળથી કેશુભાઈ સાથે ઠરી ગઈ અને મોદીને ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યા.

૨૦૦૭ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદીએ સરળતાથી ચૂંટણીમાં જીત્યા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. કેશુભાઈ પટેલ રાજ્ય સભાના સાંસદ હતા, પરંતુ હવે જૂન ૨૦૧૨ પછી તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃતિ લઇ લીધી છે.

નરેન્દ્ર મોદી અને કાશીરામ રાણા

ગુજરાતમાં જનસંઘથી માંડીને ભાજપ માટે પાંચ દશકા સુધી લોહી-પસિનો એક કરનાર અગ્રણી નેતાઓમાં કાશીરામ રાણાનું નામ પ્રથમ પંકતિના નેતાઓમાં આવે. ૧૯૯૫માં ભાજપને સંપૂર્ણ બહુમતિ સાથે સત્તા પ્રાપ્ત થઇ ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે કાશીરામ રાણા હતા. ૧૯૯૬માં મુખ્યમંત્રીના સિંહાસન સુધી પહોંચડાવમાં વેઢાં જેટલું છેટું રહી ગયું હતું. અવું મનાય છે કે ત્યારે પણ વાજપેયી અને અડવાણી લોબી કાર્યરત હતી પણ મીડિયામાં ચમકતી ન હતી. અડવાણી લોબી કામ કરી ગઈ અને કેશુભાઈ મુખ્યમંત્રી બની ગયા. 

કેશુભાઇ, શંકરસિંહ, કાશીરામ રાણા અને નરેન્દ્ર મોદીની જોડીમાંથી શંકરસિંહે બળવો કર્યા પછી તેઓ પક્ષ સાથે જ રહ્યા હતા. જોકે, ૨૦૦૧માં ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ તેઓ હાંસિયામાં ધકેલાતા ગયા હતા અને છેલ્લે ૨૦૦૯માં તેમને લોકસભા માટે પક્ષને ટિકિટ આપી ન હતી. છેલ્લે ઓગષ્ટમાં ભાજપનો નાતો તોડી તેમણે કેશુભાઇ સાથે ગુજરાત પરિવર્તન પાર્ટી(રાજપા)ની રચના કરી હતી.

લગભગ બે દાયકા સુધી કાશીરામ રાણા સુરત ભાજપના સુપ્રીમો તરીકે ઓળખાતા હતા. જનસંઘના સમયથી જ તેઓ કાર્યકરોમાં લોકપ્રિય હતા. જનસંઘ અને ભાજપના દરેક કાર્યકરને તેઓ નામથી બોલાવતા જે તેમની ખાસિયત હતી.
૧૯૯૬માં હજુરીયા ખજુરીયા કાંડ વખતે કેશુભાઇની જગ્યાએ કાશીરામ રાણાને મુખ્ય પ્રધાન બનાવવાનું નક્કી મનાતું હતું, પરંતુ છેલ્લી ઘડીએ કાશીરામ રાણાનું નામ કપાયું અને સુરેશ મહેતા મુખ્ય પ્રધાન બન્યા. ૨૦૦૪માં છઠ્ઠી વખત સુરતના સાંસદ બન્યા બાદ કેન્દ્રમાં યુપીએ સરકાર રચાઇ અને ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સ્થિતિ દિવસે દિવસે મજબુત થઇ હતી. કાશીરામ રાણા ભાજપમાં જ હોવા છતાં કેટલાય વર્ષો સુધી શહેર ભાજપ કાર્યાલય ગયા નહોતા. ભારે વ્યથા વચ્ચે તેમણે ભાજપનું સભ્યપદ રિન્યુ કરાવ્યું નહોતું. તેમની લડાઇ ભાજપ સામે નહીં પરંતુ નરેન્દ્ર મોદી સામે હતી. કેન્દ્રીય મોવડીમંડળ મોદીની દાદાગીરી સામે લાચાર હોવાથી તેમણે છેવટે ગુજરાત પરિવર્તન પાર્ટીનો રસ્તો પકડયા હતો. સુરતમાં સતત છ વખત લોકસભામાં જીતવાનો કાશીરામ રાણા અને મોરારજીભાઇ દેસાઇનો રેકોર્ડ રહ્યો હતો. ૧૯૮૯ થી ૨૦૦૯ સુધી સતત છ ટર્મ સુધી સુરત લોકસભાની ચૂંટણી જીતી તેમણે મોરારજી દેસાઇની બરોબરી કરી હતી. ૨૦૦૯માં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. સપ્ટેમ્બર 2012માં તેમનું નિધન થયું.

ભાજપના પાયાનાં શિલ્પીઓ વચ્ચેની સત્તા કાજની લડાઈ ચરમસીમા પર પહોંચેલી છે. કેશુભાઈ ઠેકાણા પડી ગયા છે. કાશીરામ રાણા ઈશ્વરને પ્યારા થઈ ગયા હવે બચેલા શંકરસિંહ વાઘેલા તો, તેમની પાછળ નેશનલ કોર્પોરેશન મીલની જમીન વેચવાનો ડબ્બો સીબીઆઈ પાસે બંધાવી દેવામાં આવ્યો છે. ડબ્બો એવાં સમયે બાંધવામાં આવ્યો છે કે જ્યારે ગુજરાતમાં મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજવાની છે. સીબીઆઈનાં દુરૂપયોગની બુમરાણ મચાવતા ભાજપનાં નેતાઓ પણ હવે સીબીઆઈનો દુરૂપયોગ કરતા થઈ ગયા લાગે છે.

વેબદુનિયા પર વાંચો