સ્ટોરી: ભોપાલ શહેરમાં એક રાજકારણીને બેન્કના કેશિયર ભરત (અક્ષય ખન્ના)ના ઘરમાં પોતાની ઓફિસ ખોલવા માટે રૂમ જોઈએ છે. જ્યારે ભરત રૂમ આપવાની ના પાડે છે ત્યારે નેતા ભરતને પોલિસ દ્વારા ખોટી રીતે હેરાન કરાવડાવે છે. વર્ષો પહેલા ભરતના ઘરમાંથી ચોરાયેલો ટેબલફેન પાછો લાવવા માટે ભરતે પોલિસને લાંચ આપવી પડે છે.
રિવ્યૂ: ગત વર્ષો ભ્રષ્ટાચાર અને તેની વિરુદ્ધની લડાઈ ઘણા સમય સુધી છાપાઓની હેડલાઈન બનેલી રહી હતી. એવામાં ફિલ્મોમાં તેની અસર દેખાય તે સ્પષ્ટ વાત છે. ગલી ગલી ચોરનો મુખ્ય નાયક ભરત પણ ભ્રષ્ટાચારથી ત્રસ્ત દેશના સામાન્ય નાગરિકોને રજૂ કરે છે.
ડાયરેક્ટર રૂમી જાફરીએ આ પહેલા 'ગોલમાલ રિટર્ન્સ', 'બડે મિયાં છોટે મિયાં', 'હિરો નં.1' અને તેના જેવી અન્ય ઘણી હિટ ફિલ્મો લખી છે. આ કોમેડી ફિલ્મ દ્વારા તેમણે ભ્રષ્ટાચારથી ભરપૂર તંત્ર પર સુંદર કટાક્ષ રજૂ કર્યો છે. જો કોઈ સામાન્ય નાગરિક સમાજના વગદાર વ્યક્તિનો વિરોધ કરે તો કેવી રીતે તેના આખા પરિવારને પોલિસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખવડાવાય છે.
આ ફિલ્મ અણ્ણા હજારને સ્પેશિયલ સ્ક્રિનિંગમાં બતાડાઈ હતી. ફિલ્મની શરૂઆત ઘણી જ સારી રહી છે. કૈલાશ ખેરે ગાયેલું ટાઈટલ ટ્રેક ફિલ્મ માટે આશાઓ જગાડે છે. શરૂઆતમાં ભરત અને તેના પિતા (સતિષ કૌશિક) વચ્ચેનો વાર્તાલાપ પણ રસપ્રદ છે.
અલબત્ત, તરત જ ફિલ્મનો કોમિક ટાઈમિંગ ખોરવાઈ જાય છે. સ્થાનિક રામલીલામાં હનુમાન બનેલો ભરત ફિલ્મના મુખ્ય વિષયથી અલગ દિશામાં ફંટાઈ જાય છે. ભરતના ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હોટ મુગ્ધા પણ ભરત અને તેની પત્ની (શ્રિયા) વચ્ચે ખટપટ ઊભી કરવામાં નિષ્ફળ રહે છે. સપોર્ટિંગ એક્ટર સતિષ કૌશિક અને હવાલદારના પાત્રમાં અન્નુ કપૂર પણ સામાન્ય સ્ક્રિપ્ટને કોઈ ઊંચા સ્તરે લઈ જવામાં નિષ્ફળ રહ્યા છે.
અક્ષય ખન્ના લાંબા સમય પછી મોટા પડદે જોવા મળ્યો છે. તેના માથાના વધેલા વાળ અને ચહેરા પરનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ આવે છે. તમને ભરત ગમશે- જેમ અણ્ણાએ ભ્રષ્ટાચારી પોલિસ અધિકારી અને રાજકારણીઓને રોકડો જવાબ પરખાવે છે તેવો જ છે ભરત. નાના શહેરની સામાન્ય પરિવારની વહૂના રોલમાં શ્રિયા બરાબર ફિટ બેસે છે. આજની બહુ ઓછી અભિનેત્રીઓ મેક્સી કે નાઈટ ગાઉનમાં જોવા મળશે, જે લાખો ભારતીય મિડલ ક્લાસ સ્ત્રીઓનો દરરોજ સવારનો પહેરવેશ છે.
પોતાના આઈટમ સોન્ગ દ્વારા વીણાએ પણ સારો પ્રયાસ કર્યો છે. અલબત્ત, અંતમાં 'ગલી ગલી ચોર હૈ' તમારી અપેક્ષા પૂરી નથી કરી શકતી. તમને બીજી એક એન્ટિ-કરપ્શન આંદોલન જેવી જ લાગશે.