પીપલી લાઈવ એ લોકોની વાર્તા છે જે ભારતની અંદરના વિસ્તારોમાં રહે છે. આ લોકો વર્તમાન સમયમાં ભારતીય સિનેમાંથી ગાયબ છે. તેમની ભાળ કોઈ પણ નથી લેતુ અને ચૂંટણીના સમયે જ તેમને યાદ કરવામાં આવે છે.
વિકાસના નામ પર શાઈનિંગ ઈંડિયાની તસ્વીર રજૂ કરવામાં આવે છે. જાજરમાન મોલ બતાવવામાં આવે છે. પરંતુ ભારતની લગભ બે તૃતીયાંશ વસ્તી આ દૂરદૂરના ગામોમાં રહે છે, જેને એક સમયનુ ભોજન પણ પેટ ભરીને મળતુ નથી.
કહેવા ખાતર તો ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમના માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ તેમના સુધી પહોંચતા પહેલા જ યોજનાઓ દમ તોડી દે છે. વચ્ચે નેતા, બાબૂ, ઓફિસર તેમનો હક છીનવી લે છે. થોડા દિવસો પહેલા આ યોજનાઓને લઈને શ્યામ બેનેગલે પણ 'વેલ ડન અબ્બા' બનાવી હતી અને હવે અનુષા 'પીપલી લાઈવ' લઈને આવી છે.
P.R
નત્થા અને તેના ભાઈ બુધિયાની જમીન બેંક જપ્ત કરવાની છે, કારણ કે તે લોનના પૈસાની ચુકવણી કરી શકે તેમ નથી. તેઓ એક નેતા પાસે જાય છે, જે કહે છે કે જીવતા જીવત તો સરકાર તમારી મદદ નથી કરી શકતી, પરંતુ આત્મહત્યા કરી લો તો વળતરના રૂપમાં એક લાખ રૂપિયા તમને મળી શકે છે.
બુધિયા થોડો ચાલાક છે. તે નત્થાને આત્મહત્યા કરવા માટે રાજી કરી લે છે. જેથી તેની વૃદ્ધ માતા, પત્ની અને બાળકોને મદદ મળી જાય. તેના પ્લાનની ગંધ મીડિયાને આવી જાય છે. અચાનક નત્થાનુ ઘર ચર્ચાનુ કેન્દ્ર બની જાય છે. મીડિયાવાળા કેમેરા અને માઈક લઈને તેના ઘરની આસપાસ એકત્ર થઈ જાય છે અને નત્થા આત્મહત્યા કરશે કે નહી તે બ્રેકિંગ ન્યુઝ બની જાય છે.
ફિલ્મની નિર્દેશક અને લેખક અનુષા રિઝવી ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલી હતી, તેથી તેણે તેમના પર સારી ટિપ્પણી કરી છે. કેવી રીતે બ્રેકિંગ ન્યુઝના નામ પર સનસની ફેલાવવામાં આવે છે. કેવી રીતે સમાચારને બનાવવામાં આવે છે, એ તેમણે સારી રીતે રજૂ કર્યુ છે.
મીડિયા કર્મચારી નત્થાની ઘર આગળ તંબૂ બાંધીને બેસી જાય છે. તેની દરેક ગતિવિધિ પર ધ્યાન રાખે છે. તે પેટ સાફ કરવા માટે ખેતરમાં જાય છે તો તેને પાછળ કેમેરો લઈને દોડ લગાવવામાં આવે છે, અને બતાવવામાં આવે છે કે આજ નત્થા કેટલીવાર સંડાસ કરવા ગયો હતો. નત્થાની લેટરીનનો રંગ જોઈને તેની માનસિક સ્થિતિનો અંદાજ લગાડવામાં આવે છે.
P.R
મીડિયાને ફક્ત સનસનીમાં રસ છે ? નત્થાની હાલત આવી કેમ છે ? તેની માનસિક સ્થિતિ કેવી છે ? આ કોઈ જાણવા નથી માંગતુ. રિપોટર્સને નોકરી બચાવવા માટે બાઈટ મેળવવા માટે શુ શુ કરવુ પડે છે, તેની પણ ઝલક જોવા મળે છે.
નત્થનુ મોત તમાશાની રાજનીતિનો પણ અખાડો બની જાય છે. ચૂંટણી માથા પર છે, તેથી વિરોધી ઈચ્છે છે કે તે મરી જાય જેથી સરકાર વિરુદ્ધ મુદ્દો મળી જાય. એક નેતા તો નત્થાને સાહસી પુરૂષ બતાવતા તેને ઈનામમાં ટીવી આપે છે. ભૂખા-તરસ્યા નત્થા માટે ટીવી શુ કામનુ ? બિચારો છેલ્લી સુધી ટીવીને બોક્સમાંથી કાઢતો નથી.
