મોદીની સભાઓમાં એકઠી થતી ભીડ સાચી કે ખોટી?, શું આ ભીડ જીત અપાવે છે?

બુધવાર, 5 ફેબ્રુઆરી 2014 (13:06 IST)
P.R


ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીએ એકલા હાથે લોકસભાની કુલ ૫૪૩માંથી ૨૭૨ બેઠકો જીતવા માટે કમર કસી છે. મોદી અને ભાજપ જાણે છે કે, દેશભરમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા તેજાબી મુદ્દાઓને કારણે કોંગ્રેસની લાખ પીઠે હઠ છતાં લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે ૨૭૨ બેઠકોના લક્ષ્યાંકને સ્પર્શ કરવો સરળ બાબત તો નથી જ અને એટલે તેમણે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે અગાઉ શક્ય હોય તેટલા રાજ્યોમાં સભાઓ-રેલીઓ યોજવાની રણનીતિ અમલમાં મૂકી છે.

તેઓ જાણે છે કે,દેશના સંખ્યાબંધ સંખ્યાબંધ રાજ્યો એવા છે કે જ્યાં ભાજપનું અસ્તિત્વ જ નથી કે ત્યાં તેનું સંગઠન નામમાત્ર માટે જ છે. જાણવા મળ્યા મુજબ આવી પરિસ્થિતિમાં મોદી અને તેમના સાથી અમિત શાહે એવી રણનીતિ અપનાવી છે કે, જે રાજ્યોમાં ભાજપ કમજોર મનાય છે તેવા તમામ રાજ્યોમાં મોદીની રેલીઓ-સભાઓમાં યેનકેન પ્રકારેણ લાખોની મેદની ભેગી કરીને મોદી દેશના એકમાત્ર સૌથી લોકપ્રિય નેતા છે એવો માહોલ ખડો કરવો ! તેઓ એ પણ જાણે છે કે,આ રણનીતિને કારણે મુક્ય હરીફ એવી કોંગ્રેસ તો ઢીલી થશે જ પરંતુ જે તે રાજ્યોના અન્ય પ્રાદેશિક પક્ષો પણ ભાજપ કે મોદી સાથે હાલ મિલાવવા મજબૂર થશે. જો મોદીની આ રણનીતિ 'જો' અને 'તો'ના રાજકારણને આધારિત છે.

મોદી-અમિત શાહની આ રણનીતિને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, મોદીની રેલી જ્યાં થાય છે ત્યાં લગભગ દરેક સભામાં વિશાળ જન-મેદની ભેગી કરી દેવાય છે. સભામાં ઉપસ્થિત લોકો સ્વંય આવતા હોય તેવો માહોલ જરુર ખડો કરાય છે પરંતુ તે મેદની કેવી રીતે ભેગી કરાય છે અને તેને કઈ રીતે લાવવામાં આવે છે. તે પેંતરા ભાજપના રણનીતિકારો જાણતા હોવાને લીધે તેઓ હજુ પણ અંદરખાનેથી છાતી ઠોકીને કહેતા નથી કે તેમને ચૂંટણીમાં એકલા હાથે ૨૭૨ બેઠકો અથવા તો બહુમતિ હાંસલ થઈ જશે. આમ છતાં તઓ એટલું તો જરુર માને છે કે, મોદીની લગભગ તમામ રેલીઓને સફળ સાબિત કરી દેવાશે તો જ્યારે લોકસબાની ચૂંટણીની તારીખ જાહેર કરાશે અને જ્યારે ખરેખર ચૂંટણી જંગ શરુર થશે ત્યારે તેમને મોદીની અત્યારની રેલીઓ અને તેમાં ઉમટેલી ભીડને કારણે ઉભા થયેલા મોદીની લોકપ્રયતાના માહોલનો મોટો લાભ થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો