શનાયા એક ભૂલાતી જતી સુપરસ્ટાર છે જે પોતાની કારકીર્દિને બચાવવા માટે કાળા જાદુનો સહારો લઈને નવોદિત અભિનેત્રી સંજનાને પાછળ પાડી દેવાનો પ્રયાસ કરે છે.
શનાયા (બિપાશા બાસુ) ટોપ સ્ટાર છે જેનું સ્ટારડમ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે જ્યારે આ તરફ નવી સવી એક્ટ્રેસ સંજના (એશા ગુપ્તા) નવી ફિલ્મો, એવોર્ડ્સ અને ટોપ એક્ટ્રેસનું સ્થાન બધુ મેળવી રહી છે. શનાયા આ હકીકતનો સ્વીકાર નથી કરી શકતી અને પોતાની ટોપ પોઝિશન ટકાવી રાખવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પછી ભલે પોતાના પ્રેમને જોખમમાં નાંખવો, પોતાના ડાયરેક્ટર બોયફ્રેન્ડ આદિત્ય (ઈમરાન હાશ્મી)ને દગો આપવો કે ભગવાનમાં વિશ્વાસ ગુમાવી દેવો. તે કાળી વિદ્યા, તંત્ર-મંત્ર અને આત્માઓના મિલન તરફ આગળ વધે છે અને આ કાળા કામમાં પોતાનો સાથ આપવા માટે પોતાના બોયફ્રેન્ડને પણ સંમોહિત કરીને સામેલ કરાવે છે. ધીરે ધીરે સંજના પર કાળા જાદુનો અસર થવા લાદે છે, તે પોતાનો ભાન અને મગજ ખોઈ બેસે છે. ભટકતી આત્મા (મનિષ ચૌધરી)ની જાળમાં ફસાય છે અને આચંકાઓ, આઘાત અને હોરર ડ્રામાથી ભરપૂર છે 'રાઝ 3'.
એક તરફ ફિલ્મની વાર્તા એક જપરિમાણના પાત્રો સાથે સરળ છે, ત્યારે બીજી તરફ વિક્રમ ભટ્ટે હોરર ફિલ્મને છાજે તેવું કામ કરી બતાવ્યું છે. સેક્સ, હોરર અને અમુક ખરેખર ડરાવનારા દ્રશ્યો સાથે વિક્રમ ભટ્ટ વાહ વાહી ચોક્કસ લઈ જાય છે. 3ડી ઈફેક્ટ એટલો જોરદાર નથી પણ હા, અમુક દ્રશ્યો ધ્રૂજાવી મૂકે છે. સામાન્ય રીતે ભટ્ટ ફિલ્મોમાં વાર્તા સાથે મેળ ખાતા હોય કે ન હોય પણ તેના ગીતો જોરદાર હોય છે. આ વાત આ ફિલ્મમાં મિસિંગ છે.
P.R
બિપાશા સેક્સી જ નહીં પણ સ્કેરી પણ લાગે છે. તેનો રોલ ગ્રે નહીં પણ ડાર્ક બ્લેક છે. આ તેના માટે પડકારજનક હતું અને તેણે તેને પૂરા આત્મવિશ્વાસ સાથે નિભાવ્યો છે. ઈમરાને ઘણી ખૂબીથી અલગ અલગ શેડ્સ બતાડ્યા છે, પેશન, પઝેશન અને પ્રેમભૂખ્યા પ્રેમી વચ્ચેની કન્ફ્યૂઝ્ડ આત્માના રોલમાં તે પરફેક્ટ તરીકે ઊભરી આવ્યો છે. એશા ગુપ્તાએ 'જન્નત 2' કરતા ચોક્કસ વધારે સારી એક્ટિંગ કરી છે અને ઈન ફેક્ટ, વધારે એક્ટિંગ કરી છે. તેમ છતાં, હજી તેના અભિનયને ઘણા બધા પોલિશિંગની જરૂર છે.
હા, રામસે બ્રધર્સની હોરર ફિલ્મોથી જુદુ કંઈક જોવુ હોય તો 'રાઝ 3' 3ડીમાં જોવા જવાનુ ચૂકશો નહીં પણ હા, તમારા પોતાના જોખમે.