ફિલ્મ સમીક્ષા : બરફી

P.R
સ્ટાર કાસ્ટ: રણબિર કપૂર, પ્રિયંકા ચોપરા, ઈલિએના ડિ'ક્રૂઝ
ડાયરેક્શન: અનુરાગ બાસ
રેટિંગ: 4 સ્ટાર્સ

એક મૂંગા-બહેરા યુવક અને ઓટિસ્ટિક યુવતી વચ્ચેનો લગભગ નિ:શબ્દ સંબંધ જે બિનશરતી પ્રેમને રજૂ કરે છે.

મરફી બેબી મરફી રેડિયો પર ગીત સાંભળતા સાંભળતા પેદા થયો હતો પણ તેના નિયમો નોખા હતાં. જો કંઈક ખોટુ થવાનું છે તો ખોટું થશે જ પણ જો તમે તેનો સામનો હસતા મોંઢે કરશો તો કદાચ પરિસ્થિતિ અલગ હશે. તો ઘોંઘાટને મ્યૂટ કરીને અને આસપાસના મેલોડ્રામાને બંધ કરીને બરફીની દુનિયામાં પ્રવેશો, જે બહુ જ સરળ, સ્વિટ અને શાંત છે. તેમ છતાં, તેમાં અત્યંત પ્રેમની લાગણીઓ, ખુશીઓ અને દુ:ખ અલગ અલગ ફ્રિકવન્સી પર સેટ કરાયેલા છે.

70ના દાયકાના મંત્રમુગ્ધ કરી દેનારા દાર્જિલિંગમાં બરફી અચાનક જ શ્રુતી (ઈલિએના) સામે ટકરાઈ જાય છે અને પહેલી જ નજરમાં તેના પ્રેમમાં પડી જાય છે. નિર્દોષ આંખો અને અમુક સમયે ચાર્લિ ચેપ્લિન-રાજ કપૂર જેવો લાગતો બરફી પોતાના ઈશારાઓથી શ્રુતીનું દિલ જીતી લે છે. જો કે, શ્રુતી તેને છોડીને બંગાળી બાબુને પરણી જાય છે, જે બોલી-સાંભળી તો શકે છે પણ તેનામાં દિલ-પ્રેમ-લાગણીઓ જેવી કોઈ વસ્તુ નથી.

પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. આપણો બરફી કંઈ બિચારો થઈને બેસી રહે તેવો થોડો છે. પોતાની સિગ્નેચર સ્માઈલ પહેરીને તે આગળ વધી જાય છે. થોડા સમય બાદ તે પોતાની નાનપણની મિત્ર જિલમિલ(પ્રિયંકા)ને મળે છે, જે ઓટિસ્ટિક છે અને તેના ધનવાન પરિવારે તેને 'સ્પેશિયલ' હોમમાં રહેવા માટે મૂકી (તરછોડી) દીધી છે.

હાથ-રિક્શા રાઈડ્સ માણતા માણતા, આગિયાને નિહાળતા નિહાળતા અને પાણીપૂરી ઝાપટતા ઝાપટતા- બરફી અને જિલમિલ વચ્ચે એક પ્રેમાળ અને ખાસ સંબંધ બંધાઈ જાય છે. ત્યારે જ જીવનમાં એક ત્રાંસો વળાંક આવે છે અને બરફી, જિલમિલ અને શ્રુતીના જીવનમાં રહસ્યમય ફેરફાર આવી જાય છે.

પોતાની કારકીર્દિના સૌથી વધુ પડકારજનક રોલમાં રણબિર કપૂર દર્શકોને મંત્રમુગ્ધ કરીને રાખી દે છે. કોઈ ધમાકેદાર ડાયલોગબાજી વગર, શર્ટ કાઢ્યા વગર, ગુંડાઓને એક હાથે ઊંધા માથે પછાડ્યા વગર જ દરેક ફ્રેમમાં તે તમને પ્રભાવિત કરશે. બરફી ખરેખર મીઠડો છે.

પ્રિયંકા માટે એક જ શબ્દ કહી શકાય- બ્રાવો! જે રોલમાં તેણે પોતાની લાગણીઓને વ્યક્ત નથી કરવાની તેમાં તેણે અદ્દભુત કામ કર્યું છે. સ્ટાઈલિશ શિફોન ડ્રેસિસને બદલે તે વિચિત્ર ફ્રોક પહેરે છે, બકલ-શૂઝ અને બહાર નીકળેલા દાંત લગાડીને પણ તે તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે...જો તેનું પરફોર્મન્સ જોઈને તમારું મોં ખુલ્લુ ન રહી ગયું હોય તો.

ઈલિએનાની આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે. તે એક સુંદર બંગાળી બહુ જેવી લાગે છે જેનાથી તેની પ્રતિભા અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ આવે છે.

વિકલાંગતા સાથે વણાયેલી આ વાર્તાને અનુરાગ બાસુએ ઘણી ક્ષમતા અને આવડત સાથે હેન્ડલ કરી છે. તે સફળતાપૂર્વક તમને પોતાની શાંત દુનિયામાં લઈ જાય છે. બે સુપરસ્ટાર્સને સાદગીપૂર્ણ અભિનય કરાવ્યો છે અને એક અપાર અને બિનશરતી પ્રેમની જાદુઈ દુનિયામાં ફેરવે છે. વાર્તા અમુક સમયે વધુ પડતી નોન-લિનિયર થઈ જાય છે અને બીજા ભાગમાં ફિલ્મની ગતિ પણ થોડી સ્લો લાગે છે. તેના સિવાય, આ ફિલ્મ ખરેખર બોલિવૂડને એક રસ્તો દેખાડનારી છે.

પ્રિતમના સંગીતે ફિલ્મની મોટાભાગની ખામીઓનું વળતર વાળી દીધુ છે. 'બરફી!'ના મૌનને યોગ્ય સપોર્ટ પૂરો પાડે છે અને ગીતના શબ્દો દરેક પાત્રની લાગણીઓને યોગ્ય રીતે રજૂ કરે છે. મનુષ્યની સૌથી મોટી પરેશાની હોય છે કે આપણે ખુશીઓ નથી શોધી શકતા. માટે ટેન્શન છોડો અને બરફી! માણો. ખરેખર, સ્વિટ છે.

વેબદુનિયા પર વાંચો