સમાજના નીચલા અને સામાન્ય વર્ગમાંથી આવતો જેક ડૌસન (લિઓનાર્ડો) અને અમીર ખાનદાનની રોઝ ડેવિટ્ટ બુકેટર (કેટ વિન્સલેટ) વચ્ચેની આ લવસ્ટોરી શરૂ થાય છે લક્ઝરી જહાજ ટાઈટેનિક પર...પણ દુર્ભાગ્યે આ જહાજ ડૂબી જાય છે. તેમ છતાં, આ બન્નેની પ્રેમકહાણી પૂરી નથી થતી.
આખા ટાઈટેનિકને ફરીથી ડૂબાડવા માટે જેમ્સ કેમેરોને 300 લોકોની મદદ, 60 અઠવાડિયાનો સમય 2,79,000 ફ્રેમ્સ અને 18 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે (જે પહેલી વાર 200 મિલિયન ડોલરનો હતો). લગભગ સવા ત્રણ કલાકની આ ફિલ્મને તે સમયે 11 ઓસ્કાર મળ્યા હતાં. જેમ્સ કેમેરોને જે રીતે સ્ટિમી રોમાન્સ અને વિનાશકારી હોનારતને જે રીતે લવસ્ટોરીમાં વર્ણવી છે, તેના કારણે 'ટાઈટેનિક' વધારે જોવાલાયક બને છે. જ્યારે જહાજ ડૂબે છે અને જે રીતે જહાજ પરના દરેક વ્યક્તિના હાવભાવ દર્શાવાયા છે તે દ્રશ્ય ફિલ્મનું સૌથી અદ્દભુત દ્રશ્ય છે. તે ત્યારની વાત છે. પણ હવેનો પ્રશ્ન એ છે કે 1997ની આ આખી ફિલ્મ 2012 ફિલ્મ કરતા કેવી રીતે અલગ પડે છે?
શરૂઆતથી શરૂઆત કરીએ તો જહાજની સુંદરતા અને સ્ત્રીઓના ડ્રેસિસ વધુ સુંદર લાગે છે, સમુદ્ર વધારે બ્લૂ અને ખતરનાક લાગે છે, જહાજ વધારે મોટું અને વિશાળ લાગે છે. અને હા, કેટ વિન્સલેટની મોટી હેટ અને બો સાથેની સૌથી પહેલી એન્ટ્રિને ચૂકતા નહીં. અદ્દભુત. તે પછી જેક અને રોઝના રોમાન્ટિક સીન્સ. ટાઈટેનિકના પ્રખ્યાત શોટને 3ડીમાં જોઈને ઘડીભરી શ્વાસ અટકી જશે. પણ દુર્ભાગ્યે તે પછી, જેમ્સ કેમેરોનની વિઝ્યુઅલ ટ્રિટ તો છેલ્લી 30 મિનીટમાં જ જોવા મળશે. આ કારણે જ કદાચ તમને ટાઈટેનિકના ડૂબવાની ઉતાવળ રહેશે. અને જ્યારે તે 3ડી સ્ટાઈલમાં ડૂબશે ત્યારે લાગશે કે ખરેખર 3ડીમાં કંઈક નવું આવ્યું. મોટી હિમશીલા સાથે જહાજ અથડાવાથી લઈને જહાજના બે ટૂકડા થવા સુધીની એક એક ક્ષણ તમને જણાવશે કે 1997 અને 2012ની 'ટાઈટેનિક'માં શું ફર્ક છે. બે ક્ષણોને ચોક્કસ ધ્યાનમાં નોંધજો: 1) જ્યારે જહાજ સમુદ્રમાં ડૂબતા પહેલા ઊંચુ જાય છે. 2) સમુદ્રની વચ્ચો વચ્ચ પાણીમાં તરતા સેંકડો લોકોના મૃતદેહો.
તો તમારા આજે જ તમારી ટીકિટ બુક કરાવો અને ટાઈટેનિક ડૂબ્યાના ચોક્કસ 100 વર્ષ પછી તેને સ્ક્રિન પર 3ડીમાં જોવાનો અનુભવ ચૂકવા જેવો નથી.
ફિલ્મોમાં આધુનિક ટેકનોલોજીનો રસપ્રદ અને મનોરંજક રીતે ઉપયોગ કરવા માટે જેમ્સ કેમેરોનને દાદ આપવી પડે.
ટૂંકમાં, તમને એકવાર થશે કે જ્યારે આખી વાર્તા ખબર હોય ત્યારે ફિલ્મ જોવાની શું મજા આવે....તેમ છતાં 3ડીમાં ટાઈટેનિકને ડૂબતા જોવામાં કોઈ ખોટ નથી...