જ્યા પ્રેમ અને નફરત ટકરાય છે ત્યાં પેદા થાય છે આ લવસ્ટોરી. નાનપણથી એકબીજાને નફરત કરતા બે લોકો પરિવારના વણલખાયેલા નિયમને તોડીને એકબીજાના પ્રેમમાં પડે છે. અને આ લવસ્ટોરી શરૂ કરે છે નફરતની નવી લડાઈ.
આ અજીબ પ્રેમકહાણી શરૂ થાય છે બંદૂક, બદમાશી, ગુંડા અને ગાળો સાથે. આગના ગોળા જેવો પરમા (અર્જૂન) અને આગની જ્વાળા જેવી ઝોયા (પરિનીતી) એકબીજાને નાનપણથી નફરત કરે છે. કારણ માત્ર એટલું કે તે બન્ને બે દુશ્મન રાજકારણી પરિવારમાં જન્મ્યા હોય છે. જ્યાં ખિસ્સા બંદૂક હોવી એ ફેશન એસેસરિ ગણાય છે અને કોઈ પણ અણઘડ વ્યક્તિ ડિઝલ કે બાર ડાન્સર ચાંદ (ગૌહર ખાન)માટે થઈને કોઈનો પણ જીવ લઈ લે તેવા અલમોર જેવા નાનકડા શહેરમાં તોછડા અને તોફાની છતાં પ્રેમાળ પરમા અને બિન્દાસ છતાં ગુસ્સેલ ઝોયા વચ્ચે શરૂ થાય છે પ્રેમ કહાણી. તે બન્ને એકબીજાને એટલી જ નફરત કરે છે જેટલા એકબીજાને શોધવા માટે ફાંફાં મારે છે. બન્ને વચ્ચે થતી શાબ્દિક લડાઈઓ અને ગોળીઓના વરસાદ વચ્ચે સર્જાતા પ્રણયદ્રશ્યો આ લવ-હેટ-સ્ટોરીમાં મજેદાર છે. આ પ્રકારે એકબીજાને સુંદર પૂરક જોડી ભાગ્યે જ જોવા મળે છે.
P.R
તોછડાઈ, ઉર્જા અને હિંમતવાન પરમાના પાત્રને નવોદિત અભિનેતા અર્જૂન કપૂરે વિશ્વસનીયતા સાથે રજૂ કર્યું છે. જે રીતે તે બંદૂક ચલાવે છે, ગાળો બોલે છે, પોતાની પ્રેમિકાને જે રીતે હડસેલે છે અને એકદમ જંગલીની જેમ પ્રેમ કરે છે તે બધા દ્રશ્યો, મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા યુવક અર્જૂને સહજ રીતે પડદાં પર ઉતાર્યાં છે. પોતાના છોકરામાંથી નવો નવો જ પુરુષ બનેલો હોય તેવી તેની 'બત્રીસી' દેખાડતી લુચ્ચી અને કાતિલ સ્માઈલ આખી ફિલ્મ દરમિયાન છવાયેલી રહે છે.
પરિનીતી ચોપરા અદ્દભુત છે. તેનો ચહેરો જોતા કોઈ પણ તેને પસંદ કરવા લાગી શકે છે, તેની સ્માઈલ જોઈને કોઈ પણ તેના પ્રેમમાં પડી શકે છે. હા, ચોક્કસ જ તે પડદાં પર લાર્જર ધેન લાઈફ રજૂઆત નથી કરી શકતી પોતાની તેમ છતાં તેની આઈટમ બોમ્બ જેવી સાદગીપૂર્ણ હાજરીને દર્શકો અવગણી પણ નથી શકતાં.
ગૌહર ખાને પોતાની એક્ટિંગની પ્રતિભાનું ઘણુ (અંગ)પ્રદર્શન કર્યું છે.
ડાયરેક્ટર હબીબ ફૈઝલ પોતાના પાત્રો- ઉદ્ધત દદ્દા, દુ:ખિયારી અમ્મા અને બે મિજાજી ભાઈઓ-દ્વારા દર્શકોને નાના શહેરની પ્રેમ કહાનીના કેન્દ્ર સુધી લઈ જાય છે પણ ફિલ્મના બીજા ભાગમાં વાર્તાને આગળ નથી લઈ જઈ શકતાં. ટ્રેનની કટાઈ ગયેલી બર્થ પર સંવેદનશીલ શૂટ કરેલા લવમેકિંગ સીન, ઝીણવટતાભેર શૂટ કરેલા રોમેન્ટિક ગીત (પરેશાન) અને આચંકો આપતા ઈન્ટરવલ પહેલાના દ્રશ્ય પછી બીજા ભાગમાં 3 પત્તીની બાજી ખુલ્લી મૂકી દીધી હોય તેમ ફિલ્મનો અંત બહુ જ અનુમાનિત બની જાય છે. ટૂંકમાં પહેલો ભાગ રોમાંચકતાથી ભરપૂર છે તો બીજો ભાગ સાવ જ નીરસ છે.
ફિલ્મ 'ઈશકઝાદે'ની શરૂઆત ધમાકેદાર છે પણ અંત ઠંડો છે.