નાનકડો એવો ચોર શિવા અને ઉચ્ચ પોલિસ અધિકારી વિક્રમ રાઠોર બન્ને એક જેવા જ દેખાય છે. વિક્રમને તેના દુશ્મનો મારી નાંખે છે પણ તેની નાનકડી દીકરીને લાગે છે કે શિવા જ તેનો પિતા છે, શું શિવા ખરેખર રાઉડી બની શકશે?
ફિલ્મમાં એક સમયે એક યુવતી શિવાને પૂછે છે, "ના તુમમે રિતીક સે લૂક હૈ, ના શાહરૂખ કા ચાર્મ, ના આમિર કી ક્યૂટનેસ, ના સલમાન કી બોડી- વોટ્સ સો કૂલ અબાઉટ યુ?" ત્યારે અક્ષય તેને જવાબ આપે છે, 'લગતા હૈ ખિલાડી કો ભૂલ ગઈ આપ.' દર્શકોને ખિલાડીની યાદ અપાવવા માટે જ આ ફિલ્મ બની છે...અને શું યાદ અપાવી છે!!! જો અક્ષય કુમાર થિયેટરમાં હાજર હોત તાળીઓ અને સિટીઓથી કદાચ તેના કાનના પડદાં પણ ફાટી જાત.
ફિલ્મમાં 3 મુખ્ય અને સારી વાતો હતી- અક્ષય કુમાર, અક્ષય કુમાર અને અક્ષય કુમાર. અક્ષય કુમારના એક્શન સ્ટંટ્સ, તેના ડાયલોગ્સ અને તેની ટિપીકલ સ્ટાઈલ ફિલ્મને જોવાલાયક બનાવે છે.
P.R
પહેલા ભાગ કરતા પણ બીજા ભાગની શરૂઆત ઘણી રસપ્રદ છે. ફિલ્મની વાર્તા અનુસાર, પોલિસ અધિકારી વિક્રમ રાઠોર (અક્ષય કુમાર) શ્રમજીવી એક્સપ્રેસ પર સ્થાનિક ગુંડાઓને શેરડીના સાંઠા વડે મારતો મારતો એન્ટ્રિ કરે છે. આ નીડર રાઠોર બિહારના ડોન બાપજીના દીકરા મુન્ના પણ મારે છે, આ કારણે રોષે ભરાયેલો બાપજી વિક્રમ રાઠોરને મારી નાંખવા માટે ઉતાવળો બને છે. તે વિક્રમને મારવાનો પ્રયાસ કરે છે પણ વિક્રમ બચી જાય છે.
માથામાં થયેલી ઈજા અને પોતાની નાનકડી દીકરી ચિન્કી સાથે વિક્રમ મુંબઈ પહોંચે છે. મુંબઈ આવ્યા બાદ વિક્રમનું મોત થઈ જાય છે અને ચિન્કી તેના પિતા જેવા જ દેખાતા શિવાને પોતાના પિતા ગણવા લાગે છે અને શિવા પણ ચિન્કીને અપનાવી લે છે. તે ચિન્કીને લઈને વિક્રમના કાતિલને મારવા માટે બિહારના દેવગઢમાં પહોંચે છે અને બાપજીનો સામનો કરે છે.
P.R
આ બન્નેની લડાઈમાં જોવા મળે છે અક્ષયની રાઉડીનેસનો પરચો. એક ગુંડાને મોઢામાં મુક્કો પડે છે, તો બીજાનું માથું પત્થર સાથે અથડાય છે, ધારદાર તલવારનો એક ઘા અને બે કટકા...આવા તો અનેક રાઉડી સ્ટંટ તમને જોવા મળશે. અલબત્ત, આ બધાની વચ્ચે શિવા અને પારો (સોનાક્ષી)નો રોમાન્સ થોડી રાહત આપે છે. સોનાક્ષીના ઠુમકા થોડા સારા છે પણ ગીતનું સંગીત જરા પણ રોચક નથી. પ્રભુદેવાની ફિલ્મમાં બીજુ કંઈ ખાસ હોય કે ન હોય, અમુક ખાસ ડાન્સ મૂવ્સ તો ફરજિયાત છે જે આ ફિલ્મમાં પણ જોવા મળ્યા છે. પટના ગર્લના અવતારમાં સોનાક્ષી રૂપાળી લાગે છે અને પિતા શોટ ગનનો અંદાજ પણ તેણે ઘણી સારી રીતે અપનાવ્યો છે. સોનાક્ષીના ભાગે ખાસ કંઈ કરવાનું નથી આવ્યું તેમ છતાં તેના અને અક્ષય સિવાયના અન્ય પાત્રો ખાસ દમદાર નથી. હા, જૂનિયર પોલિસ અધિકારીના રોલમાં યશપાલ શર્મા થોડો ઠીક છે. એટલે સુધી કે મુખ્ય વિલન નાસિર પણ કાચો પડે છે. 'વોન્ટેડ' અને 'સિંઘમ'માં જે રીતે પ્રકાશ રાજ છવાઈ જાય છે, તે વાત નાસિર પેદા નથી કરી શકતો.
ખરેખર, 'રાઉડી રાઠોર' આઈકોનિક ફિલ્મી કેરેક્ટર્સ- જાણીતા હિરો, સોનાના દિલ વાળા ચોર, ગુંડાઓને મારતા નીડર લોકો વગેરેની યાદ અપાવે છે પણ સૌથી વધારે તો તેમાં ખિલાડી અક્ષયને ફરીથી જીવંત કરાયો છે. અક્ષયે શિવાના પાત્રને ઘણું સ્ટાઈલથી રજૂ કર્યું છે પણ વિક્રમના પાત્રને ખાસ રસપ્રદ નથી બનાવી શક્યો. બની શકે છે કે કદાચ, વધારે પડતા એક્શનને કારણે તેની એક્ટિંગ દબાઈ ગઈ હતી.
ઈન શોર્ટ, ચાહકોને મૂંછને મરોડ આપતો અક્ષય ગમશે પણ સાથે સાથે ધાંસૂ એક્શન માટે પણ તૈયાર રહેજો. તે સિવાય તો બીજું કંઈ ખાસ નથી જે તમે ચૂકી ન શકો.