નરેન્દ્ર મોદીની નવી કેન્દ્ર સરકારનું એક વર્ષ કેવું રહ્યુ?
બુધવાર, 27 મે 2015 (15:07 IST)
નરેન્દ્ર મોદીને વખાણનારા અને વગોવનારા સોશ્યલ મીડિયા પર, ખાસ કરીને વોટસએપ પર આજકાલ કંઈક વધુ પડતા જ સક્રિય છે. ખાસ કરીને આ બંને વર્ગ મોદી સરકારના એક વરસની સમીક્ષા કરવામાં લાગી ગયા છે. આ લોકોને શબ્દો સાથે રમવા મોદી સાહેબે જ ઘણા બધા શબ્દો આપ્યા છે, તેમાં વળી સૌથી પ્રચલિત શબ્દો છે અચ્છે દિન. કરૂણતા એ વાતની છે કે આમાં સત્ય કરતા ટોળાંશાહી અને પૂર્વગ્રહો (પોઝિટિવ અને નેગેટિવ બંને) વધુ કામ કરી રહ્યા છે. આ ટોળાંઓમાં માત્ર ઝિંદાબાદ-મુર્દાબાદના નારા લગાવનારા લોકો વધુ એકિટવ બની ગયા છે. જયારે કે આ એક વરસના સત્યને સમજવાની કોઈને ભાગ્યે જ પડી છે. આ જ કામ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. મોદી સાહેબની એક ખાસિયત બહુ જાણીતી છે, તેઓ બહુ ઊંચી આશા બંધાવે છે અને લોકો પણ મોદી સાહેબની ઊંચી આશામાં વહેલાસર બંધાઈ જાય છે. મોદી વડા પ્રધાન નહોતા ત્યારથી એવું રહ્યું છે કે તેમને ચાહનારા-માનનારા અને ધિકકારનારા જુદા-જુદા અનેક વર્ગ રહ્યા છે, કિંતુ તેમની ઉપેક્ષા કોઈ કરી શકતું નથી.
હવે આપણે માત્ર મોદીને બદલે મોદી સરકાર પર આવી જઈએ . આ સરકારે એક વરસમાં આપેલી અઢળક આશાઓ સામે જે પરિણામ પ્રાપ્ત થયું છે તે નિરાશાજનક તો નથી જ , તેમ છતાં અચ્છે દિનની વાત પકડીને અને હાલમાં બધું સાંભળી-વાંચીને મોટાભાગના લોકોને લાગે કે વાત તો સાચી છે! મોદી સરકાર આવવાથી શું મોટો ફરક પડી ગયો? કયાં અચ્છે દિન આવી ગયા ? અને પછી એક જણ બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને કહ્યા કરે, એટલે બધાને સામૂહિક રીતે એમ લાગવા પણ માંડે, અચ્છે દિનની વાતો જ થઈ, સારા દિવસો આવ્યા તો નહીં. જોકે આ એક વરસમાં મોદી સરકારે શું કર્યું અને કેવા દિવસો આપ્યા અને હજી હવે પછી કેવા દિવસો આવશે એ વિશે વાત કરવા થોડી વિતેલા અને થોડી આવનારા સમયની ઝલક જોઈએ. અત્યારે તો આપણે આ એક વરસની કામગીરીમાં ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ બંને બાબત જોઈ શકીએ. આ દેખાવાનો આધાર આપણી દ્રષ્ટિ અને વિવેકબુદ્ધિ પર છે.
તો વળી કયા બૂરા દિન આવી ગયા?