વારંવાર પગલા ઉઠાવવાનુ આશ્વાસન આપનારા કલેક્ટર લાલબહાદુર યોજના નામ પર હેંડપંપ નત્થાને આપી જાય છે, પરંતુ તેના ફિટિંગ માટે પૈસા નથી આપતા. અફસરથી લઈને મંત્રી સુધી નત્થાના નામ પર એકબીજા પર દોષારોપણ કરે છે, પરંતુ નત્થાની તકલીફ દૂર કરવા વિશે કોઈ નથી વિચારતુ.
નત્થા જેવા ઘણા ખેડૂત એ ગામમાં રહે છે, પરંતુ તેમની ભાળ લેવા કોઈ તૈયાર નથી. એક મરિયલ જેવો દેખાતો માણસ દિવસ-રાત ખાડો ખોદીને માટી વેચે છે, બદલામાં તેને પંદરથી વીસ રૂપિયા મળે છે. એ જ ખાડામાં તે દમ તોડી દે છે, પરંતુ તેના સમાચાર મીડિયા પણ નથી આપતુ કે કોઈ નેતા પણ તેના મોત પર અફસોસ વ્યક્ત નથી કરતો.
અનુષા રિઝવીએ એ ભારતની તસ્વીર રજૂ કરી છે જે શાઈનિંગ ઈંડિયાની ઝાકળમાળમા6 ક્યાક ખોવાઈ ગઈ છે. વ્યંગ્યાત્મક રીતે તેમણે બતાવ્યુ છે કે કેટલાય નત્થા આજે પણ બેઝિક વસ્તુઓ માટે તરસી રહ્યા છે. ફિલ્મ જોતી વખતે હોઠો પર હાસ્ય આવે છે, પરંતુ સાથે સાથે દુ:ખનો પણ અનુભવ થાય છે.
નિર્દેશકના રૂપમાં અનુષાની આ પ્રથમ ફિલ્મ છે, પરંતુ તેનુ કામ ચોખવટભર્યુ છે. એક સીનને બીજા સીન સાથે તેણે સંવાદો દ્વારા સુંદરતાપૂર્વક જોડ્યુ છે. વચ્ચે જરૂર આ ફિલ્મ થોડી સ્થિર લાગી પરંતુ ટૂંકમાં તેણે કામ સારૂ કર્યુ છે. મનોરંજન સાથે તેણે પોતાની વાત કરી છે.
અભિનયના બાબતે બધા કલાકારોએ શ્રેષ્ઠ અભિનય કર્યો છે. નત્થાના રૂપમાં ઓંકારદાસ માણિકપૂરીએ કમાલ કરી છે. રોલ મુજબ તેમનો ચેહરો, બોડી લેંગ્વેજ એકદમ પરફેક્ટ છે. રઘુવીર યાદવ હંમેશાની જેમ શ્રેષ્ઠ છે. નત્થાની પત્નીના રૂપમાં શાલિની વત્સ્સા અને માં ફારૂખ જાફર વચ્ચેની ટિપ્પણી સાંભળવા જેવી છે. નાનકડા રોલમાં નસીરુદ્દીન શાહ અને ટેલીવિઝન રિપોર્ટરના રૂપમાં મલાઈકા શિનોયે પણ પ્રભાવિત કર્યા છે.
'મહેગાઈ ડાયન' અને 'દેશ મેરા' સાંભળવા લાયક છે. ફિલ્મના સંવાદ એકદમ રિયલ છે અને ગામને સુંદરતા સાથે શૂટ કરવામાં આવ્યુ છે.
P.R
ફિલ્મના નિર્માતા આમિર ખાન પણ શુભેચ્છા મેળવવાના હકદાર છે. જેમણે સ્ટાર્સ વગર આ પ્રકારની ફિલ્મ બનાવી. પહેલા 'પીપલી લાઈવ'જેવી ફિલ્મોને ફક્ત ફિલ્મ સમારંભમાં જ જોઈ શકાતી હતી, પરંતુ આમિરે માર્કેટિંગની સાથે તેને આટલા બધા સિનેમાઘરોમાં રજૂ કરી અને વધુમાં વધુ દર્શકો સુધી આ ફિલ્મ પહોંચાડી.
સ્વતંત્રતા દિવસવાળા અઠવાડિયામાં તેમણે ફિલ્મને રજૂ કરીને તેમણે એ બતાવવાની કોશિશ કરી છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ઘણા ભારતીયોનુ જીવન દુર્દશાપૂર્ણ છે.