રબ ને બના દી જોડી : કસોટી પર ખરી

IFM

નિર્માતા : યશ ચોપડા, આદિત્ય ચોપડા
નિર્દશન, કથા, પટકથા, સંવાદ : આદિત્ય ચોપડા
ગીતકાર : જયદીપ સાહની
સંગીતકાર : સલીમ મર્ચંટ-સુલેમાન મર્ચંટ
કલાકાર : શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા(નવો ચહેરો) વિનય પાઠક વિશેષ ભૂમિકામાં - કાજોલ, રાની મુખર્જી, પ્રીતિ જિંટા, લારા દત્તા અને બિપાશા બાસુ

પ્રેમ વાર્તાઓ પર રોમાંટિક ફિલ્મ બનાવવામાં યશરાજ ફિલ્મ્સને નિપુણતા મળેલ છે. યશ ચોપડાએ ઢગલો રોમાંટિક ફિલ્મો બનાવી અને હવે આદિત્ય ચોપડાએ પણ યશરાજ ફિલ્મ્સને ડૂબતી જોઈને પોતાના સદાબહાર ફોર્મૂલા તરફ આગળ વધવું પસંદ કર્યુ.

કહેવાય છે કે જોડીયો સ્વર્ગમાં જ બની જાય છે અને આપણને જેને સાથે દિલથી પ્રેમ થાય છે તેમાં જ આપણને ઈશ્વરનો અંશ દેખાય છે. આ પ્રેમ બદલામાં કોઈ પણ પ્રકારની માંગ કે શરત નથી મૂકતો પરંતુ હંમેશા તેની જ ખુશી ઈચ્છે છે. આ વર્ષો જૂની વાતોને આધાર બનાવી તેને નવા અંદાજમાં આદિત્ય ચોપડાએ રજૂ કરી છે.

યશરાજ બેનરની જૂની રોમાંટિક ફિલ્મોની તુલનામાં આ વખતે કેટલાક બદલાવ જોવા મળ્યા છે. આ વખતે સ્વિટ્ઝરલેન્ડ નથી, પરંતુ આપણા દેશનુ જ એક શહેર છે. અ વખતે ફિલ્મના પાત્રો મોંધા કપડા નથી પહેરતા પરંતુ સામાન્ય લોકો જેવુ જીવન જીવે છે. આ વખતે સુંદરતા ચહેરા પર નથી પરંતુ દિલમાં છે.

વાર્તા છે સુરિન્દર સહાની(શાહરૂખ ખાન)ની જે પંજાબ પાવરમાં કામ કરે છે. તે દિલનો સારો છે પણ જમાનાની ભાષામાં કહીએ તો 'સ્માર્ટ' નથી. આંખો પર ચશ્મા લગાવનારો સુરિન્દર જાણતો જ નથી કે સ્ટાઈલ શુ હોય છે. પોતાના પ્રોફેસરની છોકરી તાની(અનુષ્કા શર્મા)ના લગ્નમાં જાય છે, પરંતુ જાનૈયાઓ સાથે દુર્ધટના થઈ જાય છે. બધા માર્યા જાય છે, જેમા તાનીનો વર પણ હોય છે,જેને તે પ્રેમ કરતી હતી.

પોતાના પિતાના કહેવાથી તાની સુરિન્દર સાથે લગ્ન કરી લે છે. સુરિન્દર જેટલો બોરિંગ છે, તાની એટલી જ જિંદાદિલ. સુરિન્દરનો ઉપકાર તાની જરૂર માને છે, પરંતુ તેને પ્રેમ નથી કરતી. તાની ડાંસ શીખવા જાય છે અને તાનીનુ દિલ જ જીતવા માટે સુરિન્દર પણ નવા લુક અને નવા નામ 'રાજ'ની સાથે ત્યાં પહોંચી જાય છે. રાજનુ રૂપ એ એ માટે ધારણ કરે છે કે તે તાનીને ખુશ જોવા માંગે છે બંને ડાંસ પાર્ટનર બની જાય છે.

રાજના રૂપમાં સુરિન્દર પોતાના દેખાવની સાથે સાથે પોતાનુ વ્યક્તિત્વ પણ બદલી નાખે છે. ઘણી રોમાંટિક વાતો કરે છે. અને તાની પણ ધીરે ધીરે તેને પ્રેમ કરવા માંડે છે. રાજની અસલિયત જાણ્યા વગર તાની તેની સાથે ભાગવા તૈયાર થઈ જાય છે. સુરિન્દર ઈચ્છે છે કે તાની તેને એ જ રૂપમાં પસંદ કરે જેવો એ છે ન કે રાજના રૂપમાં તેને ચાહે. ઘટનાક્રમ થોડો એવો ઘટે છે કે તાની સુરિન્દરને પસંદ કરવા માંડે છે.

સામાન્ય રીતે વાર્તાઓ પ્રેમથી શરૂ થઈને લગ્ન પર પૂરી થાય છે, પરંતુ આદિત્યએ એવી વાર્તા પસંદ કરી જેમા લગ્ન પછી પ્રેમ શરૂ થાય છે. આ વાર્તાનો સૌથી મજબૂત પક્ષ છે સુરિન્દરની જીદ કે તાની તેને એ જ રૂપમાં પસંદ કરે જેવો તે છે. કમજોર પક્ષ જોવા જઈએ તો તાનીનુ રાજ તરફ આકર્ષિત થવુ કેટલાક લોકોને ન ગમે. તાનીનુ હૃદય પરિવર્તન માટે કેટલાક મજબૂત કારણ હોવા જોઈએ હતા, જે ફિલ્મમાં નહી જેવા છે.

આદિત્ય ચોપડાએ પોતાની વાર્તાને કુશળ નિર્દેશકના રૂપમાં પડદાં પર રજૂ કરી છે. રજૂઆત માટે તેમને જૂની સ્ટાઈલ અપનાવી છે. કદાચ એ માટે જ તેમને 2 કલાક 40 મિનિટનો સમય લાગ્યો. ઘણા નાના-મોટા દ્રશ્યો તેમણે ઉત્તમ રીતે બતાવ્યા છે. જેમ કે લગ્ન પછી સુરિન્દર મિત્રોને પાર્ટી આપે છે અને તેમા તાનીનુ આવવું. તાનીને ઈમ્પ્રેસ કરવા સુરિન્દરનુ સૂમો પહેલવાન સાથે લડવુ. તાનીનુ રાજને મોટરબાઈક પર પાછળ બેસાડીને પોતાના હરીફોને સબક શીખવાડવો. રાજ અને તાની વચ્ચે પાણી પુરી ખાવાનું દ્રશ્ય. આ સિવાય સુરિન્દર અને તાનીની વચ્ચે ઘણા દ્રશ્યો સુંદરતાથી રજૂ કર્યા છે.

IFM
ફિલ્મ ફક્ત ત્રણ કલાકારો શાહરૂખ, અનુષ્કા અને વિનય પાઠકની આસપાસ ફરે છે, પરંતુ છતા બોરિંગ નથી લાગતી. હાસ્યનું સમતુલન તેમણે બરાબર જાળવ્યુ છે. જેના કારણે ફિલ્મ મનોરંજક લાગ છે. તાનીનો સુરિન્દર અને તાજ વચ્ચેનો ભેદ ન સમજી શકવો એ જરૂર આશ્વર્ય લાગે છે, પરંતુ તેને સ્વીકારી લીધા વગર તમે ફિલ્મની મજા નહી લઈ શકો. ફિલ્મનો ક્લાયમેક્સ શાનદાર રીતે બતાવાયો છે, જેમા સ્ટેજ પર ડાંસ કરતી વખતે તાનીને જાણ થાય છે કે સુરિન્દર અને રાજ એક જ વ્યક્તિ છે.

શાહરૂખ ખાને બેવડી ભૂમિકાઓ ભજવી છે. એક રાજની અને બીજી સુરિન્દરની. સુરિન્દરના સીધેપન અને દિલની પવિત્રતાને તેમણે શ્રેષ્ઠ રીતે બતાવી છે. બીજી બાજુ રાજના રૂપમાં દર્શકોને હસાવ્યા. વયના નિશાન તેમના ચહેરા પર દેખાવવા માંડ્યા છે, પરંતુ અભિનયની ચપળતા બાકી છે.

અનુષ્કા શર્માએ પૂરા આત્મવિશ્વાસની સાથે અભિનય કર્યો છે. પહેલી જ ફિલ્મમાં શાહરૂખ જેવા કલાકારની સામે ઉભા રહેવામાં પોતાની પોલ ખુલી શકે છે. પરંતુ અનુષ્કાએ શાહરૂખનો બરાબર સામનો કર્યો છે. પંજાબી છોકરીઓના બધા હાવ-ભાવ તેમણે પોતાના અભિનયમાં સમાહિત કર્યા. શાહરૂખના મિત્રના રૂપમાં વિનય પાઠક જામ્યા તેઓ જ્યારે જ્યારે પડદા પર આવ્યા, દર્શકોએ રાહત અનુભવી.

સલીમ-સુલેમાનનુ સંગીત ફિલ્મ જોતી વખતે વધુ સારું લાગે છે. 'હોલે-હોલે' પહેલા જ લોકપ્રિય થઈ ચૂક્યુ છે. 'ડાંસ પે ચાંસ' જેટલુ સારુ લખ્યું છે એટલું જ સારુ ફિલ્માવ્યું છે. 'હમ હૈ રાહી પ્યાર કે'નું ફિલ્માંકન ભવ્ય છે. જેમા જૂના કલાકારોને યાદ કર્યા છે અને કાજોલ, બિપાશા, લારા, પ્રિતિ અને રાની મુખર્જી જેવી નાયિકાઓ થોડીક વાર માટે જોવા મળે છે. બેક ગ્રાઉંડ મ્યુઝિકમાં હાર્મોનિયમનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. તકનીકી રૂપથી ફિલ્મ સશક્ત છે. ફિલ્મની લંબાઈ કેટલાક લોકોને જરૂર ખૂંચી શકે છે.

બધુ મળીને 'રબ ને બના દી જોડી' મનોરંજનનો શ્રેષ્ઠ પેકેજ છે. જેમા પ્રેમ, હાસ્ય, દર્દ, સંગીત, નૃત્ય અને ખુશીનો યોગ્ય માત્રામાં સંતુલન છે. બધા વયના અને વર્ગના દર્શકોને આ પસંદ આવી શકે છે.