દહેજના નામ પર વિવિધ ધર્મના લોકો એક જેવા જ લાગે છે. ભારતીય સમાજનો આ રોગ વર્ષો જુનો છે. ઘણીવાર કેટલાય ફિલ્મકારોએ પોતાની ફિલ્મો દ્વારા આ બુરાઈ વિરુદ્ધ એટલો અવાજ ઉઠાવ્યો છે કે હવે આ ફિલ્મો માટે એક ચીલા ચાલુ વિષય બની ગયો છે.
હબીબ ફૈસલ દ્વારા નિર્દેશિત ફિલ્મ દાવત એ ઈશ્ક પણ દહેજ જેવા કુરિવાજ વિરુદ્ધ છે. પણ પાત્રો અને પુષ્ઠભૂમિમાં એવો ફેરફાર કર્યો છે કે ફિલ્મમાં નવીનતાનો આભાસ થાય છે. હૈદરાબાદ અને લખનૌ જેવા શહેરોમાં આને ફિલ્માવી છે. જે સ્થાનીય સ્વાદિષ્ટ વ્યંજનોને કારણે દેશભરમાં પ્રસિદ્ધ છે. આ શહેરો ઉપરાંત બિરયાની, હલીમ, કબાબના સ્વાદને પણ ફિલ્મ જોતી વખતે દર્શકો અનુભવ કરે છે. વાર્તાના બધા પાત્ર મુસ્લિમ સમુહના છે જેનાથી ફિલ્મમાં એક જુદો જ રંગ જોવા મળે છે.
દહેજના નામ પર માતા પિતા પોતાના આઈએસ ઓફિસર, ડોક્ટર અને એંજીનિયર પુત્રોના ભાવ નક્કી કરે છે અને નિકાહ માટે છોકરીવાળાઓ પાસે રકમ માંગવામાં આવે છે. છોકરાઓએ ભણી ગણીને ડિગ્રી તો મેળવી લીધી પણ જ્ઞાન ન મેળવી શક્યા. કપડા બાબતે ભલે તેઓ આધુનિક લાગતા હોય પણ વૈજ્ઞારિક રૂપે તેઓ વર્ષો જૂની પરંપરાઓના હિમાયતી છે. એ જ કારણ છે કે ફિલ્મની નાયિકા ગુલરેજ (પરિણિતી ચોપડા)ના લગ્ન નથી થઈ રહ્યા. તે ચાલાક છે અને દહેજ માંગનારા યુવકો અને માતાપિતાને ઘરની બહાર કરવામાં મોડુ નથી કરતી.
ગુલરેજ અમેરિકા જઈને શુ ડિઝાઈનિંગનો કોર્સ કરવા માંગે છે. તેના પિતા (અનુપમ ખેર) કોર્ટમાં કલર્ક છે અને તેઓ તેનો ખર્ચ ઉઠાવવો તેમના ગજાની વાત નથી. ગુલરેજને લાગે છે કે બધા છોકરાઓ દહેજ માંગનારા હોય છે. તે આ દહેજ લોભીઓને પાઠ ભણાવવા એક પ્લાન બનાવે છે. આખી દુનિયા બેઈમાની કરી રહી છે તો આપણે કેમ ઈમાનદારીનો ફાંકો મારીએ કહીને તે તેના પિતા પણ ગુલરેજને સાથ આપે છે.
પોતાના પિતા સાથે નામ અને ઓળખ બદલીને તે હૈદરાબાદથી લખનૌ જાય છે. એક શ્રીમંત યુવકને ફસાવે છે જેથી લગ્ન કર્યા બાદ ધારા 490-એ નો દુરુપયોગ કરી એના પર દહેજ માંગવાનો આરોપ લગાવે અને કોર્ટની બહાર મોટી રકમ લઈને સમજૂતી કરી લે. જેનાથી તેનુ અમેરિકા જવાનુ સપનુ પણ પુરૂ થઈ જશે.
તારિક (આદિત્ય રાય કપૂર) ને તે પોતાની જાળમાં ફસાવે છે. પણ પોતે જ ફસાય જાય છે. તારિક દહેજ વિરોધી હોવા ઉપરાંત એક સારો માણસ પણ છે. ગુલરેજ તેને પ્રેમ કરવા માંડે છે. પોતે બનાવેલ જાળમાંથી ગુલરેજ કેવી રીતે બહાર નીકળે છે એ આ ફિલ્મનો સાર છે.
હબીબ ફૈસલ અને જ્યોતિ કપૂરે મળીને ફિલ્મની સ્ટોરી લખી છે. જ્યારે કે સ્ક્રિપ્ટ અને સંવાદ હબીબના છે. દહેજ જેવા ગંભીર વિષય પર આધારિત હોવા છતા આ ફિલ્મ હલ્કી ફુલ્કી અને રોમાંટિક છે. આટલી સરળતાની સાથે આ ફિલ્મ સંદેશ પણ આપી જાય છે અને ફિલ્મ જરાપણ બોઝિલ કે ઉપદેશાત્મક નથી લાગતી.
જેને દગો આપવા જઈ રહ્યા છે એની સાથે જ પ્રેમ થઈ જવાનો ફોર્મૂલા ખૂબ જુનો છે. પણ હબીબનુ પ્રસ્તુતિકરણ ફિલ્મને જુદો રંગ આપે છે. હૈદરાબાદ અને લખનૌને સારુ ફિલ્માવ્યુ છે. અને વચ્ચે વચ્ચે વ્યંજનોનો ઉલ્લેખ ફિલ્મને જુદો ક્લેવર આપે છે.
ફિલ્મના પાત્રો પર મહેનત કરવામાં આવી છે. પરિણીતી, આદિત્ય અને અનુપમની આસપાસ જ ફિલ્મ ફરે છે અને આ ત્રણે પાત્રો ભરપૂર મનોરંજન કરે છે. પિતા પુત્રીનો સંબંધ ફિલ્મમાં ખૂબ હસાવે છે. બીજી બાજુ પરિણિતી અને આદિત્યનો રોમાંટિક ટ્રેક પણ સારો છે. સંવાદ પણ હસાવે છે. નિર્દેશકના રૂપમાં હબીબે ફિલ્મમાં વાતાવરણ હળવુ રાખ્યુ છે.
સ્ક્રિપ્ટ પરફેક્ટ પણ નથી. અનેક જગ્યાએ ફિલ્મ ગડબડ કરે છે પણ તરત જ એક સારુ દ્રશ્ય ફિલ્મને સાચવી લે છે. ફિલ્મના અંતમા ગુલરેજનુ કન્ફ્યુજન દર્શકોને સમજાતુ નથી. તારિકને પ્રેમ કરવા છતા તેને દગો આપવો અને પછી પછતાવો કરવો સારી રીતે બતાવાયો નથી. બીજા હાફમાં નિર્દેશક ગડબડ કરી ગયા. ગુલરેજ અને તેના પિતાનો નકલી પાસપોર્ટ બનાવવો તારિકના પ્રતિષ્ઠિત પરિવારને દગો આપવો આટલો સરળ બતાવ્યો છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પણ ફિલ્મના મુડ અને ઉદ્દેશ્યને જોતા આને ઈગ્નોર કરી શકાય છે.
ફિલ્મના મુખ્ય કલાકાર ટોપ ફોર્મમાં જોવા મળ્યા. પરિણિતી ચોપડાએ બોલ્ડ ગુલરેજનુ પાત્ર સારી રીતે ભજવ્યુ છે. તેના પિતાની ભૂમિકામાં અનુપમ ખેરે પોતાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. આદિત્ય રાય કપૂર પહેલીવાર એક અભિનેતાના રૂપમાં પ્રભાવિત કરવામાં સફળ રહ્યા. સાજિદ વાજિદ દ્વારા સંગીત આપેલ ત્રણ ગીતો સારા છે.
ટૂંકમાં કહેવાય કે દાવત એ ઈશ્કનો આનંદ લેવા જેવો છે.