પહેલા અચ્છે દિન ન આવ્યાની ફરિયાદો કે કાગારોળ કરનારા પોતાની જાતને પૂછી લે કે શું મોદી સરકારે અચ્છે દિન માટે કોઈ તારીખ કે મુદત આપી હતી? બીજું, અચ્છે દિન નથી આવ્યા તો વળી બૂરા દિન પણ ક્યાં આવી ગયા છે? અને આ પહેલાંનાં દસ વરસના શાસનમાં વળી ક્યાં અચ્છે દિન હતા? ખૈર, પહેલાં એ નક્કી કરો કે અચ્છે દિનની વ્યાખ્યા શું છે? જસ્ટ વિચારો, અગાઉ કઈ સરકાર તરફથી એક જ વરસમાં આટલા નિર્ણયો લેવાયા છે ? આટલી ઝડપથી, આટલી પારદર્શકતા સાથે સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે કામ થયાં છે? અનેકવિધ અવરોધો વચ્ચે મોદીએ જગત સમક્ષ ભારતની નવી પ્રતિભા -નવો વિશ્ર્વાસ ઊભો કર્યો છે. અહીં આપણે મોદી સરકારે એક વરસમાં લીધેલા નિર્ણયો -પગલાંની ઝલક જોઈશું તો પણ આ અહેસાસ થઈ જશે. ભલે મોદી આંકડાઓના જાદુગર પણ કહેવાય, તેથી જેટલું તેઓ કહે છે તેના કરતા ડિલિવર ઓછું થાય છે, એમ માની લેવાય તો પણ આટલા સમયમાં જે થયું તે સાવ જ ઓછું છે એમ કહી શકાય નહીં. બાય ધ વે, થોડી ઝલક જોઈને તમે જ નક્કી કરો કે શું આ વિતેલા ૩૬૫ દિવસોને અચ્છે દિન ન કહેવાય?
મેક ઈન ઈન્ડિયાથી મેડ ઈન ઈન્ડિયા સુધી
ભારત અત્યાર સુધી વેપારનું બંદર કે સ્થળ કહેવાતું રહ્યું છે, મોદીએ મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપી સ્થાનિક ઉદ્યોગોને તેમ જ જગતને અહીં ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવવાનું આહ્વાન આપ્યું છે, જેના ફળ સ્વરૂપે ભારતમાં બે સીધા લાભ થશે, એક ભારતમાં રોજગારી સર્જન મોટેપાયે થઈ શકે અને બીજું, ભારત પોતે જ જે ચીજ બનાવતું હોય તેની આયાત બંધ અથવા ઓછી થઈ શકે. વર્તમાનનું આ મેક ઈન ઈન્ડિયા ભવિષ્યનું બીજા દેશો માટે મેઈડ ઈન ઈન્ડિયા બની શકે છે. અલબત્ત, આ દિશામાં થઈ રહેલી પ્રગતિ ધીમી છે, કિંતુ લેટેસ્ટમાં ચીન, દક્ષિણ કોરિયાની મુલાકાત સહિત મોદીએ જે-જે દેશોની મુલાકાત લીધી છે ત્યાં ભારતની એક નવી ઈમેજ ઊભી કરી છે, તેમના તરફથી ઈન્વેસ્ટમેન્ટ માટેના સંખ્યાબંધ કમિટમેન્ટ આવી રહ્યા છે. વિવિધ દેશોની કંપનીઓ ભારતમાં પોતાના ઉત્પાદન પ્લાન્ટ નાખવા આવી રહી છે અને ભારતની કંપનીઓ પણ પોતાના ઉત્પાદન પ્લાન વિસ્તારી રહી છે. આ બધાના અમલ આ વરસે જોવા મળશે. આ બધા દેશના બિઝનેસમેન કે વહીવટકારો માત્ર મોદીના પ્રભાવમાં આવી નિર્ણય લે એવા તો નથી જ. અથવા મોદીને રાજી કરવામાં તેમનું કોઈ સ્થાપિત હિત હોય એવું પણ નથી.
બ્લેક મની: કપરું છતાં કંઈક તો થયું
નરેન્દ્ર મોદીએ વિદેશોમાંથી-સ્વિસ બેંકોમાંથી કાળાં નાણાં દેશમાં લાવવાની કરેલી વાતોનો અમલ થયો નહીં એવું મહેણું હજી પણ લોકો મારી રહ્યા છે, કિંતુ આવી વાતો અગાઉની સરકારો પણ કરતી રહી હતી, જયારે કે મોદી સરકારે કાળાં નાણાં સંબંધી ખાસ કાનૂન પસાર કરી તેના અમલનું કાર્ય પણ શરૂ કરી દીધું છે. તેમ જ વિદેશોમાં એસેટસ તથા આવક ધરાવતા લોકો જો તેને અહીં જાહેર ન કરે તો આકરી શિક્ષાની જોગવાઈ લાગુ કરી દીધી એ કંઈ ઓછું નથી! અત્યાર સુધી આવું પણ અન્ય કોઈ સરકારે કર્યું નહોતું. અલબત્ત, બ્લેક મનીના સર્જનને જ રોકવા કે નિયંત્રિત કરવા પર હજી તો ઘણું કામ ચાલુ છે, જે સમયાંતરે સામે આવતું રહેશે. કાળા નાણાં અંગેની એજન્સી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ (સિટ) નો અહેવાલ સુપ્રીમમાં સુપરત થઈ ગયો છે. કમસે કમ સરકારે આ બ્લેક મનીના જનરેશનને આકરું તો બનાવ્યું જ છે અને હજી આકરાં પગલાં આવશે એ પણ નક્કી છે .
સર્વ ફ્રોમ ઈન્ડિયા
મોદીએ ભારતને ઉત્પાદન હબ બનાવવા ઉપરાંત સર્વ ઈન્ડિયાના વિઝન હેઠળ સર્વિસ સેકટરને પણ મજબૂત અને વિશ્ર્વ વ્યાપી બનાવવાની વિચારધારા મૂકી છે, જેના દ્વારા તેઓ ભારતને સર્વ ફ્રોમ ઈન્ડિયા તરીકે પણ ઉભારવા ચાહે છે, અર્થાત ભારત વિશ્ર્વને શ્રેષ્ઠ સર્વિસીસ આપતો દેશ પણ બની શકે છે. એપ્રિલમાં જાહેર કરાયેલી પાંચ વરસ માટેની નવી વેપારનીતિમાં પણ આના પર ભાર મુકાયો છે. સરકારે વરસ ૨૦૨૦ સુધીમાં દેશની નિકાસ ૯૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનું ધ્યેય રાખ્યું છે. આ બધા માટેનાં કાર્યો આ વરસે જોર પકડશે.
આર્થિક ક્રાંતિનું ઍન્જિન બનશે ભારત
ભારત વિશ્ર્વમાં આર્થિક ક્રાંતિનું એન્જિન બનવા જઈ રહ્યું છે અને આ માટે ભારત તેના વિકાસની સામે અવરોધ બનતા બિનજરૂરી એવા તમામ રેગ્યુલેશન દૂર કરશે. ટેક્સ માળખાને વ્યવસ્થિત કરાશે અને વિદેશી રોકાણકારો માટે ઉદાર વાતાવરણ રચાશે, એવું તાજેતરમાં ચીનની મુલાકાત દરમ્યાન કહેનાર નરેન્દ્ર મોદીએ આમ કહ્યું ત્યારે એ વાઈબ્રન્ટ ગુજરાતની સભા નહોતી. આવા જ મતલબની વાત તેમણે યુએસએ સહિત અન્ય તમામ વિકસિત અને વિકસતા દેશોમાં પણ એટલા જ વિશ્ર્વાસથી કહી છે. આ તમામ દેશોએ મોદી સરકારમાં નવી આશા વ્યકત કરીને કમિટમેન્ટ આપ્યાં છે. ભારત બિઝનેસને વધુ સરળ બનાવવા અનેકવિધિ વિષયક બાબતો ઘટાડી રહ્યું છે અને ઓનલાઈન તેમ જ પારદર્શક માહોલ રચી રહ્યું છે. ભારત ડિજિટલ ટેકનોલોજી અપનાવવા મારફત બિઝનેસને વધુ સરળ વાતાવરણ પૂરું પાડશે.
ભારતમાં હાલ ૮૦ કરોડથી વધુ લોકો ૩૫ની ઉંમરથી નીચેના છે. આ યુવા વર્ગ ભારતના ગ્રોથ માટે મુખ્ય પરિબળ બનશે એ હકીકતને કેન્દ્રમાં રાખી ભારત નેકસ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ઈન્વેસ્ટમેન્ટના સ્તરને ઉપર લઈ જઈ રહ્યું છે, જેમાં રેલવેઝ, પોર્ટસ, રોડ્સ, એરપોર્ટસ, ડિજિટલ નેટવર્ક વગેરેનો સમાવેશ થાય છે. સરકાર વીમા, ક્ધસ્ટ્રકશન, ડિફેન્સ, રેલવેઝ વગેરે સેક્ટરમાં સીધા વિદેશી રોકાણને ઉત્તેજન આપી રહી છે. આ બધાના અમલ અને તેની અસરો આ એકાદ વરસમાં નજરે પડશે ત્યારે અચ્છે દિનની વાસ્તવિકતા સામે આવશે.
ઘેર-ઘેર બૅંક એકાઉન્ટ અને વીમા
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દરેક પરિવારદીઠ મિનિમમ એક બેંક એકાઉન્ટનું લક્ષ્ય બનાવી કામ શરૂ કરનાર મોદી સરકારે અત્યારસુધીમાં ૧૪ કરોડથી વધુ બેંક એકાઉન્ટસ ખોલવામાં સફળતા મેળવી છે, હવે આ કામ આગળ ચાલતું રહેશે એ નક્કી છે. આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે લોન્ચ કરેલી ત્રણ સામાજિક સુરક્ષાની યોજનાને પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. જન ધન યોજનામાં જે પાયો ઊભો થયો છે તેનો લાભ આ યોજનાને પણ મળી રહ્યો છે. સામાન્ય-ગરીબ અને બિન સંગઠિત ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખી સરકારે તૈયાર કરેલી ત્રણ સોશ્યલ સિકયોરિટી સ્કીમ્સમાં અત્યાર સુધીમાં ૬.૫ કરોડ લોકોએ ભાગ લીધો છે. આ ત્રણ યોજનામાં એક અકસ્માત વીમા યોજના , એક પેન્શન અને એક જીવન વીમા યોજના છે. સરકારે આ સામાજિક સુરક્ષા યોજના હેઠળ વરસે ૩૩૦ રૂપિયામાં જીવન વીમા કવર અને ૧૨ રૂપિયામાં અકસ્માત વીમા સ્કીમ ઓફર કરી છે. આ ઉપરાંત અટલ પેન્શન યોજના પણ ઓફર કરાઈ છે. આ યોજના મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના લોકો, ગરીબો - પછાત વર્ગને ધ્યાનમાં રાખી તૈયાર કરાઈ છે.
વિવિધ કાનૂની -નીતિવિષયક સુધારા
જમીન સંપાદન ધારો હાલ ભલે વિવાદથી ઘેરાયેલો રહ્યો, કિંતુ વિકાસ માટે આ સૌથી મોટું અને મહત્ત્વનું પરિબળ બનશે. લેન્ડ એક્વિઝિશન બિલને અધ્ધર રહેવા નહીં દેવાય , તેને ગ્રોથ માટે આગળ લઈ જવાશે, કિંતુ આ સાથે તે ખેડૂતો પર બોજ ન બને તેની પણ કાળજી લેવાશે એવી મોદીએ આપેલી ખાતરી પોકળ નહીં હોય એવું માની શકાય . કામદાર ધારાના સુધારા પણ આ જ માર્ગે નક્કર કાર્ય કરશે. એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડના આંશિક નાણાંને બજારમાં કે ઈક્વિટીમાં લાવવાની નાની સરખી પણ સફળતા બજાર માટે મોટી છલાંગ સાબિત થશે. ન્યુ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માં પણ લક્ષ્ય એ જ છે કે લોકો ઈક્વિટી માર્કેટના માર્ગે ગ્રોથ તરફ આગળ વધે. કોલ ઓકશનના મસમોટા સ્કેમ બાદ નવેસરથી કોલ ઓકશન પાર પાડી જંગી ભંડોળ ઊભું કરવાની મોદી સરકારની સફળતા પણ નાની ન ગણાય. રેલવેને આધુનિક બનાવવાનું લક્ષ્ય પણ ઊંચી અને લાંબી દ્રષ્ટિની સાક્ષી પૂરે છે. જીએસટી (ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ)નો મુદો વરસોથી એમ જ પડયો રહ્યો હતો. આ મામલે તમામ રાજયોને સમજાવીને એક તાંતણે બાંધી -સમજાવી જીએસટી જેવા ક્રાંતિકારી સુધારાનો માર્ગ મોકળો કરવાની સિદ્ધિ જબ્બર ગણાય.