ફિલ્મ સમીક્ષા - ચાર દિન કી ચાંદની

P.R
ફિલ્મનું નામ: ચાર દિન કી ચાંદની
સ્ટાર કાસ્ટ: તુષાર કપૂર, કુલરાજ રંધાવા, ઓમ પૂરી, અનુપમ ખેર
ડાયરેક્શન: સમીર કાર્ણિ

રેટિંગ: 3 સ્ટાર

બધાને વીરની પંજાબી પ્રેમિકા ચાંદની ગમે છે પણ વીરના પિતાને તો જોઈએ છે માત્ર અને માત્ર રાજપૂત વધૂ. શું વીરના પિતા અપનાવે છે પંજાબી ચાંદનીને કે નહીં તેના પર આધારિત છે 'ચાર દિન કી ચાંદની'.

રિવ્યૂ: વેલ, તુષારની ફિલ્મ છે એ જાણીને નિરાશ થવાની જરૂર નથી... ઉલ્ટાનું 'ચાર દિન કી ચાંદની'માં હળવી કોમેડી છે. ફિલ્મની શરૂઆત રાજવી ઠાઠમાઠથી ગ્રસ્ત રજપૂત અનુપમ ખેરથી થાય છે જે પોતાની દીકરીના લગ્નની ગોઠવણ કરી રહ્યા છે. દીકરી સિવાય તેમના પરિવારમાં હજી પણ હોટ લાગતી 80ની હિરોઈન અનિતા રાજ, શરાબી દીકરો ચંદ્રચૂડ સિંહ, મુકુલ દેવ, હિંસક સુશાંત સિંહ, વિચિત્ર કારણોસર ચૂપચાપ રહેતો હરિશ (પ્રેમ કૈદીમાં કરિશ્માની સાથે જોવા મળેલો સાઉથનો હિરો) અને સૌથી નોર્મલ દીકરો વીર (તુષાર કપૂર) છે. તુષાર લંડનમાં રહેતો હોય છે અને બહેનના લગ્ન માટે પંજાબી પ્રેમિકા ચાંદની સાથે ભારત આવે છે.

ચાંદની બધાના દિલ જીતી લે છે પણ રાજસ્થાનના રાજવી પરિવારના મુખ્યા અનુપમ વીર માટે રાજપૂત વહૂ લાવવા માટે મક્કમ હોય છે. આ કારણે તેમે વીર-ચાંદનીની પ્રેમકહાણી મુશ્કેલીમાં મૂકાય છે. ચાંદની લગ્નમાં એક પત્રકાર બનીને રાજવી લગ્નને કવર કરવાના બહાને આવી હોય છે આ કારણે વીરના બધા ભાઈઓ પણ તેની પર નજર ટિકાવીને બેઠેલા હોય છે. જ્યારે તેના માતા-પિતા ઓમ પૂરી અને ફરિદા જલાલ અહીં પહોંચે છે ત્યારે સર્જાય છે હાસ્ય જ હાસ્ય. ઓમ પૂરી પણ વીર-ચાંદનીને સાથ આપતા હોય તે રીતે પંજાબના બેસ્ટ વેડિંગ પ્લાનર બની જાય છે, (જેમણે ઝેલ સિંહથી લઈને મનમોહન સિંહના લગ્ન કરાવેલા છે). અલબત્ત, અનુપમ ખેર અચાનક જ હુકમનામું ફરમાવે છે કે તેમને વહાલી લાગતી ચાંદનીએ કોઈ સારા પંજાબી યુવક સાથે પરણી જવુ જોઈએ. આ સમયે એન્ટ્રિ થાય છે 'પપ્પી સરદાર'- તુષાર કપૂરની.

લગ્ન પર આધારિત અન્ય વાર્તાઓની જેમ આમાં પણ ઘોંઘાટ અને રમૂજ છે. બોલિવૂડ મસાલા ફિલ્મ જેવી આ ફિલ્મ તમને વાર્તાની ઊંડાઈ કે ઝીણવટતા વિશે વિચારવાનો સમય જ નથી આપતી. 'ચાર દિન કી ચાંદની' એવા ફિલ્મ રસિયાઓ માટે છે જેમને કોઈ પણ જાતની સમજણ વગરની રમૂજી મસાલા ફિલ્મો જોવી ગમે છે. 'દિવાર'થી લઈને 'દબંગ' સુધીના ફિલ્મી ડાયલોગ્સ, ગે જોક્સ, આંખે પૂરી રીતે જોઈ ન શકતા સરદાર વગેરે વિશેની કોમેડી અમુક સમયે વધારે પડતી લાગે છે. જો કે, તેની એનર્જીથી ભરપૂર હિરોઈન, મસ્તીખોર હિરો, સ્વિટ કેમિસ્ટ્રિ, અમુક કુશળ કલાકારો સાથે 'ચાર દિન કી ચાંદની' કોઈ ગૂઢ વાર્તા વગરની હળવી રમૂજ છે.

વેબદુનિયા પર વાંચો