દાંડી સ્થિત ગાંધી કૂટિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે

શુક્રવાર, 2 જાન્યુઆરી 2015 (11:47 IST)
આગામી તા.૭થી ૯ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓનું આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે નિરીક્ષણ કર્યું હતું. મહાત્મા મંદિરમાં બનાવાયેલી ગાંધી કૂટિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે.

ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પૂર્વ તૈયારીઓનુ મુખ્યમંત્રીએ આજે જાત નિરીક્ષણ કર્યું હતું. અને સંબંધિત સચિવો તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરીને જરૃરી સુચનો પણ કર્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરમાં બનાવાયેલી દાંડી કૂટિરની મુલાકાત પણ લીધી હતી. આ દાંડી કૂટિરનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. આ દાંડી કૂટિર અંગે માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના જીવન-કવન કાર્યોને ત્રણ ભાગમાં આ દાંડી કૂટિરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં ગાંધીજીના બાળપણથી યુવાવય સુધીનું જીવન-કવન, બીજા ભાગમાં મહાત્મા ગાંધીજીની ઈંગ્લેન્ડ અને આફ્રિકાની મુલાકાત અને બેરિસ્ટર તરીકેના અનુભવો તથા ત્રીજા ભાગમાં ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીજીના નેતૃત્વમાં ખેલાયેલા અહિંસક સંઘર્ષ-જંગની વિગતોને તલસ્પર્શી રીતે આવરી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીજીએ વિશ્વના જે નેતાઓને પ્રેરિત કર્યા છે તેમને પણ આ કૂટિરના ધ્યાન ખંડની રચનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને આ કૂટિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મહાત્મા મંદિરમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થવાની છે તે સ્થળે જનસંખ્યાની તમામ વ્યવસ્થાઓનું મુખ્યમંત્રીએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. વિશ્વભરમાંથી એનઆરઆઈ અને એનઆરજી આવે તો તેઓને ઉત્તમોતમ સગવડતાઓ મળી રહે તે માટે શું-શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમના માટે ઉપલબ્ધ કરવામાં આવનાર અન્ય સવલતોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળાએ તેમના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન સહિતના સાથે રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